‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અનુવાદકનું નામ : નરોત્તમ પલાણ

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૧૦
નરોત્તમ પલાણ

‘અનુવાદકનું નામ?’

અનુવાદ કરનારનું નામ પ્રથમ પાને ન મૂકવાની પ્રથા અંગે અરુણાબહેને ‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન ૨૦૧૧માં જે ચર્ચા કરી તેનું આઘાતજનક ઉદાહરણ ‘કવિલોક’ જેવા કવિલોક ટ્રસ્ટે પૂરું પાડ્યું છે! ૨૦૦૮માં ટ્રસ્ટ તરફથી ગીતાના ૧૦૮ શ્લોકોનો પદ્યાનુવાદ પ્રગટ થયેલો છે. આ પદ્યાનુવાદમાં અંદરના મુખપૃષ્ઠ ઉપર ‘સંકલન : કે. કા. શાસ્ત્રી’ મુકાયું છે પણ પદ્યાનુવાદ કરનારનું નામ નથી! અહીં એક સાથે બે આઘાત લાગે છે : ૧૦૮ શ્લોકોનું જે સંકલન છે તે મૌલિક નથી, આ જ સંકલનકારે ૧૦૧ શ્લોકોનું તારણ મરાઠીને અનુસરીને કરેલું છે! અને બીજું : પદ્યાનુવાદ કરનાર કવિશ્રી રાજેન્દ્ર શાહ છે! અહીં સંકલનકાર કરતાં અનુવાદક સ્હેજ પણ નાનો નથી! જોકે નાનો કે મોટો અનુવાદક, એમાંય પદ્યાનુવાદક વધારે માનાર્હ છે. પ્રશ્ન થાય છે કે ટ્રસ્ટ પાસે કયા માપદંડ હશે?

પોરબંદર
ઑક્ટો. ૨૦૧૧

– નરોત્તમ પલાણ

[ઑક્ટોબર-ડિસેમ્બર, ૨૦૧૧, પૃ. ૪૧]