સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – રામનારાયણ વિશ્વનાથ પાઠક/કથકલી નૃત્ય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. કથકલી નૃત્ય

મુંબઈમાં બેત્રણ જગ્યાએ જુદી જુદી પરિસ્થિતિમાં કથકલી નૃત્ય જોવાનો પ્રસંગ મળ્યો. થિયેટરમાં તેમના પ્રયોગો જોતાં એટલું તરત સમજાય એવું છે કે તેના પ્રયોક્તાઓ તખ્તાને ટેવાયેલા નથી. કદાચ એ નૃત્ય જ તખ્તાને માટે યોજાયેલું નથી. એ મૂળ તો ખુલ્લી શેરીમાં મેદની સમક્ષ કરવાનું છે. એક ખાનગી હૉલમાં જોવાનો પ્રસંગ મળતાં જણાય છે કે નજીકથી જોતાં તે વધારે સમજાય છે. તેના પ્રયોગની પરંપરાગત પદ્ધતિ આપણી ભવાઈને મળતી છે. ભવાઈની પેઠે જ તેમાં પાત્ર પ્રથમ આવે છે ત્યારે તેના આડો લૂગડાનો પડદો બે માણસોએ ધરી રાખેલો હોય છે. ભવાઈમાં લાંબા ખેસ જેવું જુદા જુદા ચળકતા રંગનું રેશમી ચોરસ લૂગડું હતું. થોડી વાર પછી તેને ખસેડે છે. કોઈ પાત્ર લૂગડા પછવાડે રહ્યું રહ્યું પણ પોતાનો સ્વભાવ પ્રગટ કરવા માંડે છે. દાખલા તરીકે કિરાતાર્જુનિયમ્‌માં પારધીવેશે આવતા શંકર પડદા પછવાડે પણ અવાજો કરે છે, અને પડદો ખસેડ્યા પહેલાં પડદાને હલમલાવે છે. દરેક દૃશ્યની શરૂઆત આવા પડદાથી થાય છે. પણ દૃશ્ય ચાલતાં પાત્ર આવા પડદા વિના પણ આવે છે. પણ ચાલુ દૃશ્યમાં પણ કોઈ પાત્ર પડદાને ઓથે આવે છે, જેમ કે એકાદશી માહાત્મ્યના રુક્‌માંગદના પ્રયોગમાં રાજા પોતાના પુત્રને મારવા જાય છે તે સમયે વિષ્ણુ પોતે તેના હથિયારને ઓચિંતા ઝાલી લે છે, ત્યાં વિષ્ણુ આવા પડદાને ઓથે આવે છે. પ્રસંગનો ચમત્કાર વધારવાને જ આ પડદો આવે છે કે તેમાં બીજો કોઈ સિદ્ધાંત કે પ્રયોજન છે તે વિચારવું ઘટે છે. આ પડદાને માટે મલયાલમ શબ્દનો અર્થ સમુદ્ર થાય છે. મૂળ આ નાટ્યપ્રકારની ઉત્પત્તિ સમુદ્રમાંથી નીકળતા દેવોએ કરી એવી દંતકથા સાથે એનો સંબંધ છે, એમ સાંભળ્યું. અહીં જે સ્ત્રીપાત્રો જોયાં તેમાં મોં ઉપર સાધારણ રંગ હતો અને તેમનાં વસ્ત્રોમાં ઉપર એક રંગીન ચોરસા જેવું ઓઢેલું હતું. તેમનો અંબોડો ડાબી તરફ ત્રાંસો જટાની પેઠે રાખેલો જણાતો હતો, જે તપાસ કરતાં અત્યારે પણ પ્રચલિત જણાયો છે. સ્ત્રીઓ ગુજરાતના જૂના રિવાજ પ્રમાણેના કસવાળા કાપડા જેવું પહેરે છે. આ પહેરવેશ મલબારમાં પ્રચલિત નથી એમ એક એ પ્રાંતના મિત્રની પાસેથી સાંભળેલું છે. એ સાચું હોય તો કસવાળું લૂગડું ક્યાંથી આવ્યું? ગુજરાત કે ઉત્તર હિંદ તરફથી? કે એ મલબારની સ્વતંત્ર પરંપરા? કે કૃષ્ણજીવન ઉત્તર તરફ પસાર થયું છે માટે એટલી સ્થાનિકતા પહેરવેશમાં આણી એમ સમજવું? સ્ત્રીઓ ધોતિયા જેવું પહેરે છે અને નૃત્યમાં તેની પાટલીના સળો ઘણા સુંદર દેખાય છે. પુરુષપાત્રોનો પહેરવેશ સામાન્ય રીતે ઘણો વધારે કપડાંવાળો અને વિલક્ષણ છે. કપડાં એટલાં બધાં પહેરે છે અને એવી રીતે પહેરે છે કે માણસ હોય તે કરતાં વધારે જાડો દેખાય, અનેક ફૂમતાંવાળા ખેસો જેવું બંને બાજુ લટકતું હોય છે, પુષ્કળ ઘરેણાં જેવું હોય છે. અને કેડથી નીચે એક વસ્ત્ર મોટું, ગોળ, ઘેરદાર નીચે પગ સુધી ટટળતું હોય છે. કદાચ આ વસ્ત્રને શરીરથી અલગ રાખવા કેડ ઉપર કાંઈ પહેરાતું પણ હશે એમ જણાય છે. આ નૃત્ય સમજનાર એક વ્યક્તિએ કહેલું કે કથકલી નૃત્યમાં પુરુષના એ ખુલ્લા પગોની આકૃતિની અસર આ ફરતા ગોળ કપડાથી નાબૂદ થાય છે. હવે એ ખરું છે કે કથકલીમાં પુરુષના નૃત્યની આ એક વિશિષ્ટ વિકટ સુંદરતા છે. પણ બધાં પાત્રો આવો જ વેશ રાખે છે એમ નથી. દાખલા તરીકે બ્રાહ્મણ સુદામો (એ લોકો કુચેલો કહે છે. ઉત્તર હિંદનાં સુદામાનાં ચિત્રોમાં પણ એ જ નામ હોય છે.) અને તપ કરતો અર્જુન સાદા ધોતિયાના વેશમાં આવે છે. એમના નૃત્યમાં – ખાસ કરીને અર્જુનના નૃત્યમાં – એ છૂટા પગની અસર જોઈ શકાય છે. પણ આ ઘેરદાર વસ્રોની પણ અમુક જુદા જ પ્રકારની અસર થાય છે એની ના પડાય તેમ નથી, જાણે એ છુટ્ટાં કપડાં પણ અમુક રીતે ફરીને ભાવને વ્યક્ત કરે છે. કૃષ્ણ, હનુમાન, ભીમ, દુઃશાસન, શંકર, એ બધાં પાત્રો મોં પર કંઈ ચોખાની બનાવટથી સફેદ પટ્ટા જેવું કરે છે. આખું મોં બહુ જ ચીવટથી રંગવામાં આવે છે, અને તે ઉપરાંત આ સફેદ પટ્ટા જેવું હોય છે. પાત્રો વાતચીત કરતાં જ નથી. પણ ઘણે ભાગે બધાં અમાનુષ સ્વભાવનાં પાત્રો ચીસો નાંખે છે. હનુમાન, દુઃશાસન, વ્યાઘ રૂપે શંકર, બધા ચીસો પાડે છે. એક વાર ભીમે પણ ચીસ પાડેલી. ચિચિયારી જેવી એ ચીસ હોય છે, અને વિલક્ષણ રીતે ભયંકર લાગે છે. એ ચીસ પાડતાં મોંના હલનચલનમાં પેલા ઊપસેલા પટ્ટાને હરકત ન થાય એ રીતે તેનો આકાર રાખેલો હોય છે. એટલે ચીસો પાડનાર અને નહિ પાડનાર પાત્રના પટ્ટાનો આકાર જુદો હોય છે. એ ભયંકર પાત્રો જુદી જુદી મુખાકૃતિ સાથે, ઘેરદાર ફરતાં કપડાંથી પોતાની ભાવની બહુ ઉત્કટ અસર કરી શકે છે. કથકલી નૃત્ય સમજવામાં બે-ત્રણ વસ્તુ પૃથક્‌ કરી સમજવી જોઈએ. કથકલીમાં શબ્દોથી વાત થતી જ નથી. આવા સંવાદો હાથની મુદ્રાથી થાય છે. આ સમજવાને તેનો સંકેત જાણવો જોઈએ, એ એક જ સાચો ઉપાય છે. ગમે તેવો કુશળ કલારસિક પણ એ સંકેતજ્ઞાન વિના એ સમજી શકે નહિ. સંકેત સમજ્યા પછી એ મુદ્રા કે અંગગતિનું સામંજસ્ય, ઔચિત્ય સમજાય, પણ એ સંકેતચ જાણ્યા વિના, એ ગતિનો અર્થ કરવા બેસવું એ આડંબર છે. અને તેને વિશે અભિપ્રાય ઘડવો એ મિથ્યા પ્રયત્ન છે. આ સંજ્ઞાઓ એટલી બધી છે, અને એકબીજાથી એટલી બધી સૂક્ષ્મ રીતે ભિન્ન છે, અને જુદાં જુદાં સંયોજનોમાં એના એવા ભિન્ન અર્થો થાય છે કે તેનો અભ્યાસ પણો લાંબો સમય માગે. આ સાંકેતિક અંગવિક્ષેપને માટે એટલું જ કહી શકીએ કે અર્થ જાણ્યા વિના પણ તે સુંદર દેખાય છે. પણ માત્ર આ અંગગતિઓ કે અંગવિક્ષેપો ઉપરથી જ આવા નૃત્ય વિશે અભિપ્રાય બાંધવો યોગ્ય નથી. તેમાં જે ભાવ પ્રગટ કરવાનું નૃત્ય આવે છે તે ખરેખર સુંદર છે. એ નૃત્ય અર્થસૂચક અભિનયની વચ્ચે વચ્ચે આવે છે. કિરાતાર્જુનીયમ્‌માં પારધી અને અર્જુન જે રુદ્ર નૃત્ય કરે છે તે પરસ્પરના સંવાદની વચ્ચે વચ્ચે આવે છે. વિકટતામાં તે અદ્‌ભુત છે. આ નૃત્યો જોઈને કેટલાક સવાલ કરે છે કે આ મોઢું રંગવાની, અમુક જાતનાં જ ઘેરદાર કપડાં પહેરવાની રીતે ભલે બલદ્યોતક હોય પણ કલાની ક્યાસ દર્શાવે છે. મારું એમ કહેવું નથી કે કથકલીને એક આદર્શ કલા માની લેવી જોઈએ. પણ તેના દોષો કાઢતાં પહેલાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ સમજવાની મને જરૂર જણાય છે તે અહીં સ્ફુટ કરવા પ્રયત્ન કરીશ. પ્રથમ તો હરકોઈ કલાની કૃતિને સમજવા માટે લાંબો અને ધીરજવાળો અભ્યાસ જોઈએ. હિંદી સંગીતને અંગ્રેજો આજ સુધી જંગલી કહેતા. આપણામાંથી ઘણા યુરોપી સંગીતમાં આનંદ નથી લઈ શકતા. ઊંચા પ્રકારનું આપણું પોતાનું સંગીત આપણામાંના ઘણા નથી સમજી શકતા. જેમ કલા વધારે પૂર્ણતાએ પહોંચેલી તેમ તે સમજવાને માટે વધારે અભ્યાસ જોઈએ. કથકલી માટે બીજું ગમે તે કહો, પણ ઘણાં વર્ષોના અનુભવથી તે પોતાની પદ્ધતિએ પૂર્ણતા પામી છે તેની ના કહી શકાય નહીં. અને તેના રંગો અને પહેરવેશનું પણ સમર્થન વિચારવા જેવું છે. એ પહેરવેશમાં કેટલોક તો ઇતિહાસથી ચાલ્યો આવેલો હશે અને માત્ર અપરિચયને લીધે તે આપણને ન ગમતો હોય એમ બને. પણ બીજી રીતે વિચાર કરી જોઈએ. દરેક કલાને પોતાના ઉપાદાન અને રીતિ કે પદ્ધતિને અનુકૂળ થવું પડે છે. અહીં મહાભારત રામાયણ જેવાં મહાકાવ્યોના અતિ વિકટ, ઉન્નત, પ્રબલ ભાવો ભાષા વિના માત્ર અભિનય અને નૃત્યથી બતાવવાના છે. એ નૃત્યનું ઉપાદાન તો ઊંઠ હાથનો માનવદેહ જ છે. મૂર્તિકાર અતિમાનુષ બળ બતાવવા મૂર્તિને મહાકાય કરે, તેને અનેક હાથો આપે, તેના એક હાથની બે જ આંગળીઓએ આખી ગદા ઊંચકી છે એમ બતાવે, પણ નૃત્યકાર તેમાંનું કશું કરી શકતો નથી. પોતાના જ દેહથી તેને કામ કરવાનું છે. આવી જગ્યાએ અતિમાનુષ ભાવો ખરેખર આવા ભયંકર રંગોથી અને ગોળ ફરતાં કપડાંથી લાવી શકાય છે. શંકરના પારધી તરીકેના વેશમાં તે બરાબર જણાતું હતું. એ નૃત્યો થતાં હતાં ત્યારે જાણે કોઈ સામાન્ય બનાવ આપણા ગામમાં બનતો હોય એમ નહિ, પણ જાણે કોઈ મહાન બનાવ આખા વિશ્વમાં બનવા લાગ્યો એમ લાગે છે. એટલા નાના શરીરમાં એ અતિમાનુષ બળ, ક્રોધ, દર્પ, પડકાર (challenge) બતાવી શકતા હતા. એક બીજી બાબત પણ ત્યાં સ્ફુરી તે નોંધવાલાયક છે. આગલે જ દિવસે બ્લેવેટ્‌સ્કી હૉલમાં ટિબેટનાં પુરાતન ચિત્રપટોનું પ્રદર્શન થયેલું.[1] તેમાં અમુક અમુક વ્યક્તિઓની ભમરો, વચ્ચેથી વિચિત્ર રીતે ઊંચી ચડી ગયેલી જોઈ. તેના અર્થની જિજ્ઞાસા થતાં તેના માલિકે કહ્યું કે તે ધ્યાનાવસ્થા સૂચવે છે. અર્જુન તપ કરતો હતો ત્યારે તેની ચીતરેલી ભમરો લગભગ તેવી જ દેખાતી હતી. હિંદમાં કલા-ધર્મ વગેરેના સ્વરૂપના વિચારો એક કાલે કેટલા બધા એકરૂપ હતા તે જોતાં આશ્ચર્ય થાય છે. હવે ચીતરેલી ભમર વિના અર્જુન એ તપોધ્યાન બીજી કોઈ રીતે ન જ દર્શાવી શકત! પારધી એ વિલક્ષણ વર્ગો સિવાય, તેની ભયંકરતા ન જ દર્શાવી શકત. અર્થાત્‌ સામાન્ય માનુષદેહથી એ અતિમાનુષ ભાવો વ્યક્ત કરવાને એ વિલક્ષણ વર્ણનિધાન અને વેશપરિધાન આવશ્યક હોઈ શકે એ દૃષ્ટિથી એ વિચારવું જોઈએ. સિનેમામાં ડૉ. જેકીલમાંથી મિ. હાઈડ કરતાં શરીરમાં જે ફેરફારો કરવા પડે છે તે ધોરણને જરા વધારે લંબાવી જોતાં આનો ખુલાસો મળી રહે. અને કથકલીમાં શંકરની સાથેનાં ભૂતડાં તો ખરેખર કૃત્રિમ બહાર નીકળેલા દાંત પણ બતાવે છે! એ ભૂતડાં દેખાવથી અને ચેષ્ટાથી ભૂતડાં જ લાગે છે! ઘેરદાર ફરતાં કપડાં વિશે એક બીજું પણ વિચારવા જેવું છે. કંઈક હિંદનાં લોકનૃત્યોમાં બધેય તે દેખાય છે. દક્ષિણના દેવના ઉત્સવોમાં નાચતા પુરુષોને પણ એવાં લાંબાં ઢળતાં કપડાં પહેરેલાં જોયા છે. એ કોઈ ઐતિહાસિક સમયનો જળવાઈ રહેલો અવશેષ છે કે નૃત્યમાં એ ઢળતાં કપડાં અમુક અસર કરવાને રાખેલ છે કે બંને છે એ વિચારવું ઘટે છે. કથકલી એ ભરતનાટ્યશાસ્ત્રની પરંપરા છે કે કેમ એ અભ્યાસનું દૃષ્ટિબિંદુ બહુ બોધક થાય. ભરતનાટયશાસ્ત્રની મુદ્રાઓનાં નામો કથકલીમાં આવે છે એ તો પ્રસિદ્ધ છે. પણ કથકલીની પરંપરામાં કેટલીક મુદ્રાનાં સ્વરૂપો આપણે વાપરીએ છીએ તે ભરતનાટ્યશાસ્ત્રમાં તે તે વર્ણનોથી ભિન્ન છે. એ કદાચ ભરતનાટ્યશાસ્ત્રની કોઈ ભિન્ન પરંપરા હોય! આ બધા; આપણાં સંશોધનોના લગભગ આજીવન અભ્યાસ માગી લે તેવા વિષયો છે. પણ તે લોકનૃત્ય છે માટે શિષ્ટનૃત્ય ન હોઈ શકે વગેરે અનુમાનો ખોટાં છે એટલું જ નહિ, હાનિકર છે.[2] કથકલીમાં જે અભિનયો થાય છે તે ઘણે ભાગે સાંકેતિક છે. હવે પ્રથમ પ્રશ્ન થાય કે અભિનય સાંકેતિક જ શા માટે જોઈએ? સ્વાભાવિક અભિનય જ સાચો! આનો પહેલો જવાબ તો પહેલાં કહ્યું એ જ છે કે ભાષા વિના સંવાદો કરવા હોય ત્યારે સંકેતનો આશ્રય લેવો જ પડે, કારણ કે ભાષામાં વ્યક્ત કરી શકાય તે દરેક ભાવને માટે સ્વાભાવિક રીતે ભિન્ન અભિનય હોતો નથી; પણ અહીં એક બીજી વાત લક્ષ્યમાં રાખવાની છે. કેટલાક ભાવ બતાવવાને તો સાંકેતિક અભિનય એક દૃષ્ટિએ વધારે ઉચિત છે. સિનેમાના ‘સ્ટારો’ આવેશ બતાવવાને ખોટા ખોટા હાંફે છે. ત્યારે મને તો મૂર્ખ દેખાય છે. તે કરતાં અભિનયસંવાદમાં નટ રોમાંચનો સાંકેતિક અભિનય કરે તે મને વધારે ઉચિત જણાય છે. જ્યાં અનુકરણ થઈ જ શકવાનું નથી ત્યાં અનુકરણના ઉપહસનીય પ્રયત્ન કરતાં સંકેત વધારે સારો છે. એક બીજો પ્રશ્ન પણ અહીં ઉપસ્થિત થાય છે. હાલના નાટકમાં, હાલના જીવનમાં છે તેમ, રામાયણ-મહાભારતમાં આવે છે તેવા પ્રબળ ભાવો શુદ્ધ સ્વરૂપે વ્યક્ત કરવાના હોતા નથી, પણ અનેક ભાવોનાં સંમિશ્રણો, છાયામિશ્રણો વ્યક્ત કરવાનાં હોય છે. વળી એક સિદ્ધાંત તરીકે અભિનય અમુક નિયત સ્વરૂપનો ન હોઈ શકે. એક જ ભાવ જુદી જુદી વ્યક્તિ એક જ અભિનયથી વ્યક્ત ન કરે. નટને અભિનયના સ્વરૂપની છૂટ હોવી જોઈએ. ત્યારે પ્રશ્ન થાય કે આ કથકલીના અભિનયો હાલના જમાનાને કઈ રીતે ઉપયોગી? એ અનેક રીતે ઉપયોગી થાય. કથકલીના અનેક અભિનયોમાંથી જુદી જુદી વ્યક્તિને ઉપયોગી અભિનય મળી રહે. એ અભિનયોના અભ્યાસથી નવા સ્ફુરે. અભિનયોનું વૈવિધ્ય મળે. અને વિશેષ તો એના અભ્યાસથી અભિનયનું એવું વૈશદ્ય અને સૌષ્ઠવ આવે જે ખરેખર અપૂર્વ નીવડે. અને એ સઘળું છતાં કથકલીનાં નૃત્યો, અભિનયો એના શુદ્ધ રૂપે પણ સચવાઈ રહેવાં જોઈએ, એટલાં બધાં તે સંપૂર્ણતાએ પહોંચેલાં છે, એટલાં બધાં તે બોધક, સૂચક અને સુંદર છે! એની શક્યતા તો ઉદયશંકરે અત્યારે આખી દુનિયાની નામના મેળવીને કંઈક બતાવી છે. પણ હજી એના અભ્યાસને માટે અનેક નવાં દૃષ્ટિબિંદુઓને અવકાશ છે. છેવટે એક પ્રશ્ન થાય છે. આ તો દક્ષિણનું નૃત્ય! ગુજરાતે બધું બહારથી જ લેવું? આપણું પોતાનું કંઈ ખરું કે નહિ? આપણી ભવાઈ કંઈક આને મળતી હતી એમ હું માનું છું. ભવાઈ પણ કથકલીની પેઠે દેવીના પૂજનાર્થે થતી. તેમાં દેવકથાઓ કરતાં લોકવાર્તા વિશેષ આવતી. પણ તેનું પણ એક પ્રકારનું વિશિષ્ટ સંગીત, તાલ અને નૃત્ય છે. આપણામાંથી કોઈ વલ્લતોલ્લ પાકે તો હજી તેનું પુનરુત્થાન થઈ શકે. એમાંથી કથકલી જેટલી સમૃદ્ધ પરંપરા નીકળશે કે કેમ એ તો અત્યારે કોણ કહી શકે? પણ એમાંનું કશું જ કર્યા વિના, માત્ર પ્રાંતાભિમાનથી, અમારે બંગાળની કવિતા, કે મણિપુરનું નૃત્ય, કે કથકલીનો અભિનય ને નૃત્ય નથી લેવું એમ કહેવું મને અનુપપન્ન લાગે છે. ખરું તો કલામાં આપણા હિંદમાં એવું પ્રાંતીયત્વ હતું જ નહિ. આખા ઉત્તરહિંદમાં એક જ સંગીતપરંપરા છે. અને હવે તો હિંદ અનેક નવા અખતરા કરતું કલાના નવીન રૂપો સિદ્ધ કરવા પ્રયત્ન કરશે, અત્યારે જ કરે છે. તેમાં એક બાજુ સર્વદેશીયતા અને બીજી બાજુ વૈવિધ્ય આવશે. આપણી સ્ત્રીઓ જેમ એક જ રીતે પહેરવેશ નથી પહેરતી, આપણાં દીવાનખાનાં આપણે આખા હિંદની ચીજોથી શણગારીએ છીએ, તેમ આપણી કલા પણ અનેક પ્રાંતોમાંથી જુદાં જુદાં સ્વરૂપો લેશે. આપણા ગરબા બીજા પ્રાંતો લેશે, તેમ આપણે પણ બીજા પ્રાંતોમાંથી લઈશું. અને તે સાથે આપણે આપણાનો અભ્યાસ નહિ કરીએ તો એટલે અંશે બીજા પ્રાંતોની સરખામણીમાં દરિદ્ર દેખાઈશું, બીજું શું!

મહા ૧૯૯૨ (‘કાવ્યની શક્તિ’)
પાદટીપ

  1. ટિબેટનાં આ ચિત્રપટો કોઈ અંગ્રેજ અમેરિકા લઈ જાય છે એમ સાંભળ્યું. આપણું કેટલુંય અમૂલ્ય કલાષન આમ પરદેશ ચાલ્યું જાય છે! આપણને ઘણાની તો ખબરેય પડતી નથી! અને તેને અટકાવવા—આપણા દેશમાં રાખવા, કોઈ કાંઈ કરતું જ નથી!
  2. હમણાં, ચાલુ સાલના જાન્યુઆરીના Asiaના અંકમાં જાવાનું એક નર્તકીઓનું ચિત્ર જોયું, તેમાં કથકલીમાં પુરુષપાત્રોનાં આંગળામાં, આંગળા લાંબા અને અણિયાળાં બતાવવા જે ‘નખિયાં’ પહેરેલાં જોયાં તેવાં જ એ નર્તકીઓના હાથમાં પણ જોયાં. આ કોઈ હિંદની અતિ પ્રાચીન પરંપરા જણાય છે.

Lua error in package.lua at line 80: module ‘strict’ not found.