શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૧. નભ ખોલીને જોયું...

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૧. નભ ખોલીને જોયું...



નભ ખોલીને જોયું, પંખી નથી નથી,
જળ ખોલીને જોયું, મોતી નથી નથી. –

સતત છેડીએ તાર,
છતાં કંઈ રણકે નહીં,
આ કેવો ચમકાર??
કશુંયે ચમકે નહીં?

ખોલી જોયા સૂર, હલક એ નથી નથી;
ખોલી જોયાં નૂર, નજર એ નથી નથી. –

લાંબી લાંબી વાટ,
પ્હોંચતી ક્યાંય નહીં;
આ પગલાં ક્યાં જાય?
મને સમજાય નહીં;

આ તે કેવા દેશ?! – દિશા જ્યાં નથી નથી!
આ મારો પરિવેશ! – હું જ ત્યાં નથી નથી!

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૫)