અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/યોગેશ જોષી/રૂપાન્તર કરી નાખો
Revision as of 10:56, 21 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રૂપાન્તર કરી નાખો|યોગેશ જોષી}} <poem> પૂનમનો ચંદ્ર તો ખીલ્યો છ...")
રૂપાન્તર કરી નાખો
યોગેશ જોષી
પૂનમનો ચંદ્ર
તો ખીલ્યો છે સોળે કળાએ
પણ
દરિયામાં ભરતી ક્યાં?!
સ્થગિત છે બધાંય મોજાં!
જાણે કોઈએ
કહ્યું ન હોય ‘સ્ટૅચ્યૂ’!
પવન તો ઘણુંયે વાય છે
પણ જરીકે હાલતું નથી
એકેય વૃક્ષનું એકેય પાન!
બીજ તો રોપાયાં છે અસંખ્ય
ખાતર-પાણીનીય કમી નથી રહી
છતાં
અંકુરાતું નથી કશુંય!
વીજ
તો ચમકે છે અવારનવાર
પણ
ક્યાં કોઈ નવરું છે જરીકે
મોતી પરોવવા?
વરસાદ તો
વરસે છે મુશળધાર
પણ
ક્યાં કશુંયે
ભીંજાય છે જરીકે?!
અગ્નિ તો પ્રગટે તો છે
પણ ભડભડતા અગ્નિમાં
બળતું નથી
સૂકું તણખલુંય!
કોઈ આવીને
અહલ્યાની જેમ
મારુંય
રૂપાન્તર કરી નાખો
પથ્થરમાં...
મારે
કવિ નથી થવું.