અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અશરફ ડબાવાલા/જાદુ કરે

Revision as of 06:57, 20 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|જાદુ કરે|અશરફ ડબાવાલા}} <poem> મન મહીં ઊઠતાં વમળ જે અંગ પર જાદુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જાદુ કરે

અશરફ ડબાવાલા

મન મહીં ઊઠતાં વમળ જે અંગ પર જાદુ કરે,
અંગ ભીતરને ચડેલા રંગ પર જાદુ કરે.

તું કૃપા મારા ઉપર કરજે તો કરજે એટલી,
દૃશ્ય એવું આપજે કે અંધ પર જાદુ કરે.

આ સફરમાં ચાલનારાં હાર માને એ પછી,
પગ વગરના ઓલિયાઓ પંથ પર જાદુ કરે.

ફૂલ છેલ્લા દમ ભરે છે ધૂળની સાથે અને,
એક નાનકડી લહેરખી ગંધ પર જાદુ કરે.

લાવ ચોસઠ જોગણી સમ લાગણીઓ ટેરવે,
જો કરે કામણ શબદને, છંદ પર જાદુ કરે.