શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૪૨. નથી

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૪૨. નથી


એક આંસુને આંખનો સહારો નથી;
એક થાકેલી નાવને કિનારો નથી.

એક પાંદડાનો ડાળીએ છોડ્યો છે સાથ;
એક સૌરભનો લ્હેરખીએ ઠેલ્યો છે હાથ;
એક ફાગણને ફૂલમાં ઉતારો નથી. –

એક માછલીમાં પાણીની તરવરતી પ્યાસ;
એક વીજળીમાં વાદળની તરડાતી આશ;
એક ઊખડેલા મૂળનો ઉગારો નથી. –

એક પંખીની અંદર છે ઊડવાનું બંધ;
એક આંખ મહીં અટવાતું અજવાળું અંધ;
એક અંધારું વીંધનાર તારો નથી. –

(ગગન ખોલતી બારી, ૧૯૯૦, પૃ. ૨૭)