સોરઠી સંતવાણી/રહેણીમાં રસ

From Ekatra Foundation
Jump to navigation Jump to search


રહેણીમાં રસ

માણવો હોય તો રસ માણી લેજો, પાનબાઈ!
હવે આવી ચૂક્યો પિયાલો,
કે’વું હતું તે કહી દીધું, પાનબાઈ!
હવે રે’ણી પાળવા હેતેથી હાલો —
ભાઈ રે! રે’ણી થકી જોને રામ રીઝે, પાનબાઈ!
રે’ણી થકી રોમેરોમ ભીંજાય;
રે’ણી થકી રસ શરીરમાં પરવરે,
રે’ણી થકી ઉગાવો જોને થાય. — માણવો.
ભાઈ રે! રે’ણી થકી ગુરુજી સાનમાં સમજાવે,
રે’ણી થકી અમર જોને થવાય,
રે’ણી થકી અધ્ધર ઉતારા, પાનબાઈ!
રે’ણી થકી પાર પોગી જોને જવાય. — માણવો.
ભાઈ રે! રે’ણી તો સરવરથી મોટી, પાનબાઈ!
રે’ણીથી મરજીવા બની જોને જાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે,
રે’ણી પાળ્યેથી આનંદ વરતાય. — માણવો.

[ગંગાસતી]