‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/અવલોકન માટે બે નકલો? : વિનોદ મેઘાણી

From Ekatra Foundation
Jump to navigation Jump to search

વિનોદ મેઘાણી

‘અવલોકન માટે બે નકલો!’

‘માણસાઈના દીવા’ના અંગ્રેજી અનુવાદની સંવર્ધિત નવી આવૃત્તિ અવલોકન અંગે મોકલતો હતો ત્યાં મહેન્દ્રભાઈ (મેઘાણી)એ એક અવલોકનકારને નકલ મોકલવા મને સૂચવ્યું. મેં નકલ મોકલી. જવાબ આવ્યો કે પોતે જે ગુજરાતી વર્તમાનપત્રમાં સામાન્ય રીતે લખે છે તે વર્તમાનપત્ર બે નકલો મળે તો જ અવલોકન છાપે છે એટલા માટે મારે એક નકલ એ વર્તમાનપત્રના તંત્રીશ્રીને મોકલવી. તંત્રીશ્રી એને બીજી નકલ ગણવા તૈયાર છે! એ ક્ષેત્રમાં કામ કરતા એક પત્રકાર પાસેથી જાણવા મળ્યું કે અવલોકન માટેનું પુસ્તક અવલોકનકાર રાખી લ્યે છે એટલા માટે વર્તમાનપત્રો બે નકલો માગે છે (બીજી નકલ ક્યાં જાય છે તે મેં એમને પૂછ્યું નહીં અને એમણે કહ્યું પણ નહીં) વિરોધાભાસમાં, નેધરલૅન્ડ્‌ઝથી પ્રકાશિત ડેવલપમેન્ટ ઍન્ડ ચેઈન્જ નામના સામયિકના પુસ્તક અવલોકન વિભાગના સંપાદકીય મદદનીશ શ્રીમતી જ્યુડિથ ટ્રિનોરના ઈ-મેઈલમાંથી સંક્ષિપ્ત અનુવાદ ટાંકુ છું : તમે અવલોકનાર્થે મોકલેલા Earthen Lamps વિશે તમને સાભાર જણાવવાનું કે પુસ્તક મળશે પછી અમે અવલોકન માટે એને ગણતરીમાં લેશું ને અમારા નિર્ણય વિશે તમને થોડા માસમાં જણાવીશું. બે નકલોની માગણી વાહિયાત છે. લેખકો / પ્રકાશકોએ સામયિકો અને વર્તમાનપત્રોને પડાવેલી ખરાબ આદત છે. સારાં પુસ્તકોનાં અવલોકનો લોકો સુધી પહોંચાડવા માટે વર્તમાનપત્રો અને સામયિકોએ જરૂર પડ્યે નકલ ખરીદી લેવાની હોય. આપણું એક અંગ્રેજી અખબાર એવું કરે છે તેની મને અંગત માહિતી છે. લેખકો, અનુવાદકો અને પ્રકાશકો અવલોકન માટે બબે નકલો મોકલવાનું સત્વરે બંધ કરે એવી મારી વિનંતી છે.

ફેબ્રુઆરી, ૨૦૦૫ અબ્રામા, વલસાડ

– વિનોદ મેઘાણી


* અમારો તો એવો અનુભવ છે કે, પુસ્તકોનાં પરિચય-સમીક્ષાનું જ સામયિક હોવા છતાં નથી બધા પ્રકાશકો પુસ્તકો મોકલતા કે (એકાદ અપવાદને બાદ કરતાં) નથી કોઈ પ્રકાશક એનાં બધાં (કે બધાં મહત્ત્વનાં) પુસ્તકોની એક-એક નકલ પણ મોકલતા. (જો કે બધાં જ પુસ્તકોની અમારી કશી જ અપેક્ષા પણ નથી હોતી.) એટલે સામયિકોને / સાહિત્યસંસ્થાઓને નવા પ્રકાશિત થતા પુસ્તકની એક એક નકલ પણ જોવા મળતી નથી. પ્રતિવર્ષ નિયમિત પુસ્તક-પરિચય-અવલોકન આપતી, વર્ષો જૂની સાહિત્યસંસ્થા ‘ગુજરાત સાહિત્ય સભા’ને પણ ખૂબ ઓછાં પુસ્તકો મળે છે. અને પરિષદ પણ દ્વિવાર્ષિક સમીક્ષા કરાવતી હોવા છતાં, એને પણ પુસ્તકો પહોંચતાં નથી. (આ વિશે મેં ઑક્ટો.ડિસે. ૧૯૯૪ના ‘પ્રત્યક્ષીય’માં વિગતે લખેલું.) અલબત્ત, વિનોદભાઈના આ પત્રમાં એક વાત મહત્ત્વની છે જ કે બે નકલનો દુરાગ્રહ ન હોવો જોઈએ. પણ એમની એ વાત નકારાત્મક ઉદ્‌ઘોષ રૂપે – ‘બબે નકલ મોકલવાનું સત્વરે બંધ કરે’. એ રીતે – ન આવી હોત ને ‘એક જ નકલ મોકલવાનું રાખે’ એમ વિધાયકરૂપે આવી હોત તો સારું. વળી, ‘સારાં પુસ્તકોનાં અવલોકનો લોકો સુધી પહોંચાડવા માટે સામયિકો ને વર્તમાનપત્રોએ જરૂર પડ્યે નકલ ખરીદી લેવાની હોય’ એમાં તો, ઊલટા ધોરણને આગળ કરનારો અભિનિવેશ છે. સામયિકોએ અવલોકનો લોકો સુધી પહોંચાડવાનાં હોય જ, પણ એ માટે પ્રકાશકોએ પુસ્તક સામયિકો સુધી (અવલોકન માટે) પહોંચાડવાનાં હોય એ વિદ્યા અને (પુસ્તક)વ્યવસાયને જોડતી યોગ્ય કડી ગણાય. પ્રકાશક પુસ્તકરૂપ વસ્તુ (કોમોડિટી)નો નિર્માતા છે. એ પ્રચાર હેતુથી તેમજ પ્રસારના સારા આશયથી યોગ્ય માધ્યમોને પુસ્તકો મોકલે એ સ્વીકૃત શિરસ્તો ગણાય. આપણે ત્યાં તો સામયિકો વ્યક્તિઓ દ્વારા ચાલે છે. મુશ્કેલીથી ચાલે છે, જે સંસ્થાઓ દ્વારા ચાલે છે એ પણ આર્થિક માંદગી અનુભવે છે – એ પુસ્તકો ખરીદીને અવલોકન કરાવે એવું prescription આપવાનું હોય? (ને માતબર આવક ધરાવતા કોઈ અંગ્રેજી વર્તમાનપત્રનો દાખલો આ માટે આપવોનો હોય?)

– સંપાદક
[જાન્યુઆરી-માર્ચ, ૨૦૦૫, પૃ. ૪૭-૪૮]