સિગ્નેચર પોયમ્સ/ગઝલ (ક્યાંક ઝરણાની...) – શ્યામ સાધુ
Jump to navigation
Jump to search
ગઝલ
શ્યામ સાધુ
ક્યાંક ઝરણાની ઉદાસી પથ્થરો વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે!
દોસ્ત, મૃગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયાં તરસ, ત્યાં વાદળી ઊંચે ચડી છે.
પંખીઓના ગીત જેવી એક ઇચ્છા ટળવળે છે,
ઓ હૃદય! બોલો કે આ કેવી ઘડી છે.
આવ મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહે છે એ અહીં ઠેબે ચડી છે.
ઓ નગરજન! હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે?