ભરત વિંઝુડાની ગઝલસંપદા/મર્યા કરે

Revision as of 02:50, 26 December 2025 by Meghdhanu (talk | contribs) (જોડણી)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૪૧
મર્યા કરે

આતંકવાદીઓ જ વધારે મર્યા કરે,
જન્નતના લોક એવી ખબરથી ડર્યા કરે!

ત્યાં તો નવીન દૃશ્ય ખડું થઈ ગયું અહીં,
હમણાં જ કંઈક જોયેલું તું ચીતર્યા કરે!

એવી રીતે પસાર થતી જાય છે ક્ષણો,
આવે સમય તે એને હંમેશા સ્મર્યાં કરે!

ઈશ્વર બધાય ધર્મનો મહેમાન હોય છે,
આજે અહીં તો કાલ બીજે જઈ ફર્યા કરે!

માણસની જેમ પર્ણ પુનર્જન્મ પામતા,
જોયાં છે વૃક્ષે, કેવાં ઊગે ને ખર્યા કરે!

બેઠા છે સામસામે અહીં બે જણા અને
કોઈ કશું કહે-ની પ્રતીક્ષા કર્યા કરે!

(તારા કારણે)