ગુજરાતી બાળવાર્તા સંપદા/તપેલીમાંથી તબલાં

તપેલીમાંથી તબલાં

શ્રદ્ધા ત્રિવેદી

‘અલી શારદુડી ! આ શું તપેલી પર થપાટ થપાટ કરે છે ?’ પડોશનાં મણિબાએ આઠ-નવ વર્ષની શારદાને કહ્યું. ‘મણિબા ! એ તો હું તબલાં વગાડું છું.’ એમ બોલી શારદા પાછી મનોમન તાક્ ધીન... તાક્ ધીન... કરતી તપેલી ૫૨ થાપ મારવા લાગી. ‘આ શારદુડી જરૂ૨ ગાંડી થઈ ગઈ છે. એમ તે કંઈ સંગીતમાસ્ત૨ થવાય ?’ આમ બોલતાં બોલતાં મણિબા પોતાના ઘરમાં ગયાં. નાની શારદાની મા બચીબહેન અતુલભાઈના સંગીતક્લાસમાં કચરો-પોતું કરે અને પાણી ભરે. માની સાથે શારદા પણ જાય. મા કહે : ‘તું ઘે૨ ૨હે ને ભણ.’ પણ શારદા માને જ નહીં. માને કામમાં મદદ કરે ત્યારે એનું ચિત્ત તો હોય સાહેબ જે ભણાવતા હોય તેમાં. અતુલભાઈ સંગીતમાં અને તેમાંય તબલાં વગાડવામાં ખૂબ પ્રવીણ. મધ્યમ કદનું આ આખું શહેર એમને ઓળખે. તેમને ત્યાં તબલાં શીખવવામાં આવે. અતુલભાઈ શહેરની જાણીતી શાળામાં સંગીતશિક્ષક. સવારે તે શાળામાં ભણાવે ને બપોર પછી ઘરમાં. બપોરે ત્રણથી પાંચ એમ બે કલાક વર્ગો ચાલે. શારદા મા સાથે જાય જ. ને વર્ગ દરમિયાન સાહેબ જે ભણાવે તે બધું ધ્યાનમાં રાખે. હવે ઘરમાં એની પાસે તબલાં તો હોય નહીં ! તેથી તપેલી પર તે થપાટો મારે ને પ્રયત્ન કરે. કોઈ પૂછે તો કહે : ‘મોટી થઈ હું સંગીતશિક્ષક થઈશ.’ ને પાડોશનાં મણિબા તેને કાયમ હસે... ને તેની માને કહે પણ ખરાં : ‘અલી બચી ! આ છોકરીને ઘરકામ શિખવાડ. તપેલી પર થપાટો મારવાથી ખીચડી ના રંધાય તે સમજાવ.’ બચીબહેનને ચિંતા તો થાય, પણ શારદા ઘરકામ એવું સરસ કરે કે કંઈ કહેવાપણું ના રહે. ઘરકામ ફટાફટ પરવારી તે તપેલી ૫૨ થપાટો મારવા બેસી જાય. સાહેબ નીલાંગને જે શીખવે તે બધું શારદા ધ્યાનમાં રાખે. ઝીણામાં ઝીણી વિગત ધ્યાનમાં રાખે. તે વર્ષે શાળાના વાર્ષિકોત્સવમાં રાસ-ગરબા-નાટક વગેરે સાથે નીલાંગનું તબલાંવાદન પણ હતું. બે નૃત્ય, એક નાટક ને એક ગરબો પૂરો થયા પછી નીલાંગનું નામ બોલાયું. નીલાંગ તેનાં તબલાં સાથે સ્ટેજ ૫૨ ગોઠવાયો. તેનું તબલાંવાદન શરૂ થયું. શરૂઆત જ એટલી સરસ હતી કે શ્રોતાઓ ‘વાહ !’ ‘વાહ !’ કરવા લાગ્યા. થોડી વાર તો બધું સરસ ચાલ્યું. પણ પછી કોણ જાણે કેમ શું થયું કે નીલાંગ ભૂલ કરવા લાગ્યો. પ્રેક્ષાગૃહમાં બેઠેલા અતુલભાઈનો શ્વાસ અધ્ધર થઈ ગયો. પડદાની બાજુમાં ઊભેલી શારદાએ જોયું, નીલાંગ ખોટું વગાડી રહ્યો છે. જાણે કશું બન્યું ન હોય તેમ શારદા ધીમે રહી નીલાંગ પાસે ગઈ, તેની બાજુમાં બેઠી ને બોલી : ‘હવેનો તાલ હું વગાડીશ.’ અતુલભાઈ ફરી સ્તબ્ધ ! નીલાંગને ખ્યાલ આવી ગયેલો કે કંઈક ગોટાળો થયો છે. એટલે તેણે તબલાં શારદાને આપી દીધાં ને શારદાએ પહેલી જ થાપટ એવી મારી કે... હોલ તાળીઓથી ગુંજી ઊઠ્યો. અતુલભાઈ તો સડક ! આ શું ? શારદા આટલું સરસ વગાડે છે ? થોડી વારે શારદાએ તબલાંવાદન પૂરું કર્યું. શ્રોતાઓના આનંદનો પાર ના રહ્યો. અતુલભાઈએ તો સ્ટેજ ઉપર જઈ તેને ઊંચકી જ લીધી. ને બોલ્યા : ‘ભાઈઓ અને બહેનો ! તમને જાણીને નવાઈ લાગશે પણ... આ શારદા અમારા વર્ગમાં એની માતા બચીબહેન સાથે કચરા-પોતાં કરવા આવે છે. તે મારી પાસે બેસીને ભણી નથી. હું વર્ગમાં ભણાવું તે સાંભળીને બધું શીખી છે. ઘે૨ એ તપેલી ૫૨ થપાટો મારીને રિયાઝ કરતી. પણ જુઓ, આજે એની કમાલ ! બેટા શારદા, આજથી આ ક્લાસ અતુલભાઈના સંગીતક્લાસ તરીકે નહીં, પણ ‘શારદા સંગીતક્લાસ’ તરીકે ઓળખાશે.’ ફરી પાછું તાળીઓનું પૂર આવ્યું. એ પછી બાકીનો કાર્યક્રમ આગળ ચાલ્યો. દરેક જણ ખુશખુશાલ હતું. શાળાના આચાર્ય, શિક્ષકો અને બીજા અનેકો શારદાને અભિનંદન આપવા સ્ટેજ પર આવ્યાં. ત્યારે શારદા નીલાંગને કહેતી હતી : ‘નીલાંગભાઈ ! ખોટું ના લગાડતા. પહેલી વા૨ સ્ટેજ ૫૨ જઈએ તો ગભરાઈ જવાય. મને પણ એવું થાય, પણ...’ તરત નીલાંગ કહે : ‘અરે શારદા, તેં બહુ સારું કર્યું. ખરેખર હું ગભરાઈ જ ગયો હતો. ખરેખર મારાથી ખોટું વગાડાતું હતું ને ખોટો તાલ તો ના જ વગાડાયને ’ ‘હા, નીલાંગભાઈ ! તમે વગાડો કે હું, તાલ તો સાચો જ વાગવો જોઈએ ને !’ આ સાંભળી આચાર્ય અને સહુ સાંભળનારાં ફરી તાલી પાડી ઊઠ્યાં. આ સમાચાર શારદાના ફળિયામાં પણ પહોંચી ગયેલા. શારદા ઘેર પહોંચી ત્યારે મણિબા ત્યાં હાજર હતાં ! તેમણે શારદાને ખૂબ વહાલ કર્યું ને કહ્યું : ‘અરે બચી ! તારી શારદુડીએ તો કમાલ કરી ! તપેલી વગાડતાં વગાડતાં તબલાંમાસ્તર બની ગઈ !’