સોરઠી સંતવાણી/આચરણની રીત
Jump to navigation
Jump to search
આચરણની રીત
જીવ ને શિવની થઈ ગઈ એકતા ને
પછી કહેવું રહ્યું નથી કાંઈ રે,
દવાદશ પીધો જેણે પ્રેમથી ને
તે સમાઈ રહ્યો સુનની માંઈ રે —
ભાઈ રે તમે હરિ હવે ભરપૂર ભાળ્યા ને
વરતો કાયમ ત્રિગુણથી પાર રે
રમો સદા એના સંગમાં ને
સુરતા લગાડો બાવન બાર રે. — જીવ ને.
ભાઈ રે મૂળ પ્રકૃતિથી પાર થઈ ગયાં ને
તૂટી ગઈ સઘળી ભ્રાંત રે
તમારું સ્વરૂપ તમે જોઈ લીધું ને
જ્યાં વરસે છે સદા સ્વાંત રે. — જીવ ને.
ભાઈ રે સદા આનંદ હરિના સ્વરૂપમાં ને
જ્યાં મટી મનની તાણાવાણ રે
ગંગાસતી એમ બોલિયાં ને
તમે પદ પામ્યા નિરવાણ રે. — જીવ ને.