‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અનુવાદ-અશુદ્ધિનો નિકાલ જરૂરી : માવજી સાવલા

From Ekatra Foundation
Jump to navigation Jump to search
૨૧ ક
માવજી સાવલા

[સંદર્ભ : એપ્રિલ-જૂન, ૨૦૧૧, ‘રાઈટિંગ લાઈફ : થ્રી ગુજરાતી થિંકર્સ’ની સમીક્ષા, હિંમતલાલ વજેશંકર શાસ્ત્રી [હેમન્ત દવે]]

અનુવાદ-અશુદ્ધિનો નિકાલ જરૂરી

શ્રી રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ એપ્રિલ-જૂન ૨૦૧૧ અંકમાં શ્રી હિમ્મતરામ વજેશંકર શાસ્ત્રીએ શ્રી ત્રિદીપ સુહૃદના અંગ્રેજી પુસ્તક ‘રાઈટિંગ લાઈફ...’ની કરેલ સ-આધાર સમીક્ષા કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઊભા કરે છે. નવી દિલ્હીના અંગ્રેજી પ્રકાશકે શું પુસ્તક વાંચ્યા-ચકાસ્યા વગર કે કોઈ તજ્‌જ્ઞનો અભિપ્રાય લીધા વગર જ એ પુસ્તક પ્રગટ કર્યું? સામાન્ય રીતે અંગ્રેજી સાહિત્યકારો અને પ્રકાશકોનો હું પ્રશંસક રહ્યો છું. મોટાં પ્રકાશનગૃહો પાસે તો વિષયવાર તંત્રીઓ પણ હોય છે. ભાષાકીય સુધારાઓ પણ લેખકને સામે બેસાડીને ભાષાશૈલી વિશેષજ્ઞ સૂચવે. આ તો ગુજરાતી સાહિત્યકારો (ગુજરાતી ચિંતકો?) વિશે અંગ્રેજીમાં જ લખાયેલું પુસ્તક છે; પણ છેલ્લાં કેટલાંક વરસોમાં ઉત્તમ ગુજરાતી સાહિત્યકૃતિઓના અંગ્રેજી અનુવાદો કરાવીને પશ્ચિમની દુનિયા સુધી પહોંચાડવા કેટલુંક કામ વ્યક્તિગત/સંસ્થાગત ધોરણે થયું છે. એ અનુવાદો પણ સમીક્ષાત્મક અને તુલનાત્મક રીતે તપાસાયા છે કે કેમ? વળી એ અનુવાદો આંગ્લભાષી સાહિત્યપ્રેમીઓ, વિદ્વાનો અને સમીક્ષકો સુધી પહોંચાડી શકાયા છે કે કેમ? મારું એક તારણ એવું પણ છે કે અનુવાદની બાબતમાં સ્રોત ભાષા કરતાં પણ લક્ષ્યભાષાની સજ્જતા અને એ ભાષા સાથે સંલગ્ન એક આખેઆખી સંસ્કૃતિની ઊંડી સમજણ અનુવાદક પાસે હોવી જોઈએ. અંગ્રેજી અનુવાદ માટે એવા અનુવાદકો આપણે શોધી-મેળવી શક્યા છીએ ખરા? બે-ત્રણ દાયકા પૂર્વે અંગ્રેજી માસિક SPANમાંનો આવા સંદર્ભે એક લેખ વાંચીને મને થયું હતું કે ગુજરાતી સાહિત્ય પરિષદ અથવા ગુજરાત સાહિત્ય અકાદમી જેવી સંસ્થા પાસે સેલ્ફ કન્ટેઈન્ડ, સગવડતાસભર (comfortable) પાંચ રૂમવાળું એક Translatar’s Resort જેવું હોવું જોઈએ; જ્યાં લક્ષ્યભાષાના જુદા જુદા અનુવાદકો પોતાના અનુવાદની કાચી હસ્તપ્રત લઈને ૨ મહિના એનું પુનર્લેખન કરવા માટે રહે. ત્યાં રેફરન્સ લાઇબ્રેરીમાં અંગ્રેજી-હિન્દી-મરાઠી-ગુજરાતી-સંસ્કૃત વગેરે ભાષાઓના શબ્દકોશો – થિસોરસ સર્વજ્ઞાન સંગ્રહો અને વિશેષમાં નિષ્ણાતની ઈન્ટરનેટ સેવાઓ અનુવાદકોને મળે. એક સમયે માત્ર એક જ લક્ષ્યભાષા માટે એક અનુવાદકને આ બધી સેવાઓ મળે જેથી દરેક સમયે અનુવાદકને અન્ય ૩-૪ ભાષાઓ માટેના અનુવાદકોનું પણ સાન્નિધ્ય મળે. બે મહિના માટે અનુવાદકને ભોજન-નિવાસ વ. બધી જ સેવાઓ નિઃશુલ્ક મળવી જોઈએ. શું આ શક્ય છે? સમૃદ્ધિથી બેય કાંઠે છલકાતા ગુજરાતીઓમાં કોઈ એક જ ઉદ્યોગપતિ એ બધું સ્પૉન્સર ન કરી શકે? વ્યક્તિગત ધોરણે પોતાની કૃતિઓના થયેલા કે કરાવેલા થોડાક જ અંગ્રેજી અનુવાદો મારી નજર તળેથી નીકળ્યા છે. મારા જેવો અસંતોષી જીવડો આ અંગે અભિપ્રાય પણ શું આપે? રીસોર્ટ જેવું કંઈક થાય એ દરમિયાન શું આપણે અંગ્રેજી પૂરતી, સુંદર અને સુચારુ રીતે – ભાષાકીય દૃષ્ટિએ હસ્તપ્રત સુધારી-મઠારી આપે એવી સેવાઓ વ્યાવસાયિક ધોરણે ઉપલબ્ધ કરાવી શકીએ? અત્યારે મારી સામે નેશનલ બુક ટ્રસ્ટ પ્રકાશિત એક અંગ્રેજી પુસ્તક Konkani Folk Tales (૨૦૦૭) છે. એમાં, Retold by Olivinho J. F. Gomes એવો લેખક-ઉલ્લેખ છે. એમાં પણ ભાષા-શૈલી બાબતે મને ભારે અસંતોષ થયો છે. મારા એક મિત્ર અંગ્રેજીના નિવૃત્ત પ્રોફેસરે પણ એનાં ૫-૧૦ પાનાં વાંચીને મને પરત કરતાં કંઈક આવી જ નાપસંદગી દર્શાવી હતી. બોલો, શું કરી શકાય?

ગાંધીધામ (કચ્છ)
૫-૮-૨૦૧૧ – માવજી સાવલા
[જુલાઈ-સપ્ટેમ્બર, ૨૦૧૧, પૃ. ૫૩-૫૪]