અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રમણીક અગ્રાવત/પ્રવાહ

Revision as of 04:49, 22 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રવાહ|રમણીક અગ્રાવત}} <poem> પાંદડાંઓનું જો ચાલે તો આખેઆખો પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


પ્રવાહ

રમણીક અગ્રાવત

પાંદડાંઓનું જો ચાલે
તો આખેઆખો પીપળો લઈને ઊડે
સાંજની વ્યાકુળતામાં પાંદડાં બીજું કરે શું?
કદી થવી નથી એવી થઈ છે
આની આ સાંજ
વગડતા રંગો ઊમટે છે
અને ઓસરે છે અવનવી ઝાંયમાં
અવાજો સ્વપ્નમાં તરવરતાં દુઃખ જેમ
હળવે હળવે ગ્રસે છે
સાંજનો કંપ હચમચાવી ગયો છે
સઘળાં મકાનોને પણ
શક્ય છે જે બારણે જઈ ઊભો રહીશ
એ સાવ અજાણ્યું ઘર નીકળે
સાંધ્ય પ્રવાહમાં
આ સમગ્ર સૃષ્ટિ
કઈ યાત્રાએ નીકળી છે?