ભરત વિંઝુડાની ગઝલસંપદા/બેઠો છું

૪૦
બેઠો છું

બધાય ચોપડા ચોખ્ખા કરીને બેઠો છું,
વીતી ગયેલું જીવન વીસરીને બેઠો છું!

હું એક ઘરમાં હતો, છું અને રહેવાનો,
દીવાની જેમ હું જાગી, ઠરીને બેઠો છું!

ધીરે ધીરે એ રજૂ થાય છે કવિતામાં,
હૃદયમાં વાત ઘણી સંઘરીને બેઠો છું!

અહીં તમામનો એવો થયો પરિચય કે-
ન હોય કોઈ એ બાજુ ફરીને બેઠો છું!

જીવન વિતાવી દીધું છે મરણપથારી પર,
તમે ઉઠાડ્યો મને તો મરીને બેઠો છું!

(તારા કારણે)