સ્વાધ્યાયલોક—૧/ભવાઈ વિશે
ભવાઈ ગુજરાતની ગ્રામસંસ્કૃતિની એક વિશિષ્ટ સિદ્ધિ છે. ભવાઈનો આરંભ માતાના મંદિરમાં, ધાર્મિક ઉત્સવમાં, ધર્મમાં. એથી અન્ય નાટકોની જેમ ભવાઈનું પણ આરંભમાં સાંપ્રદાયિક સ્વરૂપ હતું. પણ પછી કાલક્રમે ભવાઈનું મંદિરમાંથી ચોકમાં સ્થળાંતર થયું. એથી અન્ય નાટકોની જેમ ભવાઈનું પણ બિનસાંપ્રદાયિક સ્વરૂપ થયું. એમાં ગ્રામપ્રદેશની પ્રજાનો સમગ્ર ઊર્મિવ્યાપાર, નૈતિક-સામાજિક વ્યવહાર આદિની અભિવ્યક્તિને કારણે એ સ્વરૂપ સમૃદ્ધ પણ થયું.
ભવાઈમાં સંગીત, નૃત્ય, કાવ્ય, ચિત્ર આદિ કળાઓનું સહઅસ્તિત્વ છે, વળી એમાં કટાક્ષ અને કારુણ્ય શૃંગાર અને કરુણ આદિ ભાવરસોનું પણ સહઅસ્તિત્વ છે, એમાં વ્યવસાયી વર્ગો અને વ્યક્તિઓનું પાત્રાલેખન છે એ કારણે પણ એ સ્વરૂપ સમૃદ્ધ થયું છે.
આજે ભવાઈનું જે સ્વરૂપ પ્રચલિત છે તેના પિતા અસાઈત. એમનો સમય ૧૪મી સદી. એમનું સ્થળ સિદ્ધપુર, ઉત્તર ગુજરાત. એમણે ૩૬૦ જેટલા ભવાઈના વેશ રચ્યા હતા એમ મનાય છે. આજે પણ ઉત્તર ગુજરાતની તરગાળા જાતિના નાયકો અને ભોજકો એમનાં પ્રવાસી ભવાઈમંડળો દ્વારા ભવાઈ ભજવે છે અને પોતે અસાઈતના વંશજો-વારસો છે એમ માનવા-મનાવવામાં ગૌરવ અનુભવે છે. શક્ય છે કે સ્વયં અસાઈત પણ એમના પુરોકાલીન ભવાઈ સર્જકોના વંશજ-વારસ હોય. આનર્તમાં એટલે કે રંગભૂમિ. નટનર્તકગાયકની ભૂમિ. ઉત્તર ગુજરાતમાં લોકનાટકની, લોકરંગભૂમિની કોઈ પ્રાચીન પરંપરા હોય અને એ પરંપરાનું સુગ્રથન કરવાનું, વ્યવસ્થાપન કરવાનું વ્યાસકર્મ અસાઇતે કર્યું હોય. અસાઈતે એમના વેશ ૧૫મી સદી પૂર્વે ગુજરાત અને રાજસ્થાન બન્ને પ્રદેશમાં જે એકસમાન ભાષા, નરસિંહ પૂર્વેની ભાષા પ્રચલિત હતી તે ભાષામાં રચ્યા હોય. ભવાઈમાં જે દુહા હોય છે તેમાં પણ રાજસ્થાનમાં જે દુહાની પરંપરા છે એનું અનુસંધાન હોય. આજે પણ ભવાઈ ગુજરાત અને રાજસ્થાન બન્ને પ્રદેશોમાં લોકપ્રિય છે.
૧૫મી-૧૬મી સદીમાં ગુજરાતમાં મુસ્લિમોનું સ્વતંત્ર, મોગલ સામ્રાજ્યથી સ્વતંત્ર એવું શાસન હતું. આ સમયમાં ભવાઈ પર મુસ્લિમોનો પ્રભાવ હશે. ભવાઈના કેટલાક વેશમાં મુસ્લિમોની ભાષા તથા ફકીર, મિયાં-બીબી આદિ પાત્રો પરથી આ પ્રભાવની પ્રતીતિ થાય છે. વળી ભવાઈના કોઈ કોઈ વેશમાં હિન્દુ સ્ત્રીનો મુસ્લિમ પુરુષ પ્રત્યેનો ઉત્કટ પ્રેમ પણ ઉદારપણે આલેખવામાં આવ્યો છે. એમાં ધર્મ અને જાતિ પર માનવહૃદયના વિજયનું, વર્ચસ્નું સૂચન છે. પ્રેમથી વધુ મહાન એવો કોઈ ધર્મ નથી અને હોઈ શકે પણ નહિ એવું દર્શન છે.
આજે જગતભરમાં અને ભારતમાં તથા ગુજરાતમાં પણ સમાજ અને સંસ્કૃતિમાં આમૂલ પરિવર્તન થતું આવે છે. દસેક હજાર વરસની ભવ્યસુન્દર કારકિર્દી પછી કૃષિસમાજ અને સંસ્કૃતિનો અસ્ત અને ઔદ્યોગિક, યંત્રવૈજ્ઞાનિક સમાજ અને સંસ્કૃતિનો આરંભ થઈ રહ્યો છે. નિકટના ભવિષ્યમાં અનિવાર્યપણે સમગ્ર જગત એક global city — વૈશ્વિક નગર બની જશે. ગ્રામપ્રદેશ અને ગ્રામસંસ્કૃતિ ઇતિહાસ બની જશે, ભૂતકાળની વસ્તુ બની જશે. આ સંદર્ભમાં ગ્રામપ્રદેશ અને ગ્રામસંસ્કૃતિની આગવી સરજત જેવી ભવાઈનું શું થશે એ સાર્થ પ્રશ્ન છે. આ ગ્રંથમાં ભવાઈના કેટલાક અદાકારોના આત્મકથનમાં એનો કંઈક અણસાર છે. યંત્રવિજ્ઞાનની જ એક સરજત વિડીઓ કેસેટમાં આ પ્રશ્નનો કંઈક આશ્વાસનસ્વરૂપ ઉત્તર છે.
સારાભાઈ પ્રતિષ્ઠાને અત્યંત યોગ્ય સમયે ભવાઈના એક વેશનું વિડીઓ કેસેટમાં ચિત્રાંકન અને ધ્વનિમુદ્રાંકન કર્યું છે. પાંચેક વરસથી પ્રતિષ્ઠાન ગુજરાતી સાહિત્ય અંગે સક્રિય છે. પ્રતિષ્ઠાને ગુજરાતના અનેક પ્રસિદ્ધ વિદ્યમાન સાહિત્યસર્જકોના સ્વમુખે એમની કૃતિઓના પઠનની કેસેટ્સ તૈયાર કરી છે. વળી પ્રતિષ્ઠાનનાં સલાહકાર શ્રીમતી ગીતા મેયરને વીસેક વરસથી ભવાઈમાં સક્રિય રસ છે. અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇનમાં અવારનવાર એમણે ભવાઈના વેશના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. એથી પ્રતિષ્ઠાને વિડીઓ કેસેટ તૈયાર કરવાના હેતુથી અમદાવાદમાં રાયપુરમાં મગનભાઈની હવેલીમાં બે દિવસ માટે પ્રેક્ષકોની ઉપસ્થિતિમાં ‘જસમા ઓડણ’ ભજવવા માટે એક પ્રસિદ્ધ ભવાઈમંડળને આમંત્રણ આપ્યું હતું. અને આ દિવસોમાં ૧૯૮૦ના ઑક્ટોબરની ૬ઠ્ઠીએ ‘જસમા ઓડણ’ની વિડીઓ કેસેટ તૈયાર કરી હતી.
આ વિડીઓ કેસેટ પરથી ‘જસમા ઓડણ’ના ગીતો-સંવાદો અને કેટલાંક દૃશ્યચિત્રો અહીં ગ્રંથસ્થ કરવામાં આવ્યાં છે. સાથે ભવાઈના પ્રસિદ્ધ અદાકાર ચીમનભાઈ નાયક અને એમના ભવાઈમંડળના અન્ય અદાકારોનાં આત્મકથન પણ અહીં પ્રગટ કરવામાં આવ્યાં છે. ભવાઈનાં ગીતો-સંવાદો જ્યારે ગ્રંથસ્થ થાય ત્યારે એનાં અસલ ઉચ્ચારણોના સંદર્ભમાં એ ગીતો-સંવાદો વૈજ્ઞાનિક પદ્ધતિથી ગ્રંથસ્થ થાય એ માટે તે વિષયના પ્રસિદ્ધ નિષ્ણાત શ્રી શાન્તિભાઈ આચાર્યની અમૂલ્ય સહાય હતી એ અહીં સાભાર નોંધવું જોઈએ. ‘જસમા ઓડણ’ની વિડીઓ, કેસેટ તૈયર કરવા માટે અને એ વિડીઓ કેસેટ પરથી ‘જસમા-ઓડણ’નાં ગીતો-સંવાદો અને કેટલાંક દૃશ્યચિત્રો ગ્રંથસ્થ કરવા માટે સારાભાઈ પ્રતિષ્ઠાનને અભિનંદન!
(સારાભાઈ પ્રતિષ્ઠાન, અમદાવાદના ઉપક્રમે ભવાઈ-વેશ ‘જસમા ઓડણ’ના ગ્રંથમાં પ્રાસ્તાવિક નોંધ. ૧૯૮૫)