સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/કવિવ્યાપારનું મહત્ત્વ

From Ekatra Foundation
Jump to navigation Jump to search

કવિવ્યાપારનું મહત્ત્વ

આપણું ધ્યાન ખેંચતો કુંતકનો બીજો કાવ્યવિચાર એ છે કે કાવ્ય તે કવિનું કર્મ છે (૧.૨ વૃત્તિ) – કવિપ્રતિભા કે કવિવ્યાપારનું પરિણામ છે. કવિવ્યાપાર જ કાવ્યમાં સર્વત્ર વ્યાપ્ત છે. કવિના પ્રતિભાપરિસ્યંદમાં કોઈ એક ક્ષણે પદાર્થો સ્ફુરે છે ત્યારે એ પદાર્થોનો મૂળ સ્વભાવ ઢંકાઈ જાય છે ને એ, કવિને અભિપ્રેત પ્રસ્તાવને અનુરૂપ કશોક ઉત્કર્ષ ધરાવતા થઈ જાય છે. (૧.૯ વૃત્તિ) કવિઓ વર્ણવવાના પદાર્થો ન હોય ત્યાંથી ઉત્પન્ન કરતા નથી, પણ કેવળ સત્તામાત્રથી અસ્તિત્વ ધરાવતા પદાર્થોના વાસ્તવિક સ્વરૂપને આચ્છાદિત કરનારો કોઈ લૌકિક શોભાતિશય એને અર્પે છે. કાવ્યસંસારનો તો કવિ પ્રજાપતિ છે. એને રુચે એવો ઘાટ કાવ્ય પામે છે. (૩.૨ વૃત્તિ) અને કાવ્યની રચનામાં જે કંઈ વક્રતા છે તે કવિવ્યાપારની જ વક્રતા છે. શબ્દાર્થના સાહિત્યની સિદ્ધિમાં પણ કવિપ્રતિભાની પ્રૌઢિ જ પ્રગટ થાય છે. (૧.૭ વૃત્તિ) કાવ્યરચનાની જુદીજુદી રીતિઓ માર્ગોમાં પણ કુંતક દેશભેદને નહીં, કવિના સ્વભાવને કારણભૂત ગણે છે એટલું જ નહીં કુંતક કેવળ પ્રતિભાને જ નહીં, વ્યુત્પત્તિ અને અભ્યાસને પણ સ્વાભાવિક ગણે છે – એ રીતે કે વ્યુત્પત્તિ અને અભ્યાસ બહારથી પ્રાપ્ત થતાં હોવા છતાં કવિ એમને પોતાના સ્વભાવને અનુરૂપ જ પ્રાપ્ત કરતો હોય છે. સ્વભાવ વ્યુત્પત્તિ અને અભ્યાસને ઉત્પન્ન કરે છે તથા વ્યુત્પત્તિ અને અભ્યાસ સ્વભાવને પુષ્ટ કરે છે. આમ સમસ્ત કાવ્યઘટનામાં સ્વભાવનું જ પ્રાધાન્ય છે. (૧.૨૪ વૃત્તિ) કવિપ્રતિભા, કવિવ્યાપાર કે કવિસ્વભાવને જાણે કેન્દ્રીય સ્થાને મૂ તા કુંતક અનન્ય સમા લાગે છે. કાવ્યના શબ્દાર્થની વિશેષતાને એના ધર્મ એટલે કે સ્વરૂપલક્ષણથી, એમાં પ્રવર્તતા વ્યાપારથી, અને એના કાર્ય એટલે કે એમાંથી નીપજતા વ્યંગ્યાર્થથી – એમ ત્રણ રીતે ઓળખાવી શકાય છે. કુંતક કવિવ્યાપારથી શબ્દાર્થની વિશેષતાને ઓળખાવનાર છે એમ આ કારણે જ લેખવામાં આવ્યું છે. [1] જો કે આ અભિપ્રાય કેટલે અંશે યથાર્થ ગણાય એ પ્રશ્ન છે. કુંતકે કવિવ્યાપારને ગમે તેટલું મહત્ત્વ આપ્યું હોય પરંતુ એમણે શબ્દાર્થના વૈશિષ્ટ્યને વક્રતાના પ્રકારોથી જે રીતે વર્ણવેલ છે તે શબ્દાર્થના વિશિષ્ટ સ્વરૂપને જ પ્રકાશિત કરે છે અને એ રીતે એ શબ્દાર્થની વિશેષતાને ધર્મમુખે ઓળખાવનાર જ ગણાય. અલંકારવાદ શબ્દાર્થની વિશેષતાને ધર્મમુખે ઓળખાવનાર ગણાયો છે, તો કુંતકનો તે સુધારેલો અલંકારવાદ છે એવો એક મત છે જ.


  1. ૪૦. જુઓ રાજેન્દ્ર નાણાવટી, સંસ્કૃત કાવ્યશાસ્ત્રમાં વક્રોક્તિવિચાર, પૃ.૩-૪. રુવ્યકનું વર્ગીકરણ ત્યાં રજૂ કરવામાં આવ્યું છે. રુય્યકની દૃષ્ટિએ તો કુંતક કવિના ભણિતિવૈચિત્ર્યૈનો વ્યાપારથી શબ્દાર્થની વિશિષ્ટતાને ઓળખાવનાર છે, જે ખરેખર અલંકારથી (એટલે કે ધર્મમુખે) શબ્દાર્થની વિશિષ્ટતાને ઓળખાવવાથી જુદી વસ્તુ છે કે કેમ એ શંકાસ્પદ છે. નાણાવટી પોતે કુંતકને કવિવ્યાપાર એટલે કે કવિપ્રતિભાથી કાવ્યને ઓળખાવનાર ગણે છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.