શબ્દલોકના યાત્રીઓ – ૧/ચન્દ્રવદન મહેતા

ચન્દ્રવદન મહેતા

અંગ્રેજીમાં ‘સી. સી’ અને ગુજરાતીમાં ‘ચં.ચી’ના ટૂંકા નામથી ઓળખાતા ચન્દ્રવદનભાઈ ગુજરાતી સાહિત્યના સૌ વાચકોને સુપરિચિત છે; અને છતાં તેમને પૂરેપૂરા ઓળખવાનો દાવો કોણ કરી શકે? કદાચ પોતે પણ નહિ! આપણા સાહિત્યની એ એક વિલક્ષણ સર્જક પ્રતિભા છે. એમનો જન્મ છઠ્ઠી એપ્રિલ ૧૯૦૧ના રોજ થયો હતો. ૧૯૭૬માં તેમને પંચોતેર વરસ થયાં ત્યારે ગુજરાત અને ગુજરાત બહાર એમનો અમૃત મહોત્સવ ભારે દબદબાપૂર્વક ઊજવાયેલો. ચંદ્રવદનભાઈ લાગણીશીલ પણ એટલા જ. કોઈએ કહેલું કે સુરતમાં પોતાના સન્માનનો જવાબ આપતાં તે રડી પડેલા. આ અમૃત મહોત્સવ પ્રસંગે ઉમાશંકર જોષીએ એક કાવ્ય લખ્યું છે : ‘ચન્દ્રવદન એક ચીજ ‘. આરંભ થાય છે :

ચન્દ્રવદન એક ચીજ
અલકમલકની
ગુજરાતે ના જડવી સ્હેલ

અને અંતમાં કહ્યું છે:

પ્રેમ ભૂખ્યા પ્રેમાળ
યુવતી શા રસાળ
કદી કો કન્યા શા શરમાળ
અજબ વિચિત્ર વિરલ મિત્ર
એક અલકમલકની ચીજ
ચન્દ્રવદન તે ચન્દ્રવદન તે ચન્દ્રવદન

એમના વ્યક્તિગત સ્વભાવનું અને પ્રતિભાનું યથાર્થ વર્ણન આ કાવ્ય આપે છે, હમણાં અચાનક તેમનો પત્ર આવ્યો; પણ અક્ષરો ઊકલે નહિ! પણ આ પત્ર જેમની હાજરીમાં તેમણે લખેલો એ નામ ઊકલ્યું, મેં તેમને પત્ર લખી ચન્દ્રવદનભાઈ શું કહેવા માગે છે તે જાણી લીધું! ગુજરાતી સાહિત્ય પરિષદના કલ્યાણ (મુંબઈ) અધિવેશનમાં તે પ્રમુખ હતા. હું સાહિત્ય વિવેચન વિભાગનો પ્રમુખ હતો. ચન્દ્રવદન ચિડાઈ જાય એવું ઉદ્ઘાટન બેઠકમાં ઘણું હતું પણ તે તો હસતા જ રહ્યા. પરિસ્થિતિને સહાનુભૂતિપૂર્વક જોવાની પણ તેમને ટેવ છે. ક્યાંય કશી બાંધછેડ તે ન કરે. સિદ્ધાન્તની બાબતમાં તો જરાય નહિ. અને છતાં સૌ સાથે સૌહાર્દથી વર્તે. અભિમાન તો લવલેશ નહિ. બંધુતા, મૈત્રી અને સ્નેહ એમના વ્યક્તિત્વને સહજ છે. ચન્દ્રવદને એમની લેખક તરીકેની કારકિર્દીનો આરંભ કદાચ કવિતાથી કરેલો. સોનેટનો સંગ્રહ, ‘યમલ’ ૧૯૨૬માં પ્રગટ થયો. એ પછી ભાઈ-ભગિનીના પ્રેમનું મનભર ગાન તેમણે ‘ઇલાકાવ્યો’માં ગાયું. એ પછી ‘રતન’, ‘ચાંદરણાં’ વગેરે પ્રગટ થયા. પણ ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચન્દ્રવદન સમર્થ નાટકકાર થવા નિર્માયા હતા. વાર્તાઓ પણ તેમણે લખેલી પરંતુ ‘ધરા ગુર્જરી’, ‘અમે વરવહુ અને બીજાં નાટકો’, ‘નાવા’, ‘પ્રેમનું મોતી અને બીજાં નાટકો’, ‘શિખરિણી’ કેટકેટલાં ગણાવવાં? સળંગ અને એકાંકી બંને પ્રકારનાં નાટકો તેમણે લખ્યાં છે. રેલવેની અનોખી દુનિયાનો તેમને જે જાત-અનુભવ છે તે એમના પ્રસિદ્ધ નાટક ‘આગગાડી’માં કલાત્મક રૂપ પામ્યો છે. ચન્દ્રવદન માત્ર નાટ્યલેખક નથી પણ વિરલ સૂઝવાળા નટ અને નાટ્યવિવેચક પણ છે. દેશપરદેશમાં નાટ્ય-અભિનેતા અને દિગ્દર્શક તરીકે તેમણે જે કામગીરી બજાવી છે તે ગુજરાતી રંગભૂમિના ઈતિહાસનું એક ઉજ્જવલ પ્રકરણ છે. અવેતન રંગભૂમિના ક્ષેત્રે શું શું કરવા જેવું છે, એનું બયાન તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે આપેલા વ્યાખ્યાનમાં અને અમૃત મહોત્સવના સન્માન-ઉત્તરોમાં આપેલું છે. નાટ્યલેખક, નટ અને નાટ્યાચાર્ય તરીકે ચન્દ્રવદનભાઈની સેવા અવિસ્મરણીય લેખાશે. ‘લિરિક અને લગરીક’ અને ‘નાટ્યરંગ’ જેવાં પુસ્તકમાં તેમનાં આસ્વાદ્ય વિવેચનાત્મક લખાણો મળે છે. ચન્દ્રવદન મહેતા ગુજરાતી ગદ્યકારોની ઉજ્જવલ હારમાળામાં શોભે છે. તેમની આત્મકથા અને પ્રવાસવર્ણનની ‘ગઠરિયાં’–માળા ગુજરાતી ગદ્યને એક મોટા સ્તર ઉપર મૂકી આપે છે. ચન્દ્રવદન ગુજરાતી ગદ્યના કીમિયાગર છે. તેમણે આરંભ કર્યો ‘બાંધ ગઠરિયાં’થી પણ પછી ‘છોડ ગઠરિયાં’ ‘સફર ગઠરિયાં’ ‘રંગ ગઠરિયાં’ ‘રૂપ ગઠરિયાં’, ‘નાટ્ય ગઠરિયાં’, ‘અંતર ગઠરિયાં’, ‘ધ્રુવ ગઠરિયાં’ અને છેવટ ‘ગાંઠ બંધનિયાં’ આપી! આ માળા અત્યંત લોકપ્રિય થયેલી છે. ચન્દ્રવદન એલિફન્સ્ટન કૉલેજમાં સાક્ષર નરસિંહરાવના વિદ્યાર્થી પણ તે એમનાથી બંધાયા નહીં. લેખનનો આરંભ પંડિતયુગથી કર્યો પછી ગાંધીયુગમાં એ પ્રફુલ્યા પણ પોતાની રીતે. અને આજે સ્વાતંત્ર્યોત્તર કાળમાં એ પોતાની ચાલે ચાલે છે. વૈયક્તિકતા એમના હાડમાં રહેલી છે. અનન્વય અલંકારનો ઉપયોગ કરીને કહેવું હોય તો ચન્દ્રવદન એટલે ચન્દ્રવદન. શ્રી હંસાબહેન જીવરાજ મહેતા વડોદરા યુનિવર્સિટીનાં ઉપકુલપતિ હતાં ત્યારે ચન્દ્રવદનની વિવિધ શક્તિઓ પિછાની તેમણે તેમને વડોદરા નિમંત્ર્યા. આજ પણ તે વડોદરા યુનિવર્સિટીમાં નાટ્ય એકેડેમીના માનાર્હ પ્રાધ્યાપક અને માર્ગદર્શક છે. ચન્દ્રવદને ચોખૂંટ ધરતી જોઈ છે. આખી દુનિયા ઘૂમી વળ્યા છે. સાહિત્યજગતના ચન્દ્રકો અને પારિતોષિકો લગભગ બધાં જ તેમને મળ્યાં છે. આજે તે પરિષદના પ્રમુખ છે અને ફાર્બસ ગુજરાતી સભાના પણ પ્રમુખ છે. અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે પણ એ પોતે સંસ્થારૂપ બન્યા નથી. જ્યારે જુઓ ત્યારે હળવા ફૂલ. અલગારીપણું તેમના સ્વભાવમાં છે. ખરેખર ગુજરાતી સાહિત્યમાં ચન્દ્રવદન એક ‘ચીજ ‘ છે!