સોરઠી સંતવાણી/પૂર્ણ સ્વરૂપનો અભ્યાસ
Jump to navigation
Jump to search
પૂર્ણ સ્વરૂપનો અભ્યાસ
અહીંથી ગંગાસતી પોતાની શિષ્યાને યોગની ક્રિયાઓ શીખવે છે.
પરિપૂરણ સતસંગ હવે તમને કરાવું ને
આપું જોને નિરમળ જ્ઞાન રે,
જનમવા મરવાનું તમારું મટાડીને
ધરાવું અવિનાશીનું ધ્યાન રે —
નામરૂપને મિથ્યા જાણો ને
મેલી દેજો મનની તાણાવાણ રે,
આવી બેસો એકાંતમાં ને તમને
પદ આપું નિરવાણ રે. — પરિપૂરણ.
સદા રહો સતસંગમાં ને
કરો આગમની ઓળખાણ રે,
નૂરત સૂરતથી નિજ નામ પકડીને
જેથી થાય હરિની જાણ રે. — પરિપૂરણ.
મેલ ટળે ને વાસના ગળે ને
કરો પૂરણનો અભિયાસ રે,
ગંગાસતી એમ બોલિયાં ને
થાય મૂળ પ્રકૃતિનો નાશ રે. — પરિપૂરણ.