સાહિત્ય પલ્લવ – ભાગ ૨/હોલો હોલી કહે છે રે

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧. હોલો હોલી કહે છે રે

ધીરો

હોલો હોલી કહે છે રે, પ્રભુજી મારી વહારે ચઢો;
બચ્ચાં મારાં માંહે રે, તળે આવી ભીલ ખડો.

બાણ તાણીને ઊભો પારધી, ઉપર આવ્યો બાજ;
પોલારમાંથી સર્પ નીસરિયો, તેણે તો સરી ગયાં કાજ :

ગરુડનો ગામી રે, હરિ બિરદદાર બડો.
હોલો૦



વિનતિ સુણી વિઠ્ઠલ પરવરિયા, સાપ માટે નિરવાણ
બિલને ઠેસતાં પારધીના, તતક્ષણ લીધા પ્રાણ:

બાણ ત્યાંથી છૂટ્યું રે, બાજ આવી હેઠો પડ્યો.
હોલો૦



જુઓ હરિ કેવા સંકટમોચન, બચ્ચાં બચાવ્યાં કૃપાળ;
કાળું કરનારનું કરતો કાળું, એવો એ દીનદયાળ :

કાળનો કાળ કાળો રે, પ્રહ્લાદની વહારે ચડ્યો.
હોલો૦



કઠણ વેળાએ કારજ કરશે, ભજન કરો ભય જાય;
સ્વામીસેવાનું ફળ અમોલે, અંત સમે કરે સહાય :

થાય હરિ ઊભો રે, કદી કાળ સામો તડૂક્યો.
હોલો૦