ગુજરાતી બાળવાર્તા સંપદા/નીતિની રક્ષાબંધન

Revision as of 15:51, 10 November 2025 by Meghdhanu (talk | contribs) (+૧)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મસ્તીખોર સસલો

શ્રદ્ધા ત્રિવેદી

નાનકડા શહેરમાં રહેતી નીતિને બાગ બહુ ગમે. હજી તો એ ચોથા ધોરણમાં ભણતી હતી. એના ઘરની પાસે જ બગીચો. ઘરકામ પતાવી તે બગીચામાં જાય ને દોડાદોડ કરે. એની શાળા એના ઘરથી થોડેક જ દૂર ! શરૂમાં તો મમ્મી લેવા-મૂકવા જાય. પણ થોડી મોટી થઈ એટલે કહે : ‘મમ્મી, હું મોટી થઈ ગઈ છું. મને નિશાળે મૂકવા ના આવતી. હું એકલી એકલી જાતે જ જઈશ.’ મમ્મીને તો ચિંતા થવા માંડી : ‘ક્યાંક રસ્તે કોઈ વાહન સાથે અથડાઈ જાય તો ?’ પણ તેના પપ્પા કહે : ‘હા, હા, જરૂર મારી બહાદુર બેટ્ટી ! જા, આજથી જ તું એકલી જ જજે હોં’ ને પપ્પાએ પછી મમ્મીના કાનમાં કહ્યું : ‘તું એનાથી દૂર પાછળ પાછળ જજે.’ મમ્મીને આથી રાહત થઈ. જેવી નીતિ નિશાળે જવા નીકળી કે થોડી વાર પછી મમ્મી પણ તેની પાછળ ગઈ. નીતિ તો સડસડાટ ચાલતી નિશાળે પહોંચી ગઈ. તેની મમ્મીને હા...શ થઈ. બસ, પછી તો રોજ નીતિ એકલી એકલી શાળાએ જાય ને આવે. નીતિના શાળાએ જવાના રસ્તે એક લીમડો આવે. લીમડાની ઠંડક નીતિને ખૂબ ગમે. ક્યારેક ક્યારેક તે લીમડા નીચે ઊભી રહે ને થોડું ૨મી પણ લે. એને ખૂબ મજા પડે. કોઈક વાર પૂછે પણ ખરી : ‘લીમડાભાઈ ! કેમ છો ? મજામાં ને !’ ને લીમડો પણ જાણે એને જવાબ આપતો હોય તેમ ડાળીઓ હલાવે. નીતિ તો રાજીરાજી ! આવો સંવાદ પછી તો રોજ થતો. રોજ નીતિ પૂછે : ‘લીમડાભાઈ, કેમ છો ?’ ને લીમડો ડાળીઓ હલાવી કહે : ‘મજામાં છું બેની.’ હવે આવ્યો શ્રાવણ માસ ! ને આવી રક્ષાબંધન. નીતિની શાળામાં દર વર્ષે રક્ષાબંધન ઊજવાય. નીતિ તેમાં ભાગ લે. ઘેરથી રાખડી ને મીઠાઈ લઈ જાય. ને તેનાં શિક્ષિકાબહેન કહે તેને તે રાખડી બાંધે. દર વર્ષે રક્ષાબંધનના આગલા દિવસે આવો કાર્યક્રમ થતો. આ વખતે નીતિએ ધવલને રાખડી બાંધી. ધવલ તો ખુશ ખુશ ! તેણે નીતિને સરસ પેન ભેટમાં આપી. વર્ગમાં સહુને મજા આવી. બધાંએ ખૂબ આનંદ કર્યો. નિશાળેથી ઘેર આવતાં નીતિ લીમડા નીચે ઊભી રહી. પણ આજે અત્યારે તે હસતી નહોતી. તેને થયું : ‘મારી બહેનપણી સ્મિતાને તો ઘરમાં ભાઈ છે. કાલે તે તો ભાઈને રાખડી બાંધશે. મારે તો ઘ૨માં કોઈ ભાઈ નથી. તો હું કોને બાંધીશ ?’ આવું વિચારતાં વિચારતાં તેની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. ત્યાં તો લીમડો બોલ્યો : ‘કેમ છો નીતિબહેન ! રડો છો કેમ ?’ એટલે નીતિ કહે : ‘કાલે રક્ષાબંધન છે. મને થયું કે કાલે હું કોને રાખડી બાંધીશ ? : મારે તો ઘરમાં કોઈ ભાઈ નથી. તો હું શું કરીશ ?’ એટલે લીમડો કહે : ‘નીતિ ! કેમ, હું છું ને ! રોજ મને તો તું પૂછે છે કે કેમ છો લીમડાભાઈ ? તો હું તારો ભાઈ. કાલે તું મને રાખડી બાંધજે.’ ને નીતિના આનંદનો પા૨ ના રહ્યો. ‘હા...હા... ચોક્કસ હું તો આ વાત જ ભૂલી ગઈ. લીમડાભાઈ ! હું કાલે તમને રાખડી બાંધીશ હોં.’ ને તે તો નાચતી-કૂદતી ઘે૨ ગઈ. ઘેર પહોંચતાં જ મમ્મીને કહે : ‘મા ! તારી પાસે કેટલી રાખડી છે ? મને એક સરસ સરસ રાખડી આપ.’ મમ્મી કહે : ‘લે આ રહી રાખડીઓ. તારે જે જોઈએ તે લઈ લે.’ નીતિએ ટીકીઓથી ચમકતી લીલીછમ્મ રાખડી લીધી ને પોતાના દફ્તરમાં મૂકી દીધી. રક્ષાબંધનની સવાર પડી. નીતિબહેન તો નાહી-ધોઈ, તાજામાજા થઈ, સરસ કપડાં પહેરી તૈયાર થઈ ગયાં. દફતરમાંથી કાઢી રાખડી ને મમ્મીને કહે : ‘મા, મને મીઠાઈ આપ. હું મારા લીમડાભાઈને રાખડી બાંધવા જઉં છું.’ મમ્મીએ તેને એક ડબ્બામાં પેંડા આપ્યા ને કહે : ‘બેટા ! હું પણ તારી સાથે આવું છું. મનેય મજા પડશે.’ ને બેઉ જણ પહોંચ્યાં લીમડા પાસે. નીતિને જોઈને લીમડો જાણે ખુશ થઈ ગયો હોય એમ ફોરમવા લાગ્યો. ડાળીઓ હલાવવા લાગ્યો. નીતિની મમ્મીએ લીમડાની એક ડાળ પકડી, ખેંચી ને નીચી કરી. નીતિએ તરત જ તેના પર રાખડી બાંધી દીધી ને પેંડા થડ પાસે મૂક્યા. આ જોઈ તેની મમ્મી કહે : ‘બેટા ! આ પેંડા અહીં આમ ના મૂક. એના ૫૨ ધૂળ લાગશે ને જીવજંતુ ચઢશે. કોઈ ખાઈ નહીં શકે. એના કરતાં તું એમ કર. પેલા મંદિર પાસે નાનાં નાનાં બાળકો ૨મે છે ને એમને આપ. લીમડાભાઈ પણ ખુશ થશે.’ ‘હા મા ! તું સાચું કહે છે.’ ને નીતિએ પેંડા લઈ લીધા ને છોકરાંઓને આપ્યા. છોકરાંઓ તો રાજી રાજી ! નીતિ મમ્મી પાસે આવી. મમ્મી કહે : ‘તને ખબર છે કે આ લીમડાભાઈ તો તને ખૂબ મદદ કરે છે !’ ‘હેં ! ના ભાઈ ! મને તો કંઈ ખબર નથી. મને કહે ને...’ એટલામાં તો લીમડો જ બોલ્યો : કહે : ‘નીતિ ! ખરેખર હું તારો ભાઈ છું હોં ! તું લીમડાનું દાતણ કરજે. તું ઘરડી ડોસી થઈને લાકડી લઈને ચાલતી હોઈશને તોય તારા દાંત મજબૂત હશે. ને ઉનાળામાં તારા ન્હાવાના પાણીમાં મારાં પાંદડાં નાંખજે. તું આવી જ ચમકતી રહીશ. એ જ મારી તને ભેટ !’ ‘અરે વાહ ! તમારી ભેટ તો ઉત્તમ છે ! તો મને એક ડાળી આપોને ! હું કાલથી જ એનાથી દાતણ કરીશ.’ ‘લે બહેન ! તું રોજ નિશાળેથી ઘેર જાય ને ત્યારે લેતી જજે. તાજું જ દાતણ ! બસ !’ ને આટલું કહી તેમણે એક ડાળ ઝુકાવી. નીતિએ ધીમેથી એક પાતળી રસદાર ડાળી તોડી. કહે : ‘થૅન્ક યૂ લીમડાભાઈ ! તમે સાચે જ મને સરસ ભેટ આપી. તમે સાચેસાચ મારા મોટા ભાઈ ! હું દર વર્ષે તમને જ રાખડી બાંધીશ હોં !’ લીમડાભાઈ તો ખુશ થઈ ગયા ને કહે : ‘હા બેની ! હવે ઘેર જા ! ખાઈ-પીને મજા કર. ને જ્યારે તને મન થાય ત્યારે તારી બહેનપણીઓ સાથે અહીં રમવા આવી જજે. મને ખૂબ આનંદ થશે. આવજે બેની !’ ને નીતિ ‘આવજો લીમડાભાઈ’ કહી મમ્મીની આંગળી ઝાલી, ઝૂલતી ઝૂલતી ઘેર ગઈ. આજે તે ખૂબ ખુશ હતી.