સાહિત્ય પલ્લવ – ભાગ ૨/બહેન

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨. બહેન

નિર્દોષ ને નિર્મળ આંખ તારી
હતી હજી યૌવનથી અજાણ,
કીધો હજી સાસરવાસ કાલે,
શૃંગાર તેં પૂર્ણ ચિતા મહીં કર્યો!
કૂંળી હજી દેહલતા ન પાંગરી,
કૌમાર આછું ઊઘડ્યું ન ઊઘડ્યું,
પ્હેરી રહે જીવન-ચુંદડી જરી,
સરી પડી ત્યાં તુજ અંગથી એ!
સંસારના સાગરને કિનારે
ઊભાં રહી અંજલિ એક લીધી,
ખારું મીઠું એ સમજી શકે ત્યાં
સરી પડ્યો પાય સમુદ્રની મહીં!
શિશિર આવે, ક્રૂર કાળ આવે,
ને પુષ્પ કૂંળાં દવમાં પ્રજાળે;
સુકોમળી દેહકળી અરે! અરે!
વસંતની ફૂંક મહીં ખરી પડી!
‘સફરનું સખ્ય’માંથી

સ્વાધ્યાય

૧. માતાએ બંને જન્મ કેવી રીતે આપ્યા? સામાન્ય રીતે બીજો જન્મ ક્યારે મળ્યો કહેવાય છે? ‘દ્વિજ’ એટલે?
૨. માતાની મહત્તા વિષે કવિ શું સૂચવે છે?
૩. બહેનના નાનપણમાં થયેલ મૃત્યુનો ખ્યાલ ક્યાં ક્યાં ચિત્રોથી આપણને આપવામાં આવ્યો છે?
૪. કોઈ પણ એક કાવ્ય મોઢે કરો. અને તમારી પસંદગીનું કારણ શોધી કાઢો.