સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા/શબ્દાર્થ ‘સાહિત્ય’ની નવી વ્યાખ્યા

From Ekatra Wiki
Jump to navigation Jump to search

શબ્દાર્થના ‘સાહિત્ય’ની નવીન વ્યાખ્યા

કુંતકના વક્રોક્તિને કાવ્યત્વનું પ્રધાન લક્ષણ માનતા સિદ્ધાન્તની સબળતા – નિર્બળતા જે હોય તે, એમના કાવ્યવિષયક કેટલાક વિચારો આપણને અત્યંત પ્રભાવિત કરે એવા છે. જેમ કે, કુંતક કાવ્યની અખંડતાને – એકતાને અત્યંત સુંદર ને સબળ રીતે સ્થાપી આપે છે. ‘શબ્દાર્થ સહિતૌ કાવ્યમ્’ એ કાવ્યની જૂની વ્યાખ્યા હતી, પણ કુંતકે શબ્દાર્થના સહિતત્વના સંકેતો જે વિસ્તારથી ને સમર્થ રીતે સ્ફુટ કરી આપ્યા છે એ અનન્ય છે. કુંતક કહે છે કે શબ્દ અને અર્થ એ બે મળીને એક – કાવ્ય બને છે. બે તે એક – એવી આ વિચિત્ર વાત છે. કેવળ સુંદર શબ્દમાં કે કેવળ ચમત્કારક અર્થમાં કાવ્ય નથી, બંને સહિતતામાં કાવ્ય છે. [1] સહિતતા એટલે સંયુક્તતા, એકરૂપતા, પરસ્પરોપકારકતા. કવિની પ્રતિભામાં સ્ફુરેલું વસ્તુ તો અણઘડ પથ્થર જેવું હોય છે, કવિનો શબ્દ જ એને આકાર આપે છે, પહેલ પાડેલા હીરાની મનોહરતા પ્રાપ્ત કરાવે છે. [2]શબ્દો તો બીજા ઘણા હોય, પણ આ શબ્દ જ કાવ્યના વિવક્ષિત અર્થને પ્રગટ કરનારો હોય અને શબ્દ એ વિવક્ષિત અર્થને જ પ્રગટ કરનારો હોય, બીજા કશાને નહીં. [3] અર્થ પોતે સ્ફુર્યો હોય તોપણ તેને વ્યક્ત કરવાને સમર્થ શબ્દને અભાવે મરેલા જેવો જ રહે છે અને એ જ રીતે શબ્દ પણ ચમત્કારક અર્થને અભાવે બીજા અર્થનો વાચક બનીને કાવ્યને વ્યાધિરૂપ થઈ પડે છે. [4] કાવ્યમાં અપેક્ષિત શબ્દાર્થનું સહિતત્વ તે આ જાતનું પરસ્પરોપકારત્વ છે. સ્થૂળ સહિતત્વ નહીં. પરસ્પરોપકારત્વ કેટલું ગાઢ અને ગૂઢ હોય છે એ બતાવવા કુંતક પરસ્પરસ્પર્ધિત્વનો ખ્યાલ દાખલ કરે છે. શબ્દ અને અર્થની સૌંદર્યસંપત્તિ એકબીજાની સ્પર્ધા કરે, કોઈ એકબીજાની પાછળ ન રહે અને બંને વચ્ચે સમતુલા સિદ્ધ થાય તે જ ખરું સાહિત્ય. [5] કુંતકનો સાહિત્યનો ખ્યાલ ઘણો વ્યાપક છે. એક શબ્દ અને એક અર્થ વચ્ચેનું જ સહિતત્વ નહીં, સમગ્ર શબ્દસમુદાય અને સમગ્ર અર્થસમુદાય વચ્ચેનું, શબ્દ-શબ્દ વચ્ચેનું, અર્થ – અર્થ વચ્ચેનું, વાક્ય – વાક્ય વચ્ચેનું – એમ સર્વ કાવ્યાંગોના સહિતત્વ, એમની એકરૂપતા સુધી કુંતક ‘સાહિત્ય’ શબ્દનો અર્થ વિસ્તારે છે. (૧.૭ વૃત્તિ તથા ૧.૧૭ વૃત્તિ) અલંકારોને પણ કુંતક કાવ્યના શોભાસાધક ધર્મ નહીં પણ સ્વરૂપસાધક ધર્મ માને છે. કાવ્ય જુદું ને અલંકાર જુદા તથા કાવ્યને અલંકાર ચડાવવામાં આવે છે એવું નથી. અલંકાર સહિતનું નિરવયવ એટલે કે અખંડ વાક્ય તે જ કાવ્ય. એટલે કે અલંકાર કાવ્યનું અંતરંગ તત્ત્વ છે. અલંકાર્ય અને અલંકાર એવો ભેદ કરીને આપણે વિચારીએ છીએ તે તો કાવ્યવિષયક આપણી સમજને ખાતર જ. [6] કાવ્યના સર્વ અંગોના સમગ્રતાલક્ષી સામંજસ્યનો અને કાવ્યની સાવયવ સચેતન એકતા (ઓર્ગેનિક યુનિટી)નો વિચાર કુંતકે અપૂર્વ અસરકારકતાથી મૂકી આપ્યો છે એમાં શંકા નથી. વાચ્ય – વાચક વચ્ચેના શાશ્વત સંબંધથી જુદા પ્રકારનું આ ‘સાહિત્ય’ આજ સુધી શબ્દમાત્રથી ઓળખાતું રહ્યું છે અને પોતે એ ‘સાહિત્ય’ શબ્દના સાચા અર્થને પહેલી વાર પ્રકાશિત કર્યો છે [7]એવો કુંતકનો દાવો છે તે અવશ્ય કંઈક તથ્ય ધરાવે છે.


  1. ૩૩. વાચકો વાચ્યં ચેતિ દ્વૌ સંમિલિતો કાવ્યમ્ | દ્વાવેકમિતિ વિચિત્રૈવોક્તિ: । તેન યત્કેષાં ચિન્મતં કવિકૌશલકલ્પિતકમનીયતાતિશય: શબ્દ એવ કેવલં કાવ્યમિતિ કેષાંચિદ્વાચ્યમેવ રચનાવૈચિત્ર્યચમત્કારકારિ કાવ્યમિતિ પક્ષદ્ધયમપિ નિરસ્તં ભવતિ | (૧.૭ વૃત્તિ)
  2. ૩૪. કવિચેતસિ પ્રથમં ચ પ્રતિભાપ્રતિભાસમાનમઘટિતપાષાણશકલકલ્પમણિપ્રખ્યમેવ વસ્તુ વિદગ્ધકવિવિરચિતવક્રવાક્યોપારૂઢં શાણોલ્લીઢમણિમનોહરતયા તદ્વિદાહ્લાદકારિ - કાવ્યત્વમધિરોહતિ । (૧.૭ વૃત્તિ)
  3. ૩૫. શબ્દો વિવક્ષિતાર્થેકવાચકોડન્યેષુ સત્સ્વપિ ।
    અર્થઃ સહ્રદયાહ્લાદકારિસ્વસ્પન્દસુન્દરઃ ॥ ૧.૯ ॥
  4. ૩૬. ઉભયોરપ્લેકતરસ્ય સાહિત્યવિરહોડન્યતરસ્યાપિ પર્યવસ્યતિ । તથા ચાર્થ : સમર્થવાચકાસદ્ભાવે સ્વાત્મના સ્ફુરન્નપિ મૃતકલ્પ એવાવતિષ્ઠતે । શબ્દોડપિ વાક્યો-પયોગિવાચ્યા-સંભવે વાચ્યાન્તરવાચક : સન્ વાક્યસ્ય વ્યાધિભૂતઃ પ્રતિભાતિ । (૧.૭ વૃત્તિ)
  5. ૩૭. સાહિત્યમનયોઃ શોભાશાલિતાં પ્રતિ કાપ્યસૌ ।
    અન્યૂનાતિરિક્તત્વમનોહારિણ્યવસ્થિતિઃ || ૧.૧૭ ॥
    અન્યૂનાનતિરિક્તમનોહારિણી પરસ્પરસ્પર્ધિત્વરમણીયા। યસ્યાં દ્વયોરેકતરસ્યાપિ ન્યૂનત્વં નિકર્ષો ન વિદ્યતે નાપ્યતિરિક્તત્વમુત્કર્ષો વાસ્તિ । (વૃત્તિ)
  6. ૩૮. અલકૃતિરલકાર્યમપોદ્ધત્ય વિવેચ્યતે ।
    તદુપાયતયા તત્ત્વ સાલંકારસ્ય કાવ્યતા ॥ ૧.૬ ॥
    સાલઙ્‌કાસ્યા લઙ્‌કારસહિતસ્ય સકલસ્ય નિરસ્તાવયવસ્ય સતઃ સમુદાયસ્ય કાવ્યતા કવિકર્મત્વમ્ | તેનાલઙ્‌કૃતસ્ય કાવ્યત્વમિતિ સ્થિતં ન પુનઃ કાવ્યસ્યાલઙ્‌કારયોગ ઇતિ । (વૃત્તિ)
  7. ૩૯. યદિદં સાહિત્યં નામ તદ્ એતાવતિ નિઃસીમનિ સમયાધ્વનિ સાહિત્યશબ્દમાત્રેણ એવ પ્રસિદ્ધમ્ । પુનરેતસ્ય કવિકર્મકૌશલાધિરૂઢિરમણીયસ્યાદ્યાપિ કશ્ચિદપિ વિપશ્ચિદયમસ્ય પરમાર્થ ઇતિ મનામાત્રમપિ વિચારપદવીમવતીર્ણ : । (૧.૧૬ વૃત્તિ)