સાહિત્ય પલ્લવ – ભાગ ૨/કપોતની કહે છે રે
ધીરો
કપોતની કહે છે રે, કંથ મારું કહ્યું કરો;
સીંચાણાનો ભય છે રે, પારધીએ બાણ ભર્યો.
અહીંથી ઊંડી અળગા રહીએ, આ દેશ તજી ઉપદેશ;
મર્મવચન, પિયુ, મારું રે માનો, અસત્ય નહિ લવલેશ :
પ્રમાદ, પ્રભુ, મૂકો રે, રાંક વેણ હ્રદે ધરો. કપોતની૰
કપોત કંથ કહે : કાયર કામની, હોનાર પદારથ હશે;
શત્રુનું સાલ સહેજમાં ટળશે, કરતાનું કહ્યું થશે :
હૃદયે હરિ રાખો રે, કૃષ્ણ કૃષ્ણ ઉચ્ચરો. કપોતની૰
જીવ જાયે ઘટેઘટ ગોવિંદ, પલકે અંક પ્રમાણ;
ડગમગતા તમે દિલથી રે ટાળો, સંભારો સારંગપાણ :
ચિંતા ના રાખો રે, દિલથી ના ડરો ડરો. કપોતની૰
અહિ ડશ્યો પારધીને પાયે, તૂટ્યો બાણ તે વાર,
ઊડ્યું શિર સીંચાણા કેરું, એવા કૃષ્ણ કૃપાળુ કરતાર :
ભાવે ગુણ ભાખો રે, ભવજળ તરો તરો. કપોતની૰
તન તરુવર પ્રાણ પંખીડો, નિવૃત્તિ કપોતની નાર;
અહંકાર અહિ અને જરા પારધી, ક્રોધ સીંચાણો નિરધાર :
ધીર મુકુંદ મધુસૂદન રે, પલક ન રાખો પરો. કપોતની૰
સ્વાધ્યાય