સ્ટેચ્યૂ/ગોખલાનાં ચપટીક અજવાળાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search




ગોખલાનાં ચપટીક અજવાળાં



દિવાળીના દિવસો પાદરમાં આવી ઊભા હોય ત્યારે અમારી શેરીમાં જબરી હલચલ મચી જાય. આકાશમાં સૂરજ ઊંચો આવે કે તરત દરેક ઘર કામથી ધમધમવા લાગે. કોઈએ અભરાઈનાં વાસણો ઊટકવા કાઢ્યાં હોય તો કોઈએ છાપરા ઉપર ગાદલાંગોદડાં તપાવવા મૂક્યાં હોય. કોઈના ફળિયામાં ખાટલીનું ઝોળો ખાઈ ગયેલું વાણ સીધું કરાતું હોય તો કોઈનાં આંગણામાં છાણનાં લીંપણ થતા હોય. આમ આખા વરસની નવરાશને ખંખેરીને સંજવારીમાં કાઢી નાખવાની જાણે કે હરીફાઈ યોજાઈ હોય એવું વાતાવરણ શેરીમાં જામી જતું. અમારું ઘર મેડીબંધ હતું. શેરીમાં ડેલી પડતી. ડેલીની કોરેમોરે દીવા મૂકવાના ગોખલા હતા. એ ગોખલા દીવાની મેશથી કાળાધબ્બ પડી ગયેલા દેખાતા. દિવાળી આવે એટલે ઘરની વહુઆરુઓ હાથ એકનો ઘૂમટો તાણીને ગોખલા સાફ કરવામાં લાગી જાય. મને બરાબર યાદ છે કે અમારી ડેલીથી થોડેક આઘે ઝીણીમાની ડેલી પડતી. હજી દિવાળી આડે એક મહિનો હોય તો પણ ઝીણીમા કલબલ કલબલ કરતાં ડેલી બહાર નીકળી પડતાં અને ગોખલા સાફ કરવામાં લાગી જતાં. ઝીણીમા સિત્તેર-પંચોતેરનાં હશે પણ એનું શરીર ભારે વળતું - હવાની એક ઝાપટ વાગતાં ઊડી જાય એવું શરીર હોવા છતાં એને નવરા બેસવું ગમે નહીં. એ કંઈ ને કંઈ કામ કર્યાં જ કરતાં હોય. ઘરમાં કાંઈ કામ ન હોય તો પડોશીને ત્યાં ઠામ વીછળવા જાય કે ગોદડાં સીવવા જાય. અમારી શેરીમાં એ તિતિઘોડાની જેમ ઊડ્યાં જ કરતાં હોય. ઝીણીમાની જીભ હાથ એકની હતી. એ કામ કરતાં કરતાંય બોલબોલ કર્યાં કરતાં હોય. એ અમસ્થા શેરીમાં ઊભાં હોય ને પડખેથી ગાય પસાર થાય તો એ ગાયને પણ કંઈક કહે. શેરીનાં કૂતરાં તો ઝીણીમાને જોતાંવેંત જ ઊભી પૂંછડિયે ભાગે. અમારી શેરીમાં ઝીણીમાનું વિશિષ્ટ સ્થાન હતું. વહુઆરુઓ માટે ઝીણીમાં કોઠો ઠાલવવાનું સ્થળ હતું. શેરીની સાસુઓ ઝીણીમા ઉપર ખાર રાખતી અને કહેતી : 'ઝીણીના પેટમાં તાંદળજો ટકતો નથી.' પણ વહુઆરુઓ ઝીણીમાનું કાયમ ઉપરાણું લેતી. ઝીણીમા બોલવે ચડે, એટલે એને કોઈ ન પૂગે. તમે ઝીણીમાને ખાવા ન આપો તો ચાલે પણ એને બોલવા તો જોઈએ જ. બોલવું એ ઝીણીમાનો ખોરાક હતો. એકવાર એવું થયું કે મારો પતંગ ગોથું ખાઈને ઝીણીમાના ફળિયામાં પડ્યો. હું બીતો બીતો ઝીણીમાની ડેલીએ ગયો. ડેલી અધખૂલી હતી એટલે હળવેકથી સરકીને ફળિયામાં આવ્યો. એ વખતે ઓસરીમાં ઝીણીમા ઠાકોરજીને નવડાવતાં બબડતાં હતાં : આખા મલકનો ગાડું એક મેલ ભઈરો સે આંબલીમાં પલાળું ને તોય ઉજળો નૈ થા! કર હાલે છે ને ત્યાં હુધી ધમારીશ પછે તો તું જાણ્ય ને તારી જમના જાણે! કહી ઝીણીમાએ કૃષ્ણની કાળી મૂર્તિ લૂગડાના ગાભાથી લૂછીને તરભાણામાં મૂકી. હું તો ડઘાઈ ગયો. પતંગ લઈને સીધો ડેલી બહાર નીકળી ગયો. મારી જિંદગીમાં ભગવાન સાથે વાત કરતા ઝીણીમા સિવાય મેં બીજા કોઈને નથી જોયા. ઝીણીમાને દીવાબત્તી કરવાની ભારે હોંશ. દિવાળીના દિવસોમાં કોઈના ઘરમાં અંધારું જોઈ જાય તો ઝીણીમા તરત એ ઘરમાં દોડી જાય અને કહેવા લાગે : 'તમારા ડાચામાં અંધારું ભરીને સું બેઠા સો. હાલો ઊભા થાવ! અહર થઈ ગયું સે.’ સંધ્યાટાણે મેં ઝીણીમાને કાયમ ઓસરીમાં બેસીને ફાનસ સાફ કરતાં કે દીવીની વાટ સરખી કરતાં જોયાં છે. ગોબર ઝીણીમાનો એકનો એક દીકરો હતો. અમે બધા એને ગોબરો કહી બોલાવતા. અમારાથી ઉંમરમાં એ ઘણો મોટો હતો પણ દિવાળી આવવાની હોય ત્યારે અમારી સાથે એ ભળી જતો. શેરીના નાકા ઉપર ખોબા જેવડી કરિયાણાની દુકાન ચલાવતો હતો એટલે અમને ટાબરિયાઓને ગોબરાનું ભારે આકર્ષણ રહેતું. ગોબરો પોતાની દુકાનમાં પિપરમેન્ટની બરણી ભરતો હોય ત્યારે અમે મુગ્ધભાવે, રીતસરની લાળ પાડતા ઊભા હોઈએ. આ ગોબરો દિવાળીના છાપા પાડવામાં એક્કો ગણાતો. દિવાળી આવવાની હોય એ દિવસોમાં એ ચિરોડી ખાંડવા બેસી જાય. ગાયના છાણથી આંગણું લીપવામાં લાગી જાય. બજારમાંથી પોટાશ લાવીને સિગારેટના ખોખાની સોનેરીની ગોળીઓ વાળવા બેસી જાય. પોટાશ ફોડવાની આકી ઠપકારીને રિપેર કરતો પણ દેખાય. ગોબરાની આ બધી પ્રવૃત્તિઓમાં અમે બધા હાથવાટકો બની રહેતા. ગોબરો દેખાવમાં બેઠીદડીનો હતો પણ કામકાજમાં ભારે લોંઠકો. એને પતંગ બનાવતાં આવડે, દિવાળીના છાપા પાડતાં આવડે, પોટાશની ગોળીઓ વાળતાં આવડે, માતાજીની આરતી ગાતાં આવડે, કોઈવાર તો એ સાઇકલનું પંક્ચર પણ કરી આપે. એ ગોઠણ સુધીની ભૂખરી ચડ્ડી પહેરતો એટલે બીજી શેરીના છોકરાઓ એને ‘પોણી ચડ્ડી... પોણી ચડ્ડી.' કહીને ખીજવતા પણ ગોબરાનું રૂંવાડુંયે તપે નહીં. ગોબરાના માથામાં ધૂપેલ તેલ એટલું બધું ભર્યું હોય કે ગાલ ઉપર રેગાડા ચાલતા. ઝીણીમા ઓશીકાના ખોળિયા ધોવા કાઢે ત્યારે ગોબરા ઉપર ગાળ્યુંનો રમણે વરસાવતાં. એકવાર ગોબરો બીડી પીતા પકડાઈ ગયો ત્યારે ઝીણીમાએ કાગારોળ કરી મૂકી હતી. પણ ગોબરો કોઈ દિવસ ઝીણીમા સામું બોલતો નહીં. એ ઝીણીમાનો પડ્યો બોલ ઝીલી લેતો. એક દિવાળીએ એવું બન્યું કે અમે બધા ગોબરાની ઓસરીમાં ચિરોડી ખાંડતા હતા. ગોબરો કાગળમાં છાપા કોતરતો હતો. સંધ્યાટાણું થવા આવ્યું હતું. એટલે ઝીણીમા અંદરના ઓરડામાં ફાનસ સળગાવતાં હતાં. દિવાબત્તીટાણું થાય એટલે ઝીણીમા ગોબરાને તરત બરકી છે. ગોબરો પણ સત્તર કામ પડતાં મૂકીને ગોખલામાં દીવા મે'લવા ધોડ્યો જાય. પણ એ સાંજે ઝીણીમાએ ગોબરાને બરક્યો નહીં. સાંજના ઓળા ફળિયામાં ઊતરતા જતા હતા. ગુગળ અને લોબાનના ધૂપથી મકાનો મહેકતાં હતાં. અમે બધા ચિરોડી ખાંડવામાં અને છાપા કોતરવામાં મગ્ન હતા. એવામાં ઝીણીમાની ભયંકર ચીસ સંભળાઈ. ગોબરો ચિરોડી ચાળવાની ચારણીને ઠેબે ઉડાડતો દોડ્યો. અમે બધાએ ભયભીત આંખે જોયું તો ઝીણીમા સળગતાં સળગતાં, કાળજું ફાટી જાય એવી ચીસો પાડતાં ફળિયામાં દોડી આવ્યાં. અગનઝાળો ઝીણીમાને વીંટળાઈ વળી હતી. આખા ફળિયામાં ઝીણીમાના ભડકાનું લાલ અજવાળું પથરાઈ ગયું હતું. આજુબાજુનાં મકાનોમાંથી અરેરાટી કરતા સૌ દોડી આવ્યા. ઝીણીમાના સળગતા શરીરને કોઈએ ગોદડું વીંટીને ઠાર્યું પણ આગબળતરાથી ઝીણીમાની ચીસો ઘરમાં પડઘાતી રહી. ઝીણીમાનું આખું શરીર બળી ગયું હતું. શેરીના બેચાર છાતીવાળા માણસોએ ઝીણીમાને ખાટલી ઉપર લીધાં. દાક્તર બોલાવી લાવ્યા. અમારી આખી શેરીમાં હોહોકીરો મચી ગયો. દરેક ઘરના રાંધ્યા રઝળી રહ્યાં. એ ભયંકર રાત્રિએ અમારી આખી શેરી સૂઈ શકી નહીં. ગોબરાની હાલત તો એવી હતી કે એને કાપો તોય લોહી ન નીકળે. અમને બરાબર યાદ છે કે રાત્રિનું પ્હો ફાટે એ પહેલાં જ ઝીણીમા ગુજરી ગયાનું પોકરાણ ગોબરાએ મૂક્યું. એ દિવાળીએ ઝીણીમા વિના અમારી શેરી સાવ સૂની થઈ. આજે વરસોનાં વહાણાં વાયાં પછી હું મારી શેરીમાં પગ મૂકું છું ત્યારે અસંખ્ય સ્મરણોથી મારું મન ભરાઈ જાય છે. એ શેરીમાં હું જેમ જેમ આગળ વધતો જાઉં છું તેમ તેમ મારી આંખ સામે દીવા મૂકવાના ગોખલા મોટા ને મોટા થતા જાય છે. ઝીણીમાની ડેલી પાસે આવીને અટકું છું. ડેલીનું લાકડું ખવાઈ ગયું છે. ડેલીના બારણે ખૂબ જ ઝાંખા અક્ષરે લાભ-શુભ વંચાય છે. બારસાખમાંથી વેલો ફૂટી નીકળી છે. ડેલીના ગોખલામાં કરોળિયાએ જાળાં બાંધ્યાં છે, એ ગોખલાઓમાં દીવાની મેશ હજી સુધી ટકી રહી છે. કોઈકે કહ્યું છે તેમ દીવાની મેશવાળા ગોખલા જોતાં એવી ખાતરી થાય છે કે વરસો પહેલાં આ ગોખલામાં અજવાળું રહેતું હતું. ઝીણીમાની ડેલી વટાવીને હું આગળ વધું છું તો આંખ સામે ધુમ્મસ પથરાતું જાય છે. શેરીના નાકે એક ગાય ઊભી ઊભી કાગળ ચાવે છે. ક્યાંક ફટાકડા ફોડાય છે. સાંજના ઓળા અમારી શેરીમાં ઊતરતા જાય છે. કાળીમેંશ ભેંસનું ધણ શેરીમાં દોડી આવ્યું હોય એમ અંધારું ભરાઈ જાય છે ત્યારે વીજળીના ઝીણા ઝીણા બલ્બોથી ડેલીઓ ઝગમગી ઊઠે છે. શેરીના દરેક ઘરમાં ફટાફટ ટ્યૂબલાઈટો થવા લાગે છે. થોડીવારમાં તો આખી શેરી અજવાળાથી ભરાઈ જાય છે, પણ મારી આંખ સામેથી ડેલીના ગોખલા ખસતા નથી. રોશનીના ધોધમાર અજવાળાથી ઝળાંઝળાં મારી શેરીમાં હું ગોખલાના ખોબોક અજવાળાને શોધ્યા કરું છું. પણ એ અજવાળું મને હાથતાળી આપીને ક્યાંક ઊડી ગયું છે. રોશનીની ઊભરાતી અંધારી શેરીમાં મને કાંઈ સૂઝતું નથી. આપણી આંખને મોતિયો આવ્યો હોય તો ઉતરાવીએ પણ આંખને શૈશવ આવ્યું હોય તો ક્યા જાણભેદુ પાસે ઉતરાવીએ?