શાલભંજિકા/પ્રાન્તિક

From Ekatra Wiki
Jump to navigation Jump to search
પ્રાન્તિક


‘પ્રાન્તિક’ તો રવીન્દ્રનાથની કવિતાઓના એક સંગ્રહનું નામ છે. બહુ નાનકડો કાવ્યસંગ્રહ. ૧૭ જેટલી માત્ર રચનાઓ છે. પ્રાન્તિક એટલે સીમાડો પણ થાય. કવિના જીવનની ઉત્તરવયે રચાયેલી એ કવિતાઓના સંકલનનું નામ ‘પ્રાન્તિક’ એ અર્થે પણ સાર્થક થાય.

પણ હું તે કવિતાની વાત નથી કરતો, હું શાંતિનિકેતનના પ્રાન્તિકની વાત કરું છું. આ પ્રાન્તિક એટલે એ નામનું એક સ્ટેશન તો ખરું જ, જે શાંતિનિકેતનની પાદરે આવેલું છે; ઉપરાંત શાંતિનિકેતનનો સીમાડો. એ સીમાડાને પ્રાન્તિક જેવું કવિત્વમય નામ કવિએ આપેલું.

એક રીતે પૂર્વપલ્લી જ્યાં હું રહું છું, તે શાંતિનિકેતન આશ્રમનો સીમાડો એટલે કે પ્રાન્તિક છે. પૂર્વપલ્લીના આ મારા પંચવટી નિવાસથી થોડું જ પૂર્વમાં ચાલીએ એટલે ઉત્તરદક્ષિણ જતી રેલ-લાઇન આવી જાય. આ રેલ-લાઇન શાંતિનિકેતનની ભૂ-સપાટીથી કંઈ નહિ તોય પંદરેક ફૂટ ઊંડાઈએ છે. છેક ધારે જઈને ઊભા રહો નહિ ત્યાં સુધી ગાડી દેખાય નહિ અને ગાડીઓ તો દિવસરાત ચાલ્યા કરે છે. કલકત્તાને પશ્ચિમ ભારત — ઉત્તર ભારત સાથે જોડતી આ સૌથી જૂની રેલ-લાઇન છે. પછી તે વર્ધમાન કેન્દ્ર થતાં મોટા ભાગની ગાડીઓ ત્યાંથી ફંટાવા લાગી.

શાંતિનિકેતનના પાદરમાંથી ગાડી પસાર થાય ત્યારે તેનો અવાજ અહીંની શાંતિને ભંગ કરવાને બદલે એને તીવ્ર કરે છે.

પંચવટીથી રેલ-લાઇન ૧૦૦ વારથીય છેટે નહિ હોય; પણ પેલા ઊંડાણમાંથી પસાર થવાને લીધે તેનાથી હરકત થવાને બદલે એક વાતાવરણ રચાય છે. સવારમાં હજુ તો પ્હો ફાટવાની હોય તે પહેલાં, કોઈ ગાડી પસાર થતી હોય તેની હાજરી પથારીમાં સૂતાં સૂતાં અનુભવાય. ઘણી વાર થાય કે હુંય એ ગાડીમાં હોત!

દિવસ દરમિયાનની પ્રવૃત્તિઓમાં ગાડી આવતી-જતી હોય તેની નોંધ લેવાય કે ન પણ લેવાય; પણ કેટલીક સ્તબ્ધ બપોરોમાં ગાડી પસાર થાય એટલે વાતાવરણ ધબકવા લાગે. અહીંની વૃક્ષરાજિમાં કલગાન કરતાં પંખીઓ સાથે તેનો ભાગ્યે જ વિસંવાદ રચાય. હજી આ લાઇન પર સ્ટીમ એન્જિનોથી ચાલતી ગાડીઓ દોડે છે, કેટલીક ડિઝલથી. વીજળી આવી નથી. આ સ્ટીમ એન્જિનનો પાવો તો હંમેશાં ગમતો આવ્યો છે.

મધરાતની ગાડીઓ તો જાણે પોતાના અવાજને સંયત કરીને દોડી જતી હોય — નૂપુરને જરા પગ ઉપર ચઢાવી દઈ, ઓછાં મુખરિત કરી, ચૂપચાપ અભિસારે જતી નાયિકાઓની જેમ. છતાં ક્યાંક તો ઘૂઘરી વાગી જાય અને કાનને ગમે. અમદાવાદમાં શરૂના મારા નિવાસસ્થાનથી ગાડીની લાઇન બહુ જ નજીક. ઘરની ખુરશીમાં બેઠાં બેઠાં જોઈ શકાય. પણ એ ગાડીઓની યાતાયાત લગભગ ઘોંઘાટરૂપ બની રહેલી. અહીંની ગાડીઓ ઘોંઘાટરૂપ નથી લાગી. કદાચ એવું પણ હોય કે પંચવટીમાં એકાકી રહેતા આ જીવને ગાડીઓની સાથે થોડી આત્મીયતા બંધાઈ હોય, કેમ કે નજીકમાં જેની સદા આવ-જા હોય તેવી તો આ ગાડીઓ જ. દિવસના, રાત્રિના જુદા જુદા સમયે તેની જુદી જુદી અભિજ્ઞતા, તેવી જુદી જુદી ઋતુઓમાં પણ. ઘણી વાર અનિદ્ર આંખે સ્તબ્ધ રાત્રિઓમાં કોઈ ગાડીના પસાર થવાની કામના લઈ ખૂલી રહી હોય એવું બન્યું છે. ગાડી પસાર થઈ જાય પછી એનો અવાજ બહારના વાતાવરણમાં શમી જાય, પણ મનકર્ણ પરથી ધીરે ધીરે વિલીયમાન થાય. ઘણી વાર એની સાથે નિદ્રા આવી જાય.

ગાડીની રેલ-લાઇનને સામે તીર ઊંચી ભેખડો અને પછી તેની સપાટીએ દૂર સુધી સમથળ વિસ્તીર્ણ ખેતરો. એ પહેલાં એક પાકી સડક દોડી જાય છે, ગાડીની લાઇનને સમાંતર. ઘણી વાર આ રેલ-લાઇન, એટલે, મને બાજુમાં થઈ વહી જતી નદી જેવી લાગી છે – જોકે નાનકડી કપાઈ અહીંથી થોડી દૂર છે; પણ નજીકમાં જ કૅનાલ છે, મયૂરાક્ષી નદીની કૅનાલ. મયુરાક્ષી જોઈ નથી. પણ એ નામ જ કેટલાંક સંવેદનો જગાવવા પૂરતું છે. મીનાક્ષી, કમલાક્ષીની ઘણી વાતો કવિતામાં આવે; પણ મયૂરાણીક્ષીની? હા, યાદ આવ્યું, કાલિદાસને ઉર્વશી — વિરહ-ઉન્મત્ત પુરુરવા મયૂર-મોરની આંખો જોઈ એના જેવી આંખોવાળી ઉર્વશીને જોઈ છે કે નહિ તેવો પ્રશ્ન સ્વયં નીલકંઠ મયૂરને કરે છે — અને ટાગોર તો કેવું કહે છે મયૂરાક્ષી નામ માટે? કહે છે કે એ આંખથી જોવાનું નામ છે. મયૂરાક્ષી–મોરની આંખો જેવી આંખોવાળી, બોલતાં ઘનનીલ માયાનું અંજન આંખની પાંપણે લાગી જાય છે. પણ મયૂરાક્ષી ક્યાં? ઉર્વશી ક્યાં? એકાકી જીવને આવી બધી કલ્પનાઓમાં રાચવાનું ગમતું હોય છે. એટલે એક પાટેથી વાત બીજે પાટે ચઢી જાય છે.

આ કૅનાલની વાત તો કરવી જ રહી, ભલે બીજા પાટાની વાત હોય. કૅનાલને કાંઠે દૂર દૂર સુધી ગયો છું. ‘રાંગા માટીર પથ’ — લાલ માટીનો રસ્તો — કૅનાલની ધારે ધારે જાય છે. એ રસ્તાની બન્ને બાજુએ શાલવન ઉછેરવામાં આવી રહ્યું છે. વર્ષા સિવાયની ઋતુઓમાં કૅનાલ અલ્પતોયા કે પછી એકદમ ખાલી હોય. પણ વર્ષાઋતુમાં એને જોઈ છે. છલકાતી કલકલ કરતી વેગથી વહી જતી હોય — જાણે બીજી નદી. અનેક વાર કૅનાલનાં પાણી સુધી લઈ જતાં પગથિયાં પર બેસી પાણીમાં પગ ઝબકોળતાં ઝબોળતાં સૂર્યાસ્તવેળાના રંગોની લીલા કોઈ સ્વપ્નભૂમિમાં બેઠા હોવાનો અનુભવ કરાવી ગઈ છે. તેમાંય આથમતી સાંજની ઝુટપુટાની વેળાએ સાંતાલ કન્યાઓને કે મરદોને પોતાની ચીજવસ્તુઓ અને કપડાં કૅનાલને કાંઠે મૂકી આ નીતરાં જલમાં ઊતરી ડૂબકી ખાતાં જોવાં, એ વાસ્તવ વધારે સ્વપ્નિલ લાગે. કોઈ આદિમ જગતનો હુંય જાણે જીવ. મનેય કપડાં કોરાણે મૂકી એ અંધકારમાં ભળી જવા જતાં જળમાં ડૂબકી ખાઈ લેવાનું મન થઈ આવે.

શરદઋતુ આવે તોયે કૅનાલમાં પાણી જતાં હોય, પણ હવે એ કૅનાલ કાશાંશુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુુકા બની રહે, શ્વેત કાશનાં વસ્ત્રો ધારણ કરી રહે. એનાં સ્વચ્છ પાણીમાં શરદલક્ષ્મીય કોઈ સાંતાલ કન્યાની જેમ પોતાનું પ્રતિબિંબ જોઈ રહે. મને ઘણીય વાર થાય કે ચંદ્રાનના શરદવધૂ અને શ્યામવર્ણી — ‘કૃષ્ણકલિ’ સાંતાલવધૂ બન્ને એકીસાથે એના જળમાં પોતપોતાનાં પ્રતિબિંબ જુએ તો કેવા બે ચહેરા સાથે સાથે પ્રકટી રહે!

આ કૅનાલની સમાંતર એક કાચી કૅનાલ છે. ચોમાસામાં જ એમાં તો પાણી હોય. પણ અહીંની આસપાસની જમીન ધોવાઈ ધોવાઈને એ કૅનાલની બંને ધારોને અદ્ભુત આકારોથી સજ્જ બનાવી છે. એ વિસ્તારને ખોવાઈનો વિસ્તાર કહે છે. ખોવાઈ એટલે પાણીની ધારાથી ખવાઈ ગયેલી, ક્ષય પામેલી ભૂમિ. ચોમાસામાં એની કૃચ્છ કાંકરિયાળી ભૂમિ પર ચાલવાનો રોમાંચ ભુલાય એવો નથી. શાંતિનિકેતનનો આ ‘ખોવાઈ’ વિસ્તાર. એ વિશે અનેક કવિતાઓ થઈ છે, ચિત્રો થયાં છે. ખુદ રવિ ઠાકુરે મોટી કવિતા લખી છે. પણ આ પ્રાન્તભૂમિ, એની શોભા તો આમતેમ વિસ્તીર્ણ અંતરાલે ઊગેલાં ફરફરતા આછી છત્રવાળાં તાલ. દૂર દૂર સુધી, નજર પહોંચે ત્યાં સુધી જુઓ તો તમને કોઈ ખૂણો ખાલી ન લાગે. ક્યાંક કોઈ તાલ ઊભું હોય, તપ્ત ભૂમિ પર છત્ર ધરી. આ વીરભૂમિ, અર્થાત્ રાઢ ભૂમિ દિગન્ત સુધી સમતલ છે. ઝાલાવાડી ધરતીની જેમ — દિગન્ત સુધી જુઓ ‘એક નહિ ડુંગરને પેખો, વિરાટ જાણે ખુલ્લી હથેળી સમતલ ક્ષિતિજે ઢળતી!’

પણ અહીંનાં આ તાલથી રચાતો આખો લૅન્ડસ્કેપ કોઈ પણ ચિત્રકારના મનોરાજ્યમાં અભિવ્યક્ત થવા મથી રહે.

નંદબાબુએ શાંતિનિકેતનના પ્રાન્તરનું એક આવું અવિસ્મરણીય ચિત્ર અંકિત કર્યું છે. વિશાળ કૅનવાસની વચ્ચે બન્ને છેડે અડી જતી એક પાતળી ચિત્રલિપિ. બહુ દૂરથી જોયેલી ક્ષિતિજરેખા. એમના અને શાંતિનિકેતનના અનેક કલાકારોના કૅનવાસ પર આ તાલ અંકિત થયાં છે. સત્યજિત રાય નંદબાબુ – ‘માસ્ટર મશાય’ સૌ એમને કહેતાં – પાસે ચિત્રકળા શીખેલા. અહીંના નંદબાબુના છાત્ર તરીકે તેમણે એક વાત લખેલી છે, તે અનેક માટે સાચી છે. તેમણે કહ્યું છે કે:

I do not think my ‘Pather Panchali’ would have been possible, if I had not done my years of apprenticeship in Shantiniketan. It was there that, sitting at the foot of ‘Master-Mashay’ learnt how to look at nature and how to feel the rhythm inherent in nature.

શાંતિનિકેતનની પ્રાન્તભૂમિમાં કાશ્મીર કે દાર્જિલિંગનું સૌન્દર્ય નથી, પણ આ પ્રાન્તભૂમિની દૃશ્યાવલી ધીરે ધીરે મન પર દૃઢ અંકિત થઈ ઊંડી રેખાઓ કરતી જાય છે. આ તાલ તેમાં વિજયધ્વજ છે. એવા કોઈ તાલઝુંડ પાછળથી સૂર્યોદય જોવો કે સૂર્યાસ્ત જોવો એ ક્ષણો ધન્ય બની રહે છે. અને જો ચંદ્રને જુઓ તો ‘લ્યુનાટિક’ બનતાં વાર ન લાગે. અસહ્ય સુંદર.

પણ એ તાલ જ્યારે કાલવૈશાખીની ચપેટમાં આવી જાય ત્યારે કેવાં હચમચી ઊઠે છે. ક્યારેક કોઈ લાલ વાદળની ભૂમિકામાં અદ્ભુત ચિત્રાત્મક લાગ્યાં છે! શાંતિનિકેતનની આ પ્રાન્તભૂમિમાંથી ક્યારેક કાલવૈશાખી ઊઠી છે, કે એ પ્રાન્તર ભૂમિ પર જ્યારે મેઘ ઝળૂંબ્યા છે, ત્યારે રવિ ઠાકુરની કવિતા સહસા અનુપ્રાણિત થઈ છે. એમાં સંભળાય છે જીવનદેવતાનાં પગલાં. ગીતાંજલિનાં કાવ્યોમાં પ્રાન્તિકનાં ઋતુએ ઋતુએ પલટાતાં કેટલાં બધાં રૂપ જુદાં જુદાં કલ્પનો રૂપે આવ્યાં છે! એ કલ્પનામાં લાગે છે આધ્યાત્મિકતાનો સંકેત.

In the deep shadows of the rainy July, with secret steps, thou walkest silent as night eluding all watchers… આ જલભર્યો અષાઢ તે શાંતિનિકેતનની પ્રાન્તિક ભૂમિનો. ક્યારેક દિવસોના દિવસ વાદળ ન દેખાય અને—

The rain has held back for days and my God, in my arid heart. The horizon is fiercely naked, not the thinnest cover of a soft cloud, not the vaguest hint of a distant cool shower…

આ ભૂમિ — અનાવૃષ્ટિની, તે પણ પ્રાન્તિકની. આ નગ્ન ક્ષિતિજ તે તેની — પછી ભલે તે ઉપમાન રૂપે આવી હોય, એની મદદથી કવિએ અનાવૃષ્ટ હૃદયની વાત કરી લીધી.

આ વિસ્તાર તે વીરભૂમ જિલ્લો અર્થાત્ આ રાઢભૂમિ એટલે કે ‘ગણદેવતા’ના લેખક તારાશંકરની કથાસૃષ્ટિની પૃષ્ઠભૂમિ. અહીંથી થોડે દૂર જાઓ એટલે ચંડીદાસ-જયદેવનાં ગામ આવે. ત્યાં એક વખતે ધીરસમીરે અજયને તીરે કવિની વાંસળી બજી ઊઠી હતી. પણ એ શાંતિનિકેતનની પ્રાન્તભૂમિથી દૂર, એની વાત અહીં નહિ કરીએ. પણ શાંતિનિકેતનના શ્રીનિકેતન કૅમ્પસ પછી વર્ધમાનને રસ્તે જતાં જે જંગલ શરૂ થઈ જાય છે, તેની અનેક કથાઓ પડેલી છે. એમ તો એક વેળા જ્યાં છાતીમ વૃક્ષ નીચે મહર્ષિને શાંતિ લાધેલી, તે તો લૂંટારુઓને લૂંટનો માલ વહેંચવાની ભૂમિ હતી. ત્યાં જ મહર્ષિને શાંતિની ચરમ ક્ષણો લાધી. સમગ્ર શાંતિનિકેતનની એ છે હૃદયકુંજ. પણ વર્ધમાન માર્ગેનું પેલું જંગલ થોડાંક વર્ષો પહેલાં નક્ષલ આંદોલનકારીઓ માટેનું વાસસ્થાન હતું, પહેલાં લૂંટારુઓનું. ત્યાંથી વહી જાય છે અજય નદી. આગળ જતાં એ ગંગાને મળી જાય છે. આ અજય નદીમાં એક વેળા પુષ્કળ પાણી રહેતાં. આ વિસ્તારનો એક મોટો જલમાર્ગ હતો, મોટાં મોટાં જહાજો ચાલતાં. એવા એક વહાણખેડુ સોદાગરની એક બિસ્માર છતાં પોતાના ભવ્ય ભૂતકાળની ચાડી ખાતી હવેલી અજયને કાંઠે જોઈ છે. પેલી, જેને મૃણાલ સેને ‘ખંડહર’માં કંડારી દીધી છે. આ રસ્તો અને અજયના આ જંગલનું સ્મરણ થાય એ સ્વાભાવિક છે. એક વાર શાંતિનિકેતન વિશ્વભારતીના પ્રાક્તન આચાર્ય ઉમાશંકરભાઈ સાથે આ માર્ગેથી અંધારાં ઊતર્યે વર્ધમાન તરફ જતા હતા ત્યારે મોટરગાડીમાં કેટલી વિશ્રંભકથા થયેલી!

પણ આ પ્રાન્તિકે તો દૂર દૂર સુધી ખેતરો પથરાયેલાં છે. આ ખેતરો મેં જોયાં છે માઘ માસમાં, જ્યારે ડાંગરો કપાઈ ચૂકી હોય. ખાલીખમ ખેતરો, પણ વર્ષાઋતુ આવતાં એ ખેતરોમાં લીલી ડાંગર લહેરાય. શરદ આવતાં એ લીલીછમ કૂણીકચ ડાંગરને પછી આપક્વ થતી જોઈ છે. કાલિદાસના શબ્દો સ્મર્યા છે – આપકવશાલીરુચિરાનત ગાત્રયષ્ટિ – શરત્ વધૂની જાણે રમ્ય નત ગાત્રયષ્ટિ. દાણાથી ભરેલી ઝૂકી પડેલી ડાંગરની ઊંબીઓ! કવિ ચંડીદાસને ગામ જતાં બસના છાપરા પરથી આ સોનેરી ડાંગરની છબીઓનો સાગર જોયો છે. અને પછી એક દિવસ આખી બપોર જુવાન બાઉલોનાં ગાન સાંભળી કાર્તિક માસના નવાન્નના દાણા ચાખ્યા છે, નજીકના એક બાઉલ અખાડામાં. બંગાળીમાં કહેશે ‘આખડા’. ગોપાલદાસ બાઉલે પોતાના એ આખડાને ભારે મોટું નામ આપ્યું છે ‘પૂર્ણ કુંભ આશ્રમ’.

વર્ષનો મોટો ભાગ આ ખેતરો આમ ખાલી પડી રહે છે. જીવનાનંદ દાસની પંક્તિઓ ચિત્તમાં જાગે. આ ખાલી ખેતરો પર હેમંત પછી શિશિર ઋતુ આવે ત્યારે ઝાકળભીનાં બની જાય. બંગાળીમાં શિશિર એટલે ઝાકળ પણ થાય. આ ખેતરો વચ્ચેનો માર્ગ ચીરીને થોડા કિલોમીટર આસપાસ જાઓ એટલે બંગાળનાં નાનાં નાનાં ગામ આવે. શાંતિનિકેતનની નજીકના ગોવાલપાડા કે ઘોષપાડા તો જાણીતાં છે. સાંતાલોની નાની નાની વસ્તીઓ આવે. નિષ્કિંચન, પણ સ્વચ્છ આવાસો. હવે એ આવાસોની લીંપેલીગૂંપેલી ભીંતો પર હથોડી અને દાતરડાની છાપ ચીતરેલી જોવા મળે છે. આ ચૂંટણીચિહ્ન અહીં આદર પામ્યું છે.

પણ એટલે બધે દૂર નહિ જઈએ. પ્રાન્તિકે જ રહીએ. આ પ્રાન્તિક સ્ટેશન પણ ખેતરોની વચ્ચે જ છે. આસપાસ કોઈ ગામ નથી, છે તે જરા દૂર. ખાસ શાંતિનિકેતન માટે બંધાવેલું સ્ટેશન; પણ અહીંનાં લોકો તો બોલપુર જઈને બેસે. બહુ ઓછા લોકો પ્રાન્તિકે જાય. હું ઘણી વાર વહેલી સવારના ચાલતાં ચાલતાં અંધારાં-અજવાળાની સંધિક્ષણોએ પૂર્વપલ્લીનો સીમાંત વટાવી રેલવેને પાટે પાટે પ્રાન્તિક ગયો છું. અહીંના મિત્રો સાથે કોઈ સાંજે ચાલતાં ચાલતાં પ્રાન્તિક સ્ટેશનની પાસે આવેલી ઝૂંપડીમાં હોટલની ખાટલીમાં બેસીને ચા પીધી છે અને અહીં ઊભ્યા વિના દોડી જતી મેઈલ ગાડીઓ જોઈ છે. સિગ્નલોના તાર સાચવીને ઓળંગી, કાચી કૅનાલ પરના પુલનાં આડાં સ્લીપરો પર સ્લિપ થવાની બીક સાથે પસાર થવાનો રોમાંચ લૂંટ્યો છે.

હમણાં થોડા દિવસ વહેલી સવારે બકુલને પ્રાન્તિક સ્ટેશને મૂકવા જતાં પૂર્વની ક્ષિતિજથી ઉપર આવી પાસે પાસે શીતલ રીતે ટમટમી રહેલી વદ બારસની ચંદ્રલેખા અને શુક્રની સન્નિધિ જોઈ હતી. તાલની પાછળ ધીમે ધીમે ઉજાશમાં તેઓ વિલીન થઈ ગયાં, અને એ દિશાએથી એકદમ લાલ સૂર્ય જાણે જમીનમાંથી, ડાંગરનાં કપાયેલાં ખેતરોમાંથી, નીકળ્યો ready faced farmer રતૂમડા ચહેરાવાળો ખેડુ. ભલે જાપાનના કે ચીનના કોઈ કવિના અનુસરણમાં એઝરા પાઉંડે ચંદ્રને માટે એ ઉપમાન વાપર્યું હોય, પણ આ ક્ષણે અહીં તો બરાબર આ સૂર્યને લાગુ પડી શકે. ખાલી ખેતરોમાં આ સૂર્ય ખેડુ શાને? પેલા દાતરડા માટે? તો તો તે લુહાર, કે કારીગર મજૂર પણ હોઈ શકે. હથોડો પણ છે તો! આવું બધું વિચારવાને સમય રહ્યો નહિ, દૂરથી ગાડી આવી રહી હતી, જે ગાડીની ગતિને લય અનેક વાર પંચવટીની સ્તબ્ધ શાંત સવારોએ સાંભળ્યો છે. પંચવટી, ૧૯૮૩, શાંતિનિકેતન