શ્રેષ્ઠ અનિરુદ્ધ/૨૯. નજરું

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૯. નજરું


સંતજી, મધરાતે મોરલો ગહેક્યો
ને વાદળી એક્કે નહિ રે લોલ!

સંતજી, ભાન ભૂલી કોયલ ટહૂકી
ને આંબલો મહોર્યો નહિ રે લોલ!

સંતજી, હરણાએ દોટ ભલી દીધી
ને સરવર ક્યાંયે ન’તાં રે લોલ!

સંતજી, રણઝણ રણઝણ વીણા
ને સૂર કોઈ જાગ્યા નહિ રે લોલ!

સંતજી, નમણાં કમળપાન ખીલ્યાં
ને ઝાકળનાં બિન્દુ નહિ રે લોલ!

સંતજી, અધરાતે પોપચાં ખૂલ્યાં
ને વીજળી ઝબકી નહિ રે લોલ!

સંતજી, નજરુંની એવી શી લીલા
કે સઢ સૌ ફરકી ઊઠ્યા રે લોલ!