સ્વાધ્યાયલોક—૧/સંગીત વિશે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સંગીત વિશે

સંગીત અવાજની કળા છે, એ અવાજ મનુષ્યના કંઠનો હોય કે કોઈ વાદ્યનો પણ હોય. સંગીત અવાજની કળા હોવાને કારણે એ પ્રાચીનતમ કળા છે. સાહિત્ય, ચિત્ર, શિલ્પ, સ્થાપત્ય, નુત્ય આદિ અનેક કળાઓ છે પણ એ સૌ કળાઓનું માધ્યમ શબ્દ, ભાષા, રંગ, રેખા, કાગળ, કાપડ, શિલા, ધાતુ, કાષ્ઠ, માનવદેહ વગેરે છે અને એમની સામગ્રી પદાર્થો છે — પ્રકૃતિદત્ત પદાર્થો અથવા માનવસર્જિત પદાર્થો. એમ તો સાહિત્ય પણ અવાજની કળા છે પણ એમાં સામગ્રી તરીકે ક્રિયાઓ અથવા કલ્પનો-પ્રતીકો હોય છે એટલે કે પદાર્થો હોય છે. વળી સાહિત્યમાં જે અવાજ હોય છે એને ‘અર્થ’ પણ હોય છે. એથી સાહિત્યમાં જે અવાજ હોય છે એને વર્ણ કહેવાય છે અને સંગીતમાં જે અવાજ હોય છે એને સ્વર કહેવાય છે. આમ સાહિત્ય વર્ણની કળા છે, સંગીત સ્વરની કળા છે. મનુષ્ય જ્યારથી મનુષ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યો ત્યારથી, આરંભથી જ, આદિક્ષણથી જ એના કંઠમાં અવાજ તો હતો જ. પદાર્થો વગેરેનું સર્જન તો એણે પછીથી કર્યું, સેંકડો-હજારો વર્ષો પછી કર્યું. ભાષા તથા લિપિનું સર્જન તો એની યે પછી, બીજા સેંકડો-હજારો વર્ષો પછી કર્યું. આથી સંગીત એ પ્રાચીનતમ કળા છે. સંગીતમાં પણ કંઠ સંગીત એ વાદ્ય સંગીતની પુરોગામી કળા છે કારણ કે મનુષ્યો વાદ્યોનું સર્જન પણ અન્ય પદાર્થોની જેમ એ મનુષ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યો પછી, સેંકડો હજારો વર્ષ પછી કર્યું. સૌ કળાઓમાં સંગીતની કળાની કેટલીક વિશેષતાઓ છે એ સંદર્ભમાં સંગીત અનન્ય અને અદ્વિતીય કળા છે. એરિસ્ટોટલે અેમના કાવ્યશાસ્ત્ર પરના પ્રસિદ્ધ ગ્રંથ ‘Poetics’માં અનુકરણનો સિદ્ધાંત રજૂ કર્યો છે એ અનુસાર કંઠ્ય અને વાદ્ય સંગીતની રચનામાં જે અવાજ હોય છે એમાં બાહ્ય જગતના અવાજનું અનુકરણ હોય છે એટલે કે સંગીતની કળામાં જે અવાજ હોય છે એ અવાજમાં અવાજનું જ અનુકરણ હોય છે, અવાજમાં પોતાનું જ અનુકરણ હોય છે. અન્ય કળાઓમાં હમણાં જ જોયું તેમ ક્રિયા અથવા પદાર્થનું અનુકરણ હોય છે. આ સંદર્ભમાં સંગીત, અને એકમાત્ર સંગીત જ શુદ્ધ કળા છે. પ્રાચીનકાળથી સંગીતની કળાનો, એની મહાનતાનો મહિમા થતો રહ્યો છે. ‘the music of the spheres’, ‘નાદબ્રહ્મ’, ‘અનાહત નાદ’, ‘ઓમકાર ધ્વનિ’ આદિ શબ્દપ્રયોગોમાં એની વૈશ્વિકતા, રહસ્યમયતા, અગાધતા આદિનું સૂચન છે. સંગીતની કળા મનુષ્યની ચેતનામાં અસ્પષ્ટ એવાં આંદોલનો સર્જે છે. સાહિત્ય આદિ અન્ય કળાઓમાં જે ‘અર્થ’ હોય છે એવો અર્થ સંગીતની કળામાં નથી. સંગીત મનુષ્યના ચિત્તમાં અસ્ફુટ સ્પંદનો, સંવેદનો, સંચલનો, સ્ફુરણો, રોમાંચો સર્જે છે. અન્ય કળાઓમાં જે ‘અર્થ’ બલકે ધ્વનિ હોય છે તેનું કોઈ એક ચોક્કસ, નિશ્ચિત, તર્કબદ્ધ ‘અર્થ’માં પતન થાય, એમાં તડ ને ફડ, ચોખ્ખુંચટ, મગનું નામ મરી પાડી શકાય એવું કંઈક પ્રગટ થાય ત્યારે એ કળાઓમાં વિકૃતિ અને વિડંબના પ્રગટ થાય છે. એ કળાઓ અકળાત્મક અને પ્રચારાત્મક બની જાય છે. સંદિગ્ધતા એ કળાનો આત્મા છે. સંગીતની કળામાં આ સંદિગ્ધતા હોય છે. એથી તો પેટરે કહ્યું છે — All art constantly aspires towards the condition of music (સૌ કળાઓ સંગીતની સ્થિતિ પ્રાપ્ત કરવાને સતત પ્રયત્નશીલ હોય છે). સંગીત મનુષ્યને જેનું નામ ન પાડી શકાય એવો જે અનુભવ કરાવે છે તેવો અનુભવ કરાવવાનું સૌ કળાઓનું લક્ષ્ય હોય છે. સંગીતનો પ્રબળ પ્રભાવ હોય છે, એમા અમોઘ શક્તિ છે, પ્રચંડ બળ છે. જગતના એકેએક ધર્મમાં સંગીતનું અનિવાર્ય એવું અગત્યનું સ્થાન છે. ધર્મસ્થાનોનું સ્થાપત્ય — સવિશેષ તો એના ઘુમ્મટો — સંગીતને આધારે રચાય છે. મનુષ્યના આત્મામાં સંગીતનો પ્રત્યક્ષ તત્કાલ પ્રવેશ, તર્કબુદ્ધિ આદિના અંતરાય વિનાનો સીધોસોંસરો પ્રવેશ થાય છે. સૌ ધર્મોમાં પ્રત્યેક વિધિ સંગીતની ઉપસ્થિતિમાં જ થાય છે. સંગીત વિના ભજનો, સ્તુતિઓ, સ્તવનો, પ્રાર્થનાઓનું અસ્તિત્વ શક્ય નથી. સંગીત નહિ તો ભક્તિ નહિ. સંગીત ક્યારેક કોઈ કોઈ સ્ત્રીશ્રોતામાં જાતીય પરાકાષ્ઠાનો અનુભવ કરાવે છે, તો ક્યારેક ગોપીઓ સમી વ્યક્તિઓમાં તલ્લીનતા, તદ્રૂપતા, એકાગ્રતા અને એકાત્મતાનો અનુભવ કરાવે છે. આધુનિક સંગીત — જાઝ, પોપ આદિ સંગીત એકસાથે અસંખ્ય મનુષ્યોનું સંમોહન, વશીકરણ કરે છે, એમને ઉદ્વેગનો, ઉન્માદનો અનુભવ કરાવે છે. પ્લેટોનું એક વિધાન છે — સંગીતની આ નવી તરજ નગરની દીવાલોને જમીનદોસ્ત કરવાની તાકાત ધરાવે છે. એ તરજ મનુષ્યોમાં, સૈનિકોમાં એવું શૌર્ય પ્રેરી શકે છે કે અંતે શત્રુઓના નગરનો નાશ થાય. જગતના એકેએક સૈન્યમાં સંગીતનું અનિવાર્ય એવું અગત્યનું સ્થાન છે. શ્રમજીવીઓ શ્રમકાર્ય કરે છે ત્યારે ગાય છે એથી શ્રમનો ભાર હળવો થાય છે અને કાર્યમાં વેગ પ્રગટ થાય છે. સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે કોઈ કોઈ રોગમાં સંગીતનો ઉપચાર થાય છે. જગતની એકેએક ભાષામાં ગદ્યમાં અને પદ્યમાં સંગીતની પ્રશસ્તિ કરવામાં આવી છે. શેક્‌સ્પિયરના ‘King Henry VIII’ નાટકમાં ‘Orpheus’ નામનું ગીત એનું એક ભવ્ય સુંદર ઉદાહરણ છે :

Orpheus with his lute made trees
And the mountain tops that freeze
         Bow themselves when he did sing :

To his music plants and flowers
Ever sprung; as sun and showers
         There had made a lasting spring.

Everything that heard him play,
Even the billows of the sea,
         Hung their heads and then lay by.

In sweet music is such art,
Killing care and grief of heart
         Fall asleep, or hearing, die.

૧૯૯૩

*