સિગ્નેચર પોયમ્સ/રસ્તા વસંતના – મનોજ ખંડેરિયા
Jump to navigation
Jump to search
મનોજ ખંડેરિયા
આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના,
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.
મલયાનિલોની પીંછી ને રંગો ફૂલો ના લૈ,
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના!
આ એક તારા અંગે ને બીજો ચમન મહીં,
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના!
મહેંકી રહી છે મંજરી એક એક આંસુમાં,
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના!
ઊડી રહ્યા છે યાદના અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના!
ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે,
પાછા ફરી ન આવશે તડકા વસંતના!