‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/થોડુંક પદ્મશ્રી નિમિત્તે : વી.બી. ગણાત્રા

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વી. બી. ગણાત્રા

[થોડુંક ‘પદ્મશ્રી’ નિમિત્તે]

સ્નેહીશ્રી રમણભાઈ, ‘પ્રત્યક્ષ’ આટલા વર્ષે પણ પ્રત્યક્ષ છે એનું અમને ગૌરવ છે. સળંગ અંક ૫૭ (જાન્યુ.-માર્ચ, ૦૬)માં ‘પ્રત્યક્ષીય’ અને ‘પત્રચર્ચા’માં આપે ફાળવેલ પૃષ્ઠો બદલ ધન્યવાદ. સામે પાર સરખાવો. ‘પરબ’ના એપ્રિલ ૨૦૦૬ના અંકમાં ‘પરિષદ પ્રમુખનો પત્ર.’ સ્વની પીઠ થાબડવાના પૈસા લાગતા નથી. હવે થોડુંક ‘પદ્મશ્રી’ નિમિત્તે ૧. રાષ્ટ્રીય ‘સન્માનો’ ભારતરત્ન, પદ્મવિભૂષણ, પદ્મભૂષણ, પદ્મશ્રી) ટાઇટલો નથી, પારિતોષિકો પણ નથી. ૨. રાષ્ટ્રીય સન્માનો સન્માનિત વ્યક્તિ પોતાના નામ પૂર્વે યા પશ્ચાત, જોડી શકે નહિ, જોડે તો સન્માન કાનૂની કાર્યવાહી અનુસાર રદ થઈ શકે છે. (– ભારતનું બંધારણ : આર્ટિકલ ૧૮ : સુપ્રિમકોર્ટ દ્વારા અર્થઘટન બાલાજી રાઘવન વિ. યુનિયન ઑફ ઇન્ડિયા : ઓલ ઇન્ડિયા રિપોર્ટર ૧૯૯૬ સુપ્રિમ કોર્ટે ૭૭૦ (પેરેગ્રાફ્સ ૩૨, ૩૫) ૩. રાષ્ટ્રીય સન્માનો ‘SIR’ સમાન TITLE નથી. ૪. તમે લખો છો કે,: પારિતોષિકો જ્યાં ઐતિહાસિક વિગતરૂપે શોભી રહ્યાં છે... કવિ પદ્મશ્રી સિતાંશુભાઈને અભિનંદન’ – પારિતોષિક સંજ્ઞા અનુચિત છે, ‘કવિપદ્મશ્રી’ સંજ્ઞા અનુચિત છે. ૫. કવિશ્રી સિતાંશુભાઈને રાષ્ટ્રીય સન્માન ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવેલ છે એવું વિવરણ સમુચિત છે. ૬. કાનૂનનું અજ્ઞાન બચાવ નથી પરંતુ ‘પ્રત્યક્ષ’ને કાનૂનનું જ્ઞાન ’પ્રત્યક્ષ’ હોવાનું અપેક્ષિત નથી, આર્ટિકલ ૧૮ના અર્થઘટનનું જ્ઞાન અપેક્ષિત નથી; ‘સન્માનિત વ્યક્તિને અપેક્ષિત છે. ૭. “ ‘પ્રત્યક્ષ’ના આગામી અંકમાં એમના વિશે...”માં [આવી સંજ્ઞા વિશે] સાવધ રહેશોજી. ૮. ‘પ્રત્યક્ષ’માં વિવરણ માટે આદરણીય કવિશ્રી સિતાંશુભાઈ લેશમાત્ર જવાબદાર નથી. ૯. રાષ્ટ્રીય સન્માન ‘લેટર-હેડ’ યા ‘વિઝિટિંગ કાર્ડમાં’ જોડી શકાય નહિ ૧૦. રાષ્ટ્રીય સન્માનો ઇલકાબો નથી.

વડાલા, મુંબઈ
૨૦ એપ્રિલ, ૨૦૦૬

– વી. બી. ગણાત્રા

* ‘કવિપદ્મશ્રી’ સંજ્ઞા તરીકે નહીં, અભિવ્યક્તિવિશેષ તરીકે યોજાયેલ છે. – સંપા.

[એપ્રિલ-જૂન, ૨૦૦૬, પૃ.૩૬-૩૭]