સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દેવકી અને કૃષ્ણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨ દેવકી અને કૃષ્ણ

ભાલણ

એક સમે ગોવિંદજીને પૂછે દેવકી પ્રેમે કરી વચન :
‘આતા, અતિ શું રુચે તમને, તે કરી પીરસું ભોજન. એક૰
આટલા દિન આહીર તણે ઘેર, સ્વાદ વિના તમે જમિયા અન્ન;
રાજભોગ ચતુરાઈ ક્યાંથી ભરવાડામાં, હે મારા તન.’ એક૰
વલતા હરિ એણી પેરે બોલે કાંઈ એક હાસ્ય કરીને વદન :
‘આઈજી, મુખે કહ્યું ન જાયે વ્રજનું સુખ, જાણે મારું મન. એક૰
ખટ રસ ઉત્તમ શાક પાક બહુ કોટી કરો જો આણી પ્રીત,
તેહ સ્વાદને તોલે નાવે જે ચોરી ખાધું નવનીત. એક૰
તમને મળ્યા, રાજ સુખ પામ્યા, મથુરા નગર સગા સહુ જન;
તે સ્નેહ હૃદય થકી નવ જાયે, એક ઘડી મારે નંદભુવન. એક૰
વૈકુંઠથી મને ગોકુલ વહાલું, વહાલા સહુ વ્રજવાસી જન,
ક્ષીરસાગરથી અતિશે વહાલું, જનની, મુને વૃંદાવન. એક૰
જાણું છું વળી કહીંએ લેશું, અઠ્ઠાવીશમે યુગે અવતાર;
ગોકુલમાંહે લીલા કીજે, તે દિન આવે બીજી વાર. એક૰
દેવ સ્તવે તે મુજને લાગે, માતાજી, અતિ વચન કઠોર;
અમૃત પેં એ રૂડું લાગતું, જે ગોપિકા કહેતી ચોર. એક૰
વ્રજની વાત વ્રજવાસી જાણે, તેની સાક્ષ ન પૂરે કોય;
માતાજી સર્વે કહેવરાવું, જો પાસે ભાલણ, જન હોય.’ એક૰