સાહિત્ય પલ્લવ – ભાગ ૨/ભાણી
(ગઝલ)
બાલશંકર કંથારિયા
દિવાળીના દિન આવતા જાણી,
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
માથે હતું કાળી રાતનું ધાબું,
માગી ત્રાગી કર્યો એકઠો સાબુ;
‘કોડી વિનાની હું કેટલે આંબુ?’ ૫
રુદિયામાં એમ રડતી છાની
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
લૂગડાંમાં એક સાડલો જૂનો,
ઘાઘરોયે મેલો દાટ કે’દુનો;
કમખાએ કર્યો કેવડો ગુનો? ૧૦
તીને ત્રોફાયેલ ચીંથરાને કેમ ઝીંકવું તાણી?
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
ઓઢણું પે’રે ને ઘાઘરો ધુએ,
ઘાઘરો ઓઢે ને ઓઢણું ધુએ;
બીતી બીતી ચારે દિશામાં જુએ, ૧૫
એને ઉઘાડાં અંગેઅંગમાંથી આતમા ચૂવે!
લાખ ટકાની આબરૂને એણે સોડમાં તાણી :
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
ઊભાં ઊભાં કરે ઝાડવાં વાતું,
ચીભડાં વેચીને પેટડાં ભરતી ૨૦
ક્યાંથી મળે એને ચીથરું ચોથું?
વસ્તર વિનાની ઇસ્તરી જાતને સારુ
પડી જતી નથી કેમ મો’લાતું?
શિયાળવાની વછૂટતી વાણી.
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી. ૨૫
અંગે અંગે આવ્યું ટાઢનું તેડું,
કેમ કરી થાવું ઝૂંપડી ભેળું?
વાયુની પાંખ ઉડાડતી વેળુ;
જેમ તેમ પે’રી લૂંગડાં નાઠી,
ઠેસ, ઠેબાં — ગડથોલિયાં ખાતી; ૩૦
કાયા સંતાડતી, ધ્રૂજતી ધ્રૂજતી,
કૂબે પ્હોંચતાં તો પટકાણી
રાંકની રાણી -
ભાદરમાં ધુએ લૂગડાં ભાણી.
‘ગોરસી’માંથી
સ્વાધ્યાય