શબ્દલોકના યાત્રીઓ – ૨/સુધીર દલાલ
શ્રી સુધીર દલાલની ‘વ્હાઇટ હૉર્સ’ વાર્તા વાંચી ત્યારે જ ખૂબ ગમેલી, એને વિશે નોંધો પણ કરેલી. સંગ્રહ તો પછી વાંચ્યો. મળવાનું બનેલું નહિ, તે અમદાવાદમાં છે એની પણ જાણ નહોતી. એક વાર શ્રી સ્નેહરશ્મિ સાથે ફોન પર સી. એન. વિદ્યાવિહારે જુદાં જુદાં ક્ષેત્રોમાં ઝળકી ઊઠેલા કેવા કેવા વિદ્યાર્થીઓ આપ્યા એની વાત નીકળતાં સુધીરભાઈનો પણ ઉલ્લેખ થયો, સરનામું મળ્યું, અને પછી તો અમે મળ્યા. મારા એક પ્રિય વાર્તાકારને મળવાથી આનંદ થયો! ‘પંડિત યુગ’ના સ્વ. હરગોવિંદદાસ કાંટાવાળા સુધીરભાઈનાં માતાના દાદા થાય. મટુભાઈ કાંટાવાળા માતાના કાકા. આમ, સાહિત્યનો વારસો તેમને મળેલો. અભ્યાસકાળ દરમિયાન મુનશી, કાલેલકર, ધૂમકેતુ વગેરેને વાંચ્યા. મૉપાસાં, એચ. ઈ. બેટ્સ, ઓ હારા ઈત્યાદિ લેખકોની ટૂંકી વાર્તાઓ વાંચી. તે વાર્તાલેખન તરફ વળ્યા. કૉલેજકાળ દરમ્યાન તેમ જ શાળામાં વિશેષતઃ પ્રવાસવર્ણનો લખેલાં પણ તેમની પહેલી વાર્તા ‘રિટર્ન ટિકિટ’ ‘કુમાર’ માસિકમાં ફેબ્રુઆરી ૧૯૬૩માં પ્રગટ થઈ. એ પછી વાર્તાઓ લખાતી ગઈ અને ‘સંસ્કૃતિ’, ‘નવનીત’, ‘કુમાર’, ‘સમર્પણ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘વિશ્વમાનવ’, ‘કેસૂડાં’, ‘ઉત્તરા’ વગેરેમાં પ્રગટ થવા લાગી. રેડિયો ઉપર પણ તેમની વાર્તાઓ રજૂ થવા લાગી. ૧૯૭૦-૭૧માં તેમનો વાર્તાસંગ્રહ ‘વ્હાઈટ હૉર્સ’ નામે પ્રસિદ્ધ થયો અને એને ગુજરાત સરકારનું ટૂંકી વાર્તાનાં પુસ્તકમાં પ્રથમ પારિતોષિક મળ્યું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એ એફ. વાય. બી. એ.માં પાઠ્યપુસ્તક તરીકે ચાલે છે. સુધીર દલાલે આ એક જ સંગ્રહ દ્વારા આધુનિક વાર્તાકારોમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી દીધું છે. વાર્તાકાર તરીકે તે પોતાનું આગવું વ્યક્તિત્વ પ્રગટાવી શક્યા છે. આધુનિક મિજાજનાં પાત્રો, સાંપ્રત સમાજજીવનના પ્રશ્નનો, સુશ્લિષ્ટ વસ્તુસંવિધાન અને સૂક્ષ્મ, ઝીણું પરિસ્થિતિ-આલેખન, ભાષાનો સ્વાભાવિક પરિચિત સ્તર એમની વાર્તાઓની લાક્ષણિકતા બને છે. સુધીર પરંપરાગત નવલિકા સાથે અનુસંધાન જાળવીને, ઘટનાનો પણ સમુચિત સમાદર કરીને નવી નવલિકામાં વિશેષ રૂપે દેખા દેતી fictional devicesનો ઉપયોગ કરે છે, એ કારણે એમની વાર્તાઓ પરિચિત છતાં અપરિચિત—અવનવી હોવાની છાપ પાડે છે. તેમની સૂક્ષ્મ સંવેદનાશક્તિ વિવિધ વાર્તા-આકારોના નિર્માણમાં પ્રભાવક હિસ્સો અર્પે છે. એથી અહીં કશું અનનુભૂત હોવાની છાપ પડતી નથી. કશું જડ ચોકઠાથી રચાયું હોવાનું લાગતું નથી. વાચકો સાથેનો વાર્તાકારનો તાર સ્વયમેવ રચાઈ જાય છે. સુધીરની ટૂંકી વાર્તાઓમાંનું વાર્તાતત્ત્વ વાચકને તરત વિશ્વાસમાં લે છે અને એમની આગવી વૈવિધ્યસભર કથનરીતિ વાચકને પકડી રાખી શકે છે. હમણાં તેમની વાર્તાઓ ખાસ જોવા મળતી નથી એ એમના વાચકોને કઠશે. તેમની અનેક ટૂંકી વાર્તાઓ બીજી ભાષાઓમાં અનુવાદિત થઈ છે. ‘સારિકા’, ‘ધર્મયુગ’, ‘આજકલ’ વગેરે હિંદી માસિકોમાં તેમની વાર્તાઓ પ્રગટ થઈ છે. મલયાલમ, પંજાબી, મરાઠી અને બંગાળીમાં પણ તેમની વાર્તાઓ ઊતરી છે. ‘સુપ્રિયા’ નામની તેમની વાર્તા લઘુનવલ સ્વરૂપે ‘ગુજરાત સમાચાર’માં પ્રગટ થઈ હતી અને તેના પાંચ હપતા બાદ છેલ્લો હપતો વાચકો લખી મોકલે એવી સ્પર્ધા યોજાયેલી, એને ખૂબ આવકાર સાંપડેલો. શ્રી ચન્દ્રવદન મહેતા નિર્ણાયક હતા, અને પારિતોષિકો પણ વહેંચાયેલાં. આ જ વાર્તા ‘કંકુ’, ‘પરિણય’ જેવાં ગુજરાતી ચલચિત્રોના જાણીતા દિગ્દર્શક કાન્તિલાલ રાઠોડે ચલચિત્ર ઉતારવા લીધી છે, એનો ‘સ્ક્રિન પ્લે’ પણ લેખકે જ તૈયાર કર્યો છે. આ ચલચિત્ર હિંદીમાં ટેકનીકલરમાં ઊતરશે. ‘સુપ્રિયા’ હજુ અગ્રન્થસ્થ છે. લઘુનવલ ‘નહોર’ પણ હવે પછી પ્રગટ થશે. ‘વ્હાઈટ હૉર્સ’ પછીની નવલિકાઓનો પણ એક સંગ્રહ થશે. સુધીરભાઈને પ્રવાસવર્ણનમાં પણ રસ છે. અમેરિકાના પ્રવાસ અંગે તેમણે ‘બીજી બાજુ’ નામે લેખમાળા ‘નવનીત’માં લખેલી. તે નવેમ્બર ૧૯૭પ, ડિસેમ્બર ૧૯૭પ અને જાન્યુઆરી ૧૯૭૬ના અંકમાં છપાયેલી. એમાં તેમણે અમેરિકાના સાંસ્કૃતિક ચળકાટની બીજી બાજુ રજૂ કરેલી છે. યંત્રવૈજ્ઞાનિક સગવડોની પાછળ દોટ મૂકતો મનુષ્ય માનવ જીવનની શાંતિ અને આનંદને કેવો તિલાંજલિ આપી રહ્યો છે અને પોતે જ કેવો યંત્રરૂપ નિર્જીવ બની રહ્યો છે એનું એક ચિત્ર આપવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. ખાસ કરીને અમેરિકામાં વસતા ગુજરાતીઓ, એમની ઉપમા વાપરીને કહીએ તો, અમદાવાદમાં આવેલા ડુંગરપુરિયાઓની જેમ કેવો સાંસ્કૃતિક વિચ્છેદ ભોગવી રહ્યા છે એ પણ તેમણે વેધક રીતે બતાવ્યું છે. મને સૌથી વિશેષ ગમી એ પ્રવાસવર્ણનની ભાષા. ઊંચા મધ્યમ વર્ગમાં વપરાતી બોલચાલની ભાષાભંગિઓ અને સ્લૅન્ગનો તેમણે ક્ષમતાપૂર્વક ઉપયોગ કર્યો છે; પણ તેમની આ લેખમાળા ખૂબ ચર્ચાસ્પદ બનેલી અને એના પરની વાચકોની પત્રચર્ચા વરસેક દિવસ ચાલેલી. તેમણે સરદાર પટેલ યુનિવર્સિટી પ્રકાશિત જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીના લલિત કલાદર્શન–૧ (અભિનયશ્રાવ્ય) વિષય પરના ૧૮મા ગ્રંથમાં વિદેશી ચલચિત્રોનો ઈતિહાસ તથા ભારતનાં સિનેમા અંગેના વિસ્તૃત લેખો લખ્યા છે. ‘ગોવા’ વિશેનું તેમનું પ્રવાસવર્ણન મહારાષ્ટ્રના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક અભ્યાસક્રમના ગુજરાતી પાઠ્યપુસ્તક ‘યુવકભારતી’માં સ્થાન પામ્યું છે. ધોરણ ૯ના ઇતર વાચનના પુસ્તક ‘હું તો નિત્ય પ્રવાસી’માં પણ એ લેવામાં આવ્યું છે. બીજાં પણ પ્રવાસવર્ણનો તેમણે લખ્યાં છે. તેમણે અનેક ચલચિત્રોનાં રસદર્શનો લખ્યાં છે. ‘નૂતન ગુજરાત’માં ચલચિત્રોની કલા વિશે તેમણે કૉલમ ચલાવેલું. શ્રી સુધીર રામપ્રસાદ દલાલનો જન્મ અમદાવાદમાં ૨૩ ડિસેમ્બર ૧૯૩૩ના રોજ થયો હતો. પ્રાથમિક-બાળમંદિરનું શિક્ષણ તેમણે શિશુવિહારમાં લીધું. એ પછી તે શેઠ ચીમનલાલ નગીનદાસ વિદ્યાવિહારમાં દાખલ થયા. ત્યાંથી તે ૧૯પ૦માં એસ.એસ.સી. થયા. એ પછી ગુજરાત કૉલેજમાં ઉચ્ચ અભ્યાસ અર્થે દાખલ થયા. ૧૯પ૪માં કેમિસ્ટ્રી અને ફિઝિક્સ સાથે બી.એસસી.ની ડિગ્રી મેળવી. ૧૯પ૪થી ૧૯પ૬ સુધી ઈંગ્લેન્ડ, મૅંચેસ્ટર યુનિવર્સિટીમાં ટેક્સટાઈલ ટેકનૉલૉજીનો પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ કર્યો. ૧૯પ૬માં બી. એસસી. ટેકનોલોજીની ઉપાધિ મેળવી. તે ઉપરાંત ઍસોશિયેટશિપ ઑફ ટેકસ્ટાઈલ ઇન્સ્ટિટયુટ (A.T.I.) તથા ઍસોશિયેટશિપ ઑફ મૅંચેસ્ટર કૉલેજ ઑફ સાયન્સ એન્ડ ટેકનૉલોજી(A.M.S.I.) મેળવી. ૧૯પ૬થી ૧૯૬૨ સુધી તે કેલિકો મિલ, અમદાવાદમાં સ્પિનિંગ ખાતામાં સેકશન હેડ હતા. ૧૯૬૨થી ૧૯૭૬ સુધી તેમણે સ્વતંત્ર માલિકીની સૂતર ઉત્પાદનની મિલનું સંચાલન કર્યું. ૧૯૭૭-૭૮માં કેલિકો મિલમાં પરચેઝ મૅનેજર હતા. ૧૯૭૮થી ૧૯૮૦ દરમ્યાન કેલિકો મિલમાં ડિવિઝનલ મૅનેજર, પ્રોડક્શન પ્લાનિંગ ઍન્ડ કન્ટ્રોલ, ક્લોથ એન્ડ એક્સાઈઝ ડિપાર્ટમેન્ટ હતા. આ વર્ષના એપ્રિલથી કેલિકો મિલના કાપડ વેચાણના સમગ્ર ચાર્જમાં (ડિવિઝનલ મૅનેજર, માર્કેટિંગ) છે સાહિત્ય સિવાયની અન્ય પ્રવૃત્તિઓમાં સુધીરભાઈએ ૧૯૬૭થી ૧૯૭૪ સુધી અમદાવાદમાં તરંગ ફિલ્મ સોસાયટીનું સંચાલન કર્યું અને કલાત્મક ચલચિત્રો માટે અમદાવાદના નાગરિકોનો શોખ કેળવાય તેવા પ્રયત્નો કર્યા અને ફિલ્મ સોસાયટી મૂવમેન્ટને ગુજરાતમાં પગભર બનાવી અને દેશભરની ફિલ્મ સોસાયટીઓમાં એને આગવું સ્થાન અપાવ્યું એ હકીકત નોંધપાત્ર છે. આર્થર હેઈલીએ જેમ જુદા જુદા ઉદ્યોગો, ઍરપોર્ટ, હોટેલ, બૅંકિંગ, હૉસ્પિટલ વગેરે પર નવલકથાઓ લખી છે તેમ કાપડની મિલ ઉપર નવલકથા લખવાની તેમને ઉમેદ છે. પોતાની સર્જનપ્રક્રિયા વિશે તેમણે વાતવાતમાં કહેલું કે એક જ બેઠકે તે વાર્તા પૂરી કરી નાખે છે. વાર્તા લખવા માટે તેમને રાત્રિનો સમય વધુ અનુકૂળ નીવડે છે. કુદરતી સૌન્દર્ય, સંગીત વાર્તાની પ્રેરણા આપે છે. વાર્તા લખી રહ્યા પછી એના પહેલા વાચક એમનાં પત્ની હોય છે. માત્ર વાચક જ નહિ, વિવેચક પણ! જરૂર પડે એમનાં સૂચનોનો તે અમલ પણ કરે છે. તો અત્યારે સુધીરભાઈ ઝાઝી વાર્તાઓ આપતા નથી, એ માટે પણ આપણે ફરિયાદ શ્રી નીલાબહેનને જ કરીએ ને!
૨૩-૧૧-૮૦