શબ્દલોકના યાત્રીઓ – ૨/ડૉ. દામોદર બલર

From Ekatra Foundation
Jump to navigation Jump to search
ડૉ. દામોદર બલર

ડૉ. દામોદર બલર વ્યવસાયે તબીબ છે, ડૉક્ટર ઑફ ફિલૉસૉફી નથી. એમની પોતાની ફિલસૂફી અને નિરીક્ષણ તેમની નવલકથાઓમાં પ્રગટ થયાં છે. પશ્ચિમમાં તો ડૉક્ટરો અને ઈજનેરોમાંથી ઘણા લેખકો મળી આવે; આપણે ત્યાં તબીબો એમના વિષયના લેખકો હોય છે; સર્જકો ખાસ હોતા નથી. ડૉ. બલર એમના વિષયના ‘થીમ’નો ઉપયોગ કરી લખનારા સર્જક છે. તેમની બે નવલકથાઓ ‘બેહુલા’ અને ‘અપૂર્વ અપેક્ષા’ અભ્યાસીઓ અને સાહિત્યરસિકોએ આવકારી છે. એમની સર્જકતા માત્ર શબ્દ દ્વારા પ્રગટ થઈ નથી, રંગરેખા દ્વારા પણ પ્રગટ થઈ છે. ચિત્રકલામાં પણ તેમણે એવું જ પ્રશસ્ય કાર્ય કર્યું છે. શ્રી દામોદર ભીમજીભાઈ બલરનો જન્મ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લાના ભોરિંગડા ગામે તા. ૬ સપ્ટેમ્બર ૧૯૩૩ના રોજ થયો હતો. નાનકડું ભોરિંગડા એમનું વતન. શાળાનું શિક્ષણ તેમણે ભાવનગરની ઘરશાળામાં લીધું. ચિત્રકલા અને લેખનપ્રવૃત્તિનો આરંભ શાળાના વાતાવરણમાં થયો. જગુભાઈ શાહના કલાવર્ગમાં તાલીમ લીધી. પછી કૉલેજમાં દાખલ થયા. ઈન્ટર સાયન્સ સુધી ભાવનગરની શામળદાસ કૉલેજમાં અભ્યાસ કર્યો. ફર્સ્ટ એમ.બી.બી.એસ. એમ. પી. શાહ મેડિકલ કૉલેજ, જામનગરમાં કર્યું. પછી અમદાવાદ આવ્યા. અમદાવાદની બી. જે. મેડિકલ કૉલેજમાંથી એમ.બી.બી.એસ. થયા. ત્યાર બાદ વડોદરાની મેડિકલ કૉલેજમાંથી ડી.સી.પી., એમ.ડી. થયા. કારકિર્દીનો આરંભ પેથૉલોજીના પ્રાધ્યાપકથી કર્યો. બારતેર વર્ષથી અમદાવાદમાં કન્સલિટંગ પેથૉલોજીજિસ્ટ તરીકે કામ કરે છે. અમદાવાદમાં રતનપોળને નાકે આવેલી ઓરિયેન્ટ પેથૉલોજી લૅબોરેટરી જાણીતી છે. પોતે લેખક હોઈ સાહિત્ય અને કળાના ક્ષેત્રની વ્યક્તિઓને મદદરૂપ થતાં તેમને આનંદ થાય છે. તેમણે લેખનનો આરંભ ‘ક્ષિતિજ’ અને ‘વિશ્વમાનવ’માં ગદ્યખંડો, ચિત્રકલાના આસ્વાદ વિશેના અને વિજ્ઞાનવિષયક લેખોથી કરેલો. ૧૯૬૨ના ‘ક્ષિતિજ’માં તેમના બે ગદ્યખંડો ગમેલા, દા. ત. આ કંડિકા તેમના સર્જનાત્મક ગદ્યનો અણસાર આપે છેઃ “ભીંત પરનું પેલું કૅલેન્ડર ખખડે છે? ના..ના..અરે, એ તો હું મારો જીવનપટ પહોળો કરું છું. મારું જીવન એટલે કૅન્વાસના ઢગલા. અંગૂઠા અને પહેલી આંગળી વચ્ચે કપડું દબાવી પ્લેટ પરથી તૈલરંગના પોપડા ઉખાડવામાં કેટલી ક્ષણો ગઈ? પણ, આ બધી ક્ષણો કૅન્વાસની સુંવાળી સપાટીનું રૂપવિધાન કરવાની ક્ષણો પહેલાંની. આની દૃષ્ટિએ કીટ્સની ચુંબન પહેલાંની ક્ષણ ઉપરછલ્લી લાગે છે. સર્જનમાં જ મારા બધા આવેગો વિરમતા. અરે, આ ઘોડાઓની હારમાળાઓ કેન્વાસના ઢગલા ખૂંદવા માંડી! મારા હાથમાંની લાકડી ટૂંકી છે. મારું કે? આ તો પીંછી કે લાકડી? આ બાજુનો છેડો દેખાય છે પણ પેલે છેડે શું છે?" યુસિસ તરફથી ‘વિજ્ઞાનની હરણફાળ’ નામે અનુવાદ પ્રગટ કર્યો. જ્ઞાનગંગોત્રી ગ્રંથશ્રેણીમાં ‘સ્વાસ્થ્ય દર્શન’ અને ‘જીવદર્શન’ તૈયાર કર્યા. ૧૯૭૧માં ‘સ્વાસ્થ્ય દર્શન’ને ગુજરાત સરકારનું પ્રથમ પારિતોષિક મળેલું. તેમના વ્યવસાયના વિષય અંગે પણ તેમણે દસેક સંશોધનલેખો લખ્યા છે. સાહિત્યિક લેખનકાર્યનો આરંભ ૧૯૬૨થી થયો. તેમના પ્રથમ પ્રગટ લેખ ‘બે ગદ્યખંડો’માંથી એક ટુકડો ઉપર આપ્યો છે. એક વાર મેં ડૉ. બલરને પૂછયું : ‘લેખનકાર્યની પ્રેરણા તમને ક્યાંથી મળી?’ તેમણે એક શબ્દમાં ઉત્તર વાળ્યો : અંદરથી. અલબત્ત વડોદરાના વસવાટ દરમ્યાન ભોગીલાલ ગાંધી અને સુરેશ જોષીના પરિચયમાં આવેલા. બંનેએ તેમને પ્રોત્સાહન આપેલું. તેમની પ્રથમ નવલકથા ‘બેહુલા’માં ચીલેચાલુ પ્રણયત્રિકોણને બદલે આધુનિક સમયમાં ગૂંગળામણ અનુભવતા માનવીની આંતરકથા સૂક્ષ્મ પ્રણયના ઉદ્રેકોના સંદર્ભમાં કહેવામાં તેમને સફળતા મળી છે. એનું ભાષાકર્મ પણ દાદ માગી લે એવું છે. એની સાહિત્યિક આબોહવાએ ઘણા વિવેચકોનું ધ્યાન દોર્યું હતું. ‘બેહુલા’ને ગુજરાત સરકારનું બીજું પારિતોષિક મળ્યું હતું. ‘અપૂર્વ અપેક્ષા’માં તેમણે સો વર્ષ પછી પૃથ્વી પર કેવું જીવન હશે એની કલ્પના કરી છે. વૈજ્ઞાનિક વીગતો અને તથ્યોનો વિનિયોગ કરવા છતાં કથાપ્રવાહ પર એનું ભારણ પડતું નથી. એક તદ્દન નવા જ વસ્તુને લેખકે આ લઘુનવલમાં ગૂંથ્યું છે. સંદર્ભો અને સંકેતો પાસેથી કામ લીધું છે. અંગ્રેજીમાં બહાર પડતી ‘સાયન્સ ફિક્શન’ની કથાઓ આપણે ત્યાં નહિવત્ છે. પણ લેખકે માત્ર એને સાયન્સ ફિક્શન બનાવી નથી. અવકાશ વિજ્ઞાન, કૃત્રિમ ગર્ભધારણ, હૃદયારોપણ જેવી બાબતો આ કથામાં આવતી હોવા છતાં એમને અભિગમ સૌંદર્યલક્ષી રહ્યો છે. નવલકથા પછી એમનો દ્વિતીય પ્રેમ તે ચિત્રકલા છે. (કદાચ વધુ પણ હોય!) ઘરશાળામાં પ્રાથમિક તાલીમ લીધા બાદ ચિત્રો દ્વારા આત્માભિવ્યક્તિ સાધવાનું તેમને ઉત્તરોત્તર ફાવતું ગયું. શાળાકૉલેજમાં અવારનવાર ઇનામો મળેલાં. ઑલ-ઇન્ડિયા મેડિકલ કૉન્ફરન્સમાં તેમનાં ચિત્રોનું પ્રદર્શન રજૂ થયેલું અને તેમને પારિતોષિક પણ મળેલું. અમદાવાદમાં કોન્ટેમ્પરરી આર્ટ ગેલરીમાં ચિત્રોનું એકવ્યક્તિ પ્રદર્શન પણ થયેલું. આજે પણ ડૉ. બલર ચિત્રકલા પાછળ ઘણો સમય આપે છે. તેમના મકાનના મેડા ઉપર એક આખો રૂમ ચિત્રોથી ભરેલો છે. તમો તેમને ત્યાં ગયા હો અને કોઈ નવું ચિત્ર તેમણે કર્યું હોય તો અચૂક બતાવવાના. ચિત્રકલાની તેમની સાધના પ્રશંસનીય છે. હાલ ડૉ. બલર ‘પ્રગટતા ઉજાસમાં’ નામે નવલકથા લખી રહ્યા છે.

૨૨-૭-૭૯