શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૮૨. જળ વાદળ ને વીજ
લોહીમાંથી લંબાયેલી લીટી
હૃષ્ટપુષ્ટ હવામાં હલબલે,
ભૂરી ભૂરી ફેલાતી નસો પર
લીલાં લીલાં પાંદડે આસમાન પલપલે,
મધમીઠી સોનેરી દ્રાક્ષનો લૂમખો
નક્ષત્ર-શો આંખ સામે લળેવળે
ને મારું મન
ઊર્ધ્વ બાહુએ
ભીની ભીની જિહ્વાએ
એને લોહીમાં જ સીધો ઉતારી દેવા વલવલે!
પણ
કાળુંડિબાગ વાદળ ધસી આવે અંતરિયાળ,
ને ગાયબ થઈ જાય પેલી દ્રાક્ષ…
હું તો પેલી મધમીઠી દ્રાક્ષના ખ્યાલે
લથડાતી લહેરખીમાં ઝૂમતો,
મારી લંબાયેલી લીટી પર
પ્રગટાવવા મથું છું દ્રાક્ષ,
નથી જે મેં ચાખી,
ને તોય ચાખવી તો છે જ છે.
મારી હથેલીઓની રેખાઓ સાફ સાફ
પેલાં પાન પર;
મારી નજરનો નિતાર ઝળાંઝળાં
લીલુડી ભીનાશ પર;
બાહુને બંધ વરસાદી ઉઘાડ કાઢતો પહાડ!
એ ઊંડે ઊંડે કંઈક એવું સ્રવે,
એવું સ્રવે,
કે મારાં પગલાં વહી જાય છે મોજાં થઈ
કલકલ રવે
ને મને થાય છે : હવે વાર નથી!
અંદર વીજળી ઝબકી જ જુઓ!
કંટકની અણી પર જલની કણી!
અંધકારની સૂંઢ પર તેજની તીક્ષ્ણ કળી!
ભેદાય છે શ્યામતા કર્કશકઠ્ઠણ
છેદાય છે ઉજ્જડતા કણ કણ કણ
નાસિકાની તેજતીખી સત્તાશીલતા
નથાય છે નથના મોતીએ!
ઘેરાય છે મઘમઘ લીલાશ કેવડાના કંટકે!
જલના ઝીણા અજવાસે જોઉં છું :
કંટક પર ધાર કાઢતી વીજળીની અણી!
પહાડ ઉપર તું વાળ પલાંઠી,
પકડ વાદળને તારી પાંખમાં,
જકડ વીજળીઓને આંખમાં,
બાંધ ગગનને તારી બાથમાં,
અંદરની ઘનઘેરી ઘટામાં તો ઝાંખ :
મૂરઝાય છે એક મોર મૂંગો મૂંગો વરસોથી,
અડવા દે એને ઝાંય ઝરમરની
કદાચ ખલી જાય મન,
ખૂલી જાય કંઠ,
ને આખાયે જંગલની બુલંદી પડઘાવતો
થઈ જાય એક ટહુકો
ને ત્યારે આ મારી માટીમાં
શાંત સૂતેલાં મૂળિયાં,
શું શાંત જ રહેશે?
મૂળ મજબૂત જો માટીમાં,
તો થડ પણ મજબૂત બાંધામાં.
ડાળીઓય ખાસ્સી અડીખમ ને લાંબ્બી…
પાંદડાંનો પાર નહીં…
પાંદડે પાંદડે મોતી!
ડાળીએ ડાળીએ ફૂલ!
હવાનો હળવો હડદોલો ને મધ-ઝરતી મર્મર!
વાદળીની ધારે ધારે તડકીલી ઝરમર!
આમ લંબાય હાથ તો હથેલીમાં ચાંદ!
ને આમ લંબાય હાથ તો હથેલીમાં સૂરજ!
આમ જરાક લઉં ઘૂમરી તો વીજળીના વળાંક!
ને આમ જરાક દાબું પહાડ તો ઝરણાં અંદર ઝબાક!
લીલોછમ લય લોહીમાં,
કલકલનું કામણ કંઠમાં.
હવે તો ડાળે ડાળે ને માળે માળે
પાનેપાન પૂછ્યાં કરે છે કાનમાં :
પંખી ક્યારે આવે છે ગાનમાં?
છત છો ને હોય,
વરસાદને જો ન રોકે તો!
ભીંત ભલે ને હોય,
લહેરખીને ન અવરોધે તો!
પગથિયાંયે રહો ને કૂદકાયે રહો!
મન પણ રહો ને માળવો પણ રહો!
મન બાંધે તો વાદળ બંધાય,
ને મન ભીંજવે તો ભીંજાવાય,
મન કરે તો સરોવર થવાય,
ને મન ધસે તો ધોધવે ધસાય,
મન ચઢે તો મોજે મોજે ચઢાય,
ને મન ચાહે તો નેવે નેવે ઊતરાય.
મન પીએ તો પેટ ભરીને પિવાય,
ને મન ગાય તો મનખો ભરીને ગવાય,
મન થાય તો સિંધુયે થવાય
પણ બિન્દુ તો જોઈએ ને આપણામાં?
છીપમાં મોતી પાકે એટલું તો
જોઈએ ને પાણી આંખમાં?
પાણી ભલે રંગહીન
પણ પાણીમાંથી ખેંચાય છે સાત રંગની કમાન,
સૂરજના હાથે.
તીર તો તૈયાર છે અંદર
પથ્થરનીયે છાતી ફાડી દૂધ કાઢે એવું;
પણ છોડવું કેમ?
સરખી કમાન જોઈએ ને?
ને એ કમાન પાછી જલની – જલમાં ઊઘડતા રંગોની!
હે સૂરજ!
પાણીની પાસે આવ – એવી રીતે કે એ સુકાય નહીં!
પાણીને તારા કોમળ કોમળ કરે વહાલ કર,
ખેલાવ ને ખિલાવ!
પાણીયે ત્યારે કમાલ કરશે રંગોની કમાનમાં;
ને મારીયે કમાલ કંઈક ચાલશે ત્યારે રંગોની કમાન પર,
તારા જેવા સાત સાત સૂરજ હશે ને,
તો એય બધા મીઠાં મીઠાં સફરજન થઈ જશે
મારા એ તીરની કમાલે!
એક વાર, બસ એક વાર,
પાણી સુધી પહોંચવા દે તારા હાથના ઝળહળ સ્પર્શને.
લીલ થાઉં કે સેવાળ થાઉં;
પણ પથ્થર તો નહીં જ.
કાંપ થાઉં કે કાદવ થાઉં;
ખારોપાટ તો નહીં જ.
મારે તો પાણી પીવું છે
બીજ રૂપે ફણગવા,
ને મૂળ રૂપે વિસ્તરવા.
મારે તો ડાળીએ ડાળીએ ફરકાવવાં છે વાદળ;
ને પાંદડે પાંદડે પરોવવાં છે ઝરમરિયાં મોતી.
મારે પાણીમાંથી ખેંચવાં છે મધ
ને સંચવાં છે ફૂલમાં;
મારે તો પાણીમાંથી સારવવા છે રસ
ને ઉતારવા છે ફળમાં.
મારે તો રોમે રોમે સીંચવું છે પાણી,
ને તૃણે તૃણે ફરફરવું છે લીલા ઉઘાડમાં!
મારે તો મોજે મોજે પામવી છે પાણીની પ્રસન્નતા
ને પૂરવેગે પથરાવું છે પારાવારમાં.
મારે નથી થવું હોડી,
જે સૌને તારવાના ધખારામાં
માત્ર પાણીની સપાટી પર જ સરકે છે સલામત રીતે.
મારે તો ડૂબવું છે ગળાબૂડ કોઈ કમલિની જેમ,
ને ખૂબ ખૂબ ખીલવું છે કમળના ચહેરામાં.
મારે તો લીલાછમ રહેવું છે
ને ફાલતા રહેવું છે બારેય માસ;
ને તેથી તો મારે વૃક્ષ થવું છે,
લાકડું કે સલેપાટ તો નહીં જ.
આંખે આસમાન
પલકાર વીજ
કેશ વાદળ
ઓઢણી હરિયાળી
કલકંઠ નીલકંઠ
રોમાંચ મોરપિચ્છ
પ્રસન્નતા પ્રસૂન
હેજ ભેજ
સાચે જ હે પ્રાવૃષ!
તું પ્રિયામાં, પ્રિયા તારામાં;
આપણો સંબંધ જ લોહીનો.
પથ્થરથી પાણી રમે,
ને પાણીથી પથ્થર ઝમે;
બંનેથી પહાડ ગમે.
શૃંગોમાં વાદળ રમે
ને વાદળમાં શૃંગ શમે;
બંને ઊંડે ઊતરી
મારાં જળ કેવાં ઢંઢોળે!
જલનાં સપનાં આવે,
અંદર કંઈક જગાવે.
ટહુકો ટહુકે ખીલે,
ઝરમર કશી રચી લે.
મઘમઘ થતી દિશાઓ,
મીઠી હવે નિશાઓ.
સજ્જ સખી, અવ થાઓ,
જુઓ સંમુખે મલય,
પ્હેરી લો સરક્યું વલય,
હવે સર્ગનો સમય!
૧૧/૧૨/૧૩-૮-૧૯૯૪
(જળ વાદળ ને વીજ, ૨૦૦૫, પૃ. ૫૯)