શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/હરણું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
હરણું


નાજુક નમણું હરણું છે,
ખીલતું ખૂલતું સમણું છે,
ચંચળ કો ચાંદરણું છે,
ભમતું ભમતું ઝરણું છે.

હરિયાળામાં હરેફરે,
કૂણો તડકો-ઘાસ ચરે,
એને જોતાં થાય મને કે
પગમાં ઘૂઘરી બાંધું,
એની કોમળ-મખમલ ડોકે
રૂપા-ઘંટડી બાંધું.

સાવ સુંવાળી રેશમ કાય,
શિંગડીઓ સોનાની થાવ!
પગમાં ચંચલ ચાલ પવનની
કસ્તૂરીથી મઘમઘ થાવ!
ચાંદરણું, તારા ને પવન;
ઊતરી આવ્યાં થૈને હરણ!

મૃગજલ, હરણાં, પીશો નહીં;
અમથાં અમથાં બીશો નહીં;
મૃગયા રમશે કોઈ નહીં;
છળશે કોઈ બીન નહીં;

નાચો, કૂદો, ગેલ કરો;
રોજ નવા કંઈ ખેલ કરો;
લીલો કૂંણો ચારો દઈશ;
મીઠાં મીઠાં પાણી દઈશ;
છુટ્ટું બહુ ફરવાનું દઈશ.

હરણ, મને બસ, લાવી દેજો ચાંદલિયાની ગાડી;
હરણ, મને ઠેકાવી દેજો અંધકારની ખાડી.