‘મિથ્યાભિમાન’(1870) કવિ દલપતરામનું, વાચન અને ભજવણી બંનેમાં આનંદદાયક બને એવું દીર્ઘ નાટક છે. ખોટું અભિમાન કરનાર દંભી માણસના દૃષ્ટાંત તરીકે, એક ઈનામી સ્પર્ધા માટે લખાયેલું આ નાટક લોકનાટ્ય ભવાઈની તેમજ સંસ્કૃત નાટકની ઘણી ખાસિયતો ધરાવતું દલપતરામનું રસપ્રદ અને સફળ સાહિત્યકાર્ય છે.
જીવરામ ભટ્ટ રતાંધળા છતાં દેખતા હોવાનો દંભ કરતા, સાસરીમાં આવતાં અંધારે ઠેબાં ખાતા, સૌની મશ્કરીનો ભોગ બનતા, નાની વયની કન્યાના આધેડ પતિ તરીકે વગોવાતા ને છેવટે હાસ્યમિશ્રિત કરુણનો ભોગ બનતા, આ નાટકના નાયક છે. ગુજરાતી સાહિત્યનાં ઠઠ્ઠા-ચરિત્રોમાં એ પહેલા છે ને એ રીતે, રમણભાઈ નીલકંઠે લખેલી ‘ભદ્રંભદ્ર’ નવલકથાના એવા જ હાસ્યપાત્ર ભદ્રંભદ્રના સમર્થ(!) પૂર્વજ છે. તે સમયને અનુરૂપ સુધારાનો પ્રગટ બોધ પણ આપતું હોવા છતાં રંગલો વગેરે વિવિધ લાક્ષણિકતાવાળાં પાત્રોને રજૂ કરતું અને ખૂબ વિનોદી સંવાદોથી પ્રસન્ન કરતું આ નાટક સુવાચ્ય અને ભજવણીયોગ્ય છે. ગુજરાતી રંગભૂમિ પર એના સમયેસમયે ઘણા સફળ પ્રયોગો થયેલા છે, ને વર્ષોથી યુનિવસિર્ટીઓના અભ્યાસક્રમોમાં એ સ્થાન પામતું રહ્યું છે, એથી આ નાટક સતત આસ્વાદ-ચર્ચાથી ધ્યાનપાત્ર બનેલું છે.
એવા રસમય નાટકમાં હવે પ્રવેશીએ —
— રમણ સોની