સાહિત્યચર્યા/સભાનતાની ક્ષણો : ‘આ ઘેર પેલે ઘેર’
જયંતિ દલાલે એમની કલમ અનેક ગદ્યપ્રકારો – નાટક, નવલકથા, વાર્તા, નિબંધ, પત્રકારત્વ, અનુવાદ વગેરેમાં યોજી છે, અને અનેક વર્ષો – લગભગ પા સદી – થી યોજી છે. તેઓ હવે ‘ઇત્યાદિ’ વર્ગના લેખક રહ્યા નથી. કારણ કે એમણે એમની આગવી, એમના મિજાજની મુદ્રા ધારણ કરતી એક વિશિષ્ટ ગદ્યશૈલી ઉપજાવી છે ને ઉપસાવી છે. એ ગદ્યશૈલીનું નામ પાડવું હોય તો એ વાસ્તવિક નાગર શૈલી છે. (અહીં નાગર એટલે નગરની, શહેરી. જયંતિ દલાલ જન્મે અને ઉછેરે અમદાવાદના છે. પણ ‘અમદાવાદી’ નથી. અમદાવાદ પ્રત્યે એમને રાગ છે. એથી એની રગેરગને એ પિછાને છે, અને એના રોગને ય પિછાને છે.) વ્યક્તિત્વ વિનાના લેખક પાસે આવું આગવું અને વિશિષ્ટ વક્તવ્ય હોતું નથી. વયની પાકટતા વિના, અનુભવની પક્વતા વિના, ભાષાની પ્રૌઢિ વિના, સભાન પરિશ્રમ વિના, અને મુખ્ય તો શીલ વિના શૈલી ન હોય. અને શૈલી વિના લેખક ન હોય. હા લહિયો હોય! એટલે લેખક તરીકે જયંતિ દલાલની આ નાનીસૂની શક્તિ નથી. વળી દલાલ જે કંઈ છે તેમાં મુખ્યત્વે નાટકકાર છે. અને કોઈ પણ સાહિત્યપ્રકાર સાહિત્યની કક્ષાએ પહોંચે એટલે આપોઆપ નાટ્યાત્મક બની જતો હોય છે. એનો અનુભવ વાચકોને વારંવાર થયો હશે. જયંતિ દલાલના આ પાંચમા વાર્તાસંગ્રહ ‘આ ઘેર પેલે ઘેર’માં લેખક તરીકેની એમની આ બન્ને સિદ્ધિઓ – શૈલી અને નાટ્યાત્મકતા –નો પરિચય થાય છે. જયંતિ દલાલ અને એમની કક્ષાના વિદ્યમાન લેખકોનાં લખાણોનું સાચા અર્થનું એટલે કે સમગ્રતાથી વિવેચન તો હજુ ભવિષ્યમાં લખાય ત્યારે (આપણા વિવેચનનું વાયુમાન કેટલું મંદ છે!) અલબત્ત, અવલોકનો થયાં છે. જયંતિ દલાલનાં લખાણોનાં અવલોકનોમાં એકંદરે એમ કહી શકાય કે અવલોકનકારોએ કેવળ એમાંનો કટાક્ષ જ જોયા કર્યો છે. એ સિવાયનાં લક્ષણો પર લક્ષ્ય ન આપવાની જાણે કે પ્રતિજ્ઞા કરી હોય એવો ક્યારેક વહેમ પણ આવે એટલો એમાં કટાક્ષ વિશે અતિરેક છે. કોઈ પણ લેખકને એના સ્વભાવમાં કટુતા છે અને એના સાહિત્યમાં કટાક્ષ છે એમ કહીને કેમ જાણે ઠાર મારી શકાતો ન હોય! આપણે ત્યાં કટાક્ષ વિશેનું વિવેચન પોતે જ કટાક્ષના વિષય જેવું છે. કારણ કે કટાક્ષ સાહિત્ય એટલે કનિષ્ટ સાહિત્ય એવું અસત્ય અથવા કહોને કે અજ્ઞાન એમાં અભિપ્રેત છે. અલબત્ત, જયંતિ દલાલ કટાક્ષપ્રિય લેખક છે. લેખક માત્ર કટાક્ષપ્રિય હોય છે. પણ લેખક માત્ર કટાક્ષપ્રિય નથી હોતો. લેખક નામને પાત્ર કોઈ પણ લેખકનાં લખાણોમાં જે હોય જ તે કરુણા, સાચી સહાનુભૂતિ જયંતિ દલાલનાં લખાણોમાં પ્રથમથી જ છે. સુરુચિ અને સમજપૂર્વક વાંચનાર વાચકને વારંવાર એનો આહ્લાદક અનુભવ થયો હશે. આ લખનારની જેમ કોઈ કોઈ વાચકને તો એ ક્યારેક નરી લાગણીવશતા લાગી હોવાનો પણ સંભવ છે. તો વળી આ કરુણા કદાચને કેવળ અતિશયોક્તિ જેવી અને આ સહાનુભૂતિ કદાચને માત્ર પ્રદર્શનશોખ જેવી તો નહિ લાગે એવા ખ્યાલથી પણ ક્યારેક જયંતિ દલાલનાં લખાણોમાં કટાક્ષનો માત્ર એક ઓઠા તરીકે, એક મ્હોરા તરીકે ઉપયોગ થતો હોવાનો પણ સંભવ છે. વળી જયંતિ દલાલનાં લખાણોનાં અવલોકનોમાં એકંદરે એમ પણ કહી શકાય કે અવલોકનકારોએ કેવળ એમાંનો પ્રયોગ જ જોયા કર્યો છે. અને એમાં અમુકતમુક પરદેશી લેખકોની અસર છે એમ મૂળ અને પરદેશી લેખકોને વાંચ્યા વિના જ સંશોધન કર્યાનો લ્હાવો પણ લૂંટ્યા કર્યો છે. એમાંની સિદ્ધિને ન સ્વીકારવાની જાણે કે નેમ હોય એવો ક્યારેક વહેમ પણ આવે એટલો એમાં પ્રયોગ વિશેનો અભિનિવેશ છે. કોઈપણ લેખકનો એનાં લખાણોમાં તો પ્રયોગો છે એમ કહીને કેમ જાણે કાંકરો કાઢી શકાતો ન હોય! જે વિવેચનને પ્રયોગોનો મહિમા ન સમજાય એ વિવેચનનો પોતાનો જ મહિમા મને તો ન સમજાય. કારણ કે આજે જેને સિદ્ધિઓ કહીએ છીએ તે કોઈ એક કાળે તો કેવળ પ્રયોગો જ હશે અને એથી જ સ્તો આજના પ્રયોગોમાં જ આવતી કાલની સિદ્ધિઓ હશે ને! આમ કટાક્ષ વિશેનો અતિરેક અને પ્રયોગ વિશેનો અભિનિવેશ એ આ અવલોકનોની મુખ્ય મર્યાદાઓ છે. વિવેચન કૃતિલક્ષી નહિ પણ વ્યક્તિલક્ષી હોય ત્યારે કેટલું બાલીશ અને બેહૂદું બની જાય છે. વ્યક્તિલક્ષી વિવેચન હંમેશા દયાપાત્ર હોય છે. જયંતિ દલાલનાં લખાણો આથી વધુ સમજપૂર્વકના અને સાચા વિવેચનના અધિકારી છે. ‘આ ઘેર પેલે ઘેર’માં કુલ ૧૪ વાર્તાઓ છે. એમાંની પાંચ વાર્તાઓ – ‘દૂરબીન’, ‘આ ઘેર પેલે ઘેર’, ‘આભલાનો ટુકડો’, ‘જગમોહને શું જોવું?’ અને ‘ઝાડ, ડાળ અને માળો’ –માં જયંતિ દલાલની સાચી વાર્તાકલાનો પરિચય થાય છે. આ પાંચે વાર્તાઓ મનુષ્યના જીવનમાં સમસ્ત અસ્તિત્વનો અર્થ અજવાળી જતી અને એથી યે વધુ તો એને અર્થ અર્પી જતી જે વિરલ અને ધન્ય એવી સભાનતાની એક ક્ષણ આવે છે એ વિશે છે. આ ક્ષણ જેવું કિંમતી બીજું કશું જ નથી. આ ક્ષણમાં જ મનુષ્યને એના સત્ત્વનો, સ્વત્ત્વનો સાક્ષાત્કાર થાય છે, એના ચૈતન્યની પ્રતીતિ થાય છે, આત્મભાન કે આત્મજ્ઞાન થાય છે, પોતાનો પરિચય થાય છે. ભ્રમ ભાંગી જાય, ભ્રમણાઓના ભુક્કા થાય, માયાજાલ અદૃશ્ય થાય, છલપ્રપંચોનો પડદો ખસી જાય, આત્મવંચનાનું આવરણ સરી જાય અને ઉરના ઉઘાડમાં મનુષ્ય પોતાની સન્મુખ સાહસભેર ઊભો રહે અને નિર્ભ્રાંતિની મુક્તિ અનુભવે એ જ સાચી મુક્તિ છે. આ પાંચે વાર્તાઓમાં આ મુક્તિ માટેનું આહ્વાન છે. એટલે જ તો વાર્તાકારે ઈ. ઈ. કમિંગ્સના એક કાવ્યની એક પંક્તિ આ સંગ્રહમાં છાપવી એમ મન સાથે ગોઠવ્યું હતું : ‘Seeming’s enough for the slaves of time and space, for me the here and now of freedom, come.’ (દેખાડાથી રાચે સ્થળકાળના ગુલામ, મારે તો ભલા મુક્તિના અહીં અને અબઘડી, ચાલો.) આ જ માનવજીવનનું આધ્યાત્મિક મૂલ્ય છે, સત્યદર્શન છે, આંતરદર્શન છે. ‘જગમોહને શું જોવું?’માં પેલા સજ્જન બોલ્યા, ‘ના, આ તો તમે મને ખૂબ અંતર્મુખ થયા લાગ્યા’ તે ભલે કટાક્ષમાં બોલ્યા અને જગમોહને કહ્યું, ‘અંતર્મુખનું ઠીક છે, ભાઈ, આ આંખનું...’ તે ભલે મશ્કરીમાં કહ્યું. પણ આ પાંચે વાર્તાઓનાં પાત્રો અંતર્મુખ થાય છે એમાં નથી કટાક્ષ કે નથી મશ્કરી. એમાં અંતર્મુખતાના અનુભવનું, સમગ્ર જીવનના સારતત્ત્વ જેવી સભાનતાની ક્ષણોનું સમભાવી સંવેદનશીલ આલેખન છે. આ તીવ્ર સંઘર્ષની ક્ષણો છે. એથી એનો અનુભવ એ જીવનનો સૌથી વધુ નાટ્યાત્મક અનુભવ છે. અને જયંતિ દલાલમાં એનું સફળ આલેખન કરવાની નાટ્યદૃષ્ટિ છે, સહજ અને સ્વાભાવિક સૂઝ છે. તીવ્ર સંઘર્ષની મનોદશાનું, એમાં મુકાયેલાં પાત્રોનું ચિત્રણ કરવાની એમાં જે શબ્દો, લય, લહેકા, વાક્યરચના, ઉપમાઓ, ઉત્પ્રેક્ષાઓ, ઉક્તિઓ છે એને કારણે સમૃદ્ધ એવી શૈલી છે. આ પાંચે વાર્તાઓમાં માનવસ્વભાવની સૂક્ષ્મ સમજ છે. એમાં મનુષ્યોને આંચકો કે આઘાત આપ્યા વિના, અપમાન કે અવહેલના કર્યા વિના, કટુ કે કઠોર થયા વિના સભાનતા સર્જી છે. માનવસંબંધોની માવજત એવી સંવેદનપૂર્વક અને સહાનુભૂતિપૂર્વક કરી છે કે એમાં કલાનું સૌંદર્ય પ્રગટ થાય છે. આ પાંચે વાર્તાઓમાં કેન્દ્રસ્થાને વ્યક્તિ વિરાજે છે અથવા તો વાર્તાકારનું સમગ્ર ધ્યાન વ્યક્તિ પર કેન્દ્રિત છે. એમાં માનવરસ સભર ભર્યો છે. આ વાર્તાઓ સહેજ વિગતે જોઈએ.
મંગળાબહેન અગાશી પરથી સામેના ઘરમાં મીરાંને જગદીશ જે લાડ લડાવે છે તે છાનાછપના દૂરબીન દ્વારા જુવે છે. પોતાના પતિ આનંદભાઈ પાસેથી એવા લાડ ન પામેલા મંગળાબહેન આમ અવેજી આનંદ, ક્યારેક તો એકલાં એકલાં જ આનંદભાઈને મ્હેણાં મારીને લૂંટે છે. (વિલિયમ ઇન્ગેના ‘કમ બેક લીટલ શીબા’ની લોલાનું સ્મરણ કરાવે છે.) અને આનંદમંગળમાં એટલે કે આત્મવંચનામાં એમના દિવસ જાય છે, ‘મઝા ખાતર’, નિર્દોષ ગમ્મત જેવી આ વાત જે ક્ષણે ‘કોઈ આપણને જુએ તો?’ એમ પ્રશ્ન પૂછીને પોતે સભાન થાય છે તે જ ક્ષણે ગંભીર બની જાય છે. અને આ પ્રશ્ન દ્વારા પોતે પોતાને તો જોઈ જ લે છે. અને જ્યારે જગદીશ અને મીરાં દૂરબીનથી પોતાને જુએ છે એવો ભ્રમ થાય છે અને એ તો દૂરબીન નથી પણ બીજું જ કોઈ મશીન છે એવું ભાન થાય છે ત્યાર પછી આગાશી પર હતું એ દૂરબીન તો એ પછી એમનું એમ જ રહ્યું. જાતને જોયા પછી કશું જોવાનું રહે છે? એક નાની વાતમાં મંગળાબહેન છેતરાય છે પણ જીવનની મોટી છેતરામણીમાંથી મુક્ત થાય છે. અને તે પણ સહજ અને સરલ રીતે, મઝાક મશ્કરીમાં. આ દૂરબીન પ્રતીક રૂપ છે. નરી આંખે ન દેખાય તે દૂર પડેલી પોતાની જાતને મંગળાબહેન જોઈ લે છે ને જીરવી લે છે.
સ્ટેઈનેસ સ્ટીલ (સૂચક છે!)ની વાટકીના અવાજના સહારે સવિતાના સ્મરણમાં એનો આખો બાર વરસનો ભૂતકાળ સળવળે છે. પોતે પુલિનના પુત્રની માતા છે. એનામાં માતાનું સ્વમાન છે પણ પત્નીનું માન છે? જે ક્ષણે એ વિશે એ સભાન થાય છે. ત્યારે કહે છે : ‘હવે પકડાઈ તું. કર, કબૂલ કરી દે. હવે તારાથી નહિ છટકાય અને આખી દુનિયાથી છટકીને જઈશ, બધાને હાથતાલી દઈશ. પણ આ તારી જાતનું શું કરીશ?’ અને ‘સોદો કર્યો’ એવું ભાન થતાં જ ‘એ ચાલી પેલે ઘેર... આ ઘર અને પોતાની જાતને પોતાને હાથે હીણી અને બજારુ બનાવતા સોદાની રકમ પાછી આપી દેવા...!”
રમણને નાનપણથી એક ચાર તસુનો આભલાનો રેજો જોવાની ટેવ છે. પત્ની દક્ષા આ વાત જાણે છે. એટલે જ નોકરી છૂટતાં પરામાંથી પોળમાં ઘર બદલે છે. ત્યારે દક્ષાએ ચાર આંગળનું આભલું જોઈ શકાય એવો ત્રીજો માળ પસંદ કર્યો! રમણ દિવસ અને રાત સુખ અને સંતાપનું સરવૈયું તારાને સાદર ભેટ ધરતો ત્યાં એક દિવસ એણે પડખેના છાપરા પર બે ઊભા વાંસ દીઠા – પડોશીએ રેડિયો લીધો હશે એનું એરિયલ બાંધ્યું હતું. રમણને આ ‘આકાશની ખૂલ્લી છત પર ભાલા’ જોવાના અને રેડિયોમાં વ્યાપારી જગતની વિકૃતિઓ સુણવાની. દક્ષા રમણનું દુ:ખ જોઈ જાણીને પૂછે પણ છે : ‘આ કોઈ આપણું આભલું છે? ‘રમણ કહે છે : ‘પણ એને કદરૂપું કરવાનો કોઈને હક્ક છે ખરો?’ ‘આ તો આકાશમાં ઉકરડો કરે છે.’ પ્રકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેના આ સંઘર્ષમાં રમણ સદાય મુઝાતો રહે છે. પણ જે ક્ષણે એ પેલા બે વાંસ પર પોપટ જુએ છે. (બન્ને પ્રતીક રૂપ છે) તે ક્ષણે એના સૌન્દર્ય અને સુખ વિશે રમણ સદાયનો સભાન થાય છે. અને બે વાંસ અને એરિયલને, કદરૂપતાને અને ઉકરડાને સ્વીકારી લે છે.
આ વાર્તાના આરંભમાં ત્રણ પેરેગ્રાફમાં જયંતિ દલાલની શૈલીનું સમગ્ર સૌંદર્ય પ્રગટ થાય છે. અને જે ક્ષણે ‘આંખ ગઈ?’ એમ જગમોહન સભાન થાય છે તે જ ક્ષણથી અંધાપા અને અંધકારની સભાનતા દ્વારા જ જાતને જોતો થાય છે. દાક્તરે જગમોહનને જ્યાં કહ્યું કે ‘આવા દરદીએ જીવન પ્રત્યે ફિલસુફીની દૃષ્ટિ કેળવવી જોઈએ’ અને જગમોહન રોષમાં જવાબ આપે છે, ‘આ બધાં વર્ષ મેં બીજું શું કર્યું છે? ત્યાં જ વાર્તાકાર કહે છે તેમ સાચેસાચ હોશમાં આવે છે કારણ કે આ બધાં વર્ષ એણે બીજું જ કંઈ કર્યું છે. મિલ્ટનની અને જપાની લેખક ઈશીકાવાની યાદ આવી જાય છે. આમ, ‘આંખ ગઈ?’ એની સભાનતાની ક્ષણથી એક ઝબકારે એનો ભૂતકાળ અને ભવિષ્યકાળ એની આંધળી થતી જતી આંખ સામે ઝળહળી ઊઠે છે. ‘હું આમ મલકી શકત? મારે મોંએ આવું સ્મિત આવત? અને આમ આપઘાત કરવાની વાત...પણ ખરેખર જિંદગીને કઈ નજરે જોઈ હતી? આખી જિંદગી પોતે બીજું કર્યું શું હતું? ગુસ્સે થયા સિવાય? છણકા કર્યા સિવાય?’ પત્ની સાથે ભૂતકાળમાં જે વર્તન કર્યું હતું અને ભવિષ્યમાં જે વર્તન કદાચને કરશે એનું ભાન થતાં જગમોહનમાં પત્નીને આંખ વિશે વાત કરવાની કાયરતા જન્મે છે. પણ પત્નીનું મોં, ‘એ મોં જોયું જ ક્યાં છે?’ એમ, જાણે પ્રથમવાર જ જોતો હોય એમ અને સાચેસાચ આ સભાનતા સાથે તો, આ નજરે તો પ્રથમ વાર જોતા ‘જગમોહને પત્નીને વાત કરી...’ મિલ્ટનની પંક્તિ અને જપાની વાર્તા આ વાર્તાના અનિવાર્ય અંશ બની જાય એટલી એની આંતરિક સમૃદ્ધિ છે. આ ‘ત્રિ-પરિમાણ’ વાર્તા છે. વાર્તાકલાની સૂઝસમજ હોય તો એક તીવ્ર અંગત અનુભવમાંથી કેવું સુભગ પરિણામ આવી શકે એનું આ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
સંગ્રહની આ સર્વશ્રેષ્ઠ અને લાંબામાં લાંબી (૪૩ પાનાંની) વાર્તા છે. પરંતપ નોકરી ગુમાવીને અને ક્ષયની બિમારી મેળવીને પત્ની વિલાસ સાથે, વર્ષો પછી, જે ઘરમાંથી ઝગડીને જતો રહ્યો હતો તે જ ઘરમાં પિતા નૃસિંહપ્રસાદ, ઓરમાન મા શાંતિદા અને ઓરમાન ભાઈ બહેન અમિત અને ચિન્મયીની વચ્ચે આવીને વસે છે. વાર્તાની સિદ્ધિમાં આ પરિસ્થિતિ (situation)નો ફાળો નાનોસૂનો નથી. પણ માત્ર પરિસ્થિતિને કારણે જ કોઈ કલાકૃતિનું સર્જન ન થાય. આ વાર્તાની સિદ્ધિનું રહસ્ય આ પરિસ્થિતિમાંથી પ્રગટતું પાત્રાલેખન છે. સવારથી સાંજ લગીમાં તો પિતાના શબ્દે શબ્દે અને અન્ય પાત્રોના વાક્યે વાક્યે પરંતપનું ચિત્ત ચક્રાવે ચડે છે, એનું મન વળ ખાય છે, એનું હૃદય વળાંક લે છે. ક્ષણે ક્ષણે એનામાં ગડમથલ ને ઊથલપાથલ મચે છે. એ ઉપરતળે થાય છે. અમળાય છે, અકળાય છે, આકુળવ્યાકુળ થાય છે અને અંતે કકળી ઊઠે છે, ‘કાલે હું – અમે અહીંથી જતાં રહીશું.’ પણ શાંતિદા અને વિલાસ તથા વાર્તાની પરાકાષ્ઠા જેવું નૃસિંહપ્રસાદનું વાક્ય ‘ક્યાં જવું છે? નથી જવાનું.’ કુટુંબની આ કરુણમાં કરુણ પરિસ્થિતિમાંથી સદાયની શાંતિ સર્જે છે. ‘માનવી તે કોઈની સદ્ભાવના ને સમજના ટેકા વિના ક્યાંથી ટકે?’ એ સત્ય અહીં સાકાર થાય છે. આ વાર્તા સંસારરસનું એક સુંદર કાવ્ય છે. એમાં માનવસંબંધોમાં અને એની પવિત્રતામાં આ લેખકની શ્રદ્ધાના દર્શન થાય છે. વાર્તાકાર સર્વત્ર વ્યાપ્યો છે છતાં ક્યાંય વ્યક્ત થતો નથી એટલો અસાધારણ એનો સંયમ છે. એને કારણે જ આ વાર્તા કલાકૃતિની કોટિની છે. સમસ્ત ગુજરાતી વાર્તાસાહિત્યને જયંતિ દલાલનું આ સદાયનું અર્પણ છે. ૧ ફેબ્રુઆરી ૧૯૫૭