મિથ્યાભિમાન/સર્જક-પરિચય

From Ekatra Foundation
Jump to navigation Jump to search
સર્જક-પરિચય

દલપતરામ (ત્રવાડી દલપતરામ ડાહ્યાભાઈ, જન્મ 21, જાન્યુ. 1820 — અવ. 25, માર્ચ 1898)ની અટક ‘કવિ’ થઈ એ, વિદ્યાપ્રેમી અંગ્રેજ અમલદાર એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સે એમને ‘કવેશર’(કવીશ્વર) કહ્યા એ કારણે. કવિતા પર, પદ્યની ઘણી ખાસિયતો પર એમની હથોટી હતી — એમણે જ કહ્યું છે એમ, ‘રચ્યા છે રૂડા છંદ દલપત્તરામે’. ‘વેનચરિત્ર’ નામનું લાંબું કથાકાવ્ય એમણે પ્રવચનરૂપે રજૂ કરેલું. ‘એક શરણાઈવાળો..’, ‘ઊંટ કહે આ સભામાં..’, જેવાં જાણીતાં થયેલાં એમનાં પ્રસંગકાવ્યોએ કાવ્યશિક્ષણનું તેમજ બાળશિક્ષણનું કામ પણ કરેલું. આખાય લોકવ્યવહારને બલકે બહોળા સમાજને વિષય કરતી છંદોબદ્ધ અને પદ-ગરબીસ્વરૂપની અનેક કાવ્યરચનાઓ એમણે કરી છે. દલપતરામે ‘ભૂતનિબંધ’, ‘દૈવજ્ઞદર્પણ’, વગેરે જેવા સમાજ-સુધારાલક્ષી ગદ્યગ્રંથો પણ લખેલા છે. એમનું ‘લક્ષ્મી નાટક’ એ, એમણે કોઈ પાસેથી સાંભળેલા અંગ્રેજી નાટકનું મુક્ત રૂપાંતર છે, ‘મિથ્યાભિમાન’ સમાજસુધારાને લક્ષ્ય કરતું, વિનોદ-કટાક્ષની શક્તિઓવાળું એમનું — અને ગુજરાતી નાટ્યસાહિત્યનું પણ એક ઉત્તમ નાટક છે. છેક આજસુધી એ ભજવાતું અને શીખવાતું આવ્યું છે. દલપતરામે ‘બુદ્ધિપ્રકાશ’ સામયિક દ્વારા પણ સમાજની, વિદ્યાજગતની અને સાહિત્યજગતની ઘણી મોટી સેવા કરેલી છે. એમના સમયના એ એક અગ્રણી સંસ્કારપુરુષ હતા એથી એમના સમગ્ર કાર્યને ‘સાહિત્ય દ્વારા કરેલી સંસ્કૃતિસેવા’ તરીકે પણ ઓળખાવી શકાય.

— રમણ સોની