સફરના સાથી/અંજુમ વાલોડી

Revision as of 06:21, 28 December 2025 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
અંજુમ વાલોડી

ઓહ! ૧૯૪૨થી તે ૧૯૫૫ સુધી ‘ગઝલ, ગઝલ’ ગુંજતું સ્પર્શતું, વ્યાકુળ, ક્યારેક ઉદ્વિગ્ન કરતું દસે દિશનું વાતાવરણ હતું ત્યારે કેટકેટલા યુવાનો, પ્રૌઢો પાસે પાસે, વચ્ચે, છેડે રહેવાનું આવ્યું અને હજી એની આછી લહરી ને વાંછટ ક્યારેક આવ્યા કરે છે. કેટલા બધા જાણે લટાર મારી ચાલ્યા ગયા. કેટલાક તો ઘર-તીરથ બંને એક માની બસ બેઠા રહ્યા. તેમાંના ઘણા કાળના તેડે ચાલ્યા ગયા! અને હુંય એ સૌના તેડાગરની રાહ જોઉં છું ત્યારે એક કશા જ ડોળદમામ વગરનો શાંત, ગ્રીક સ્થાપત્યની એક જીવતી શિલ્પાકૃતિ જેવો ઓછાબોલો યુવાન આવે છે. ઊછળતા માણસને સાંભળે છે. બહુ ઓછું બોલે છે, પણ ઊભરાતા માણસને તો તેના ગયા પછી કોઈ કોઈ શબ્દ પડઘાય છે અને શાંત વિચારણા શરૂ થાય છે. એ યુવાન અંજુમ અને હું હવે જૈફ થઈ ગયા છીએ. પહેલાં જેવી સ્થૂળ નિકટતા તો વર્ષોથી રહી નથી, વચ્ચે હિન્દી મહાસાગર અને ટેમ્સ રહીને ઊછળે, વહે તેમ દૂરતામાંય નિકટતાનાં શાંત વર્તુળો રચાયાં કરે છે, તૂટે છે, વળી રચાય છે. જોજનો દૂર વસતા આ જૈફ મિત્રને મારી સાવ નજીક અનુભવું છું. એ બહુ સાચું કહે છે, સાવ નજીકનો જ માણસ સાંભળે એવી ‘બોલાશ’માં

જુદો બધાથી પડું છું રહી બધા સાથે,
કે મારો માર્ગ હું કાપું છું કાફલા સાથે.

એમનું એ આત્માનુસંધાન જોજનોની દૂરતા માપતી, કાપતી સમયની સાંઢણી મારી નજીક એમને આણે છે અને ઉપલો શેર મનમાં ફરી ફરી ઘૂંટાય છે. કવિને જાણવા એના આત્મીયજન થવું પડે એમ નહીં, આપણામાં નીતર્યોનરવો માણસ વસતો હોય તો તે આપોઆપ આત્મીય બની રહે. સ્મૃતિને સમયનાં વાર, તારીખ, વર્ષો અંતરાય બનતાં નથી, હનુમાનકૂદકો અને અંગદકૂદકો! એ બંનેને પણ સ્મૃતિ હશે જ અને પોતાના પગ સામે જોઈને આ સ્મૃતિ તો અમારા ચરણની મોટી બહેન છે. નમ્રતાથી એવો મૂંગો એકરાર કર્યો હશે. અભ્યાસ પૂરો કરી સુરતની એંગ્લોઉર્દૂ હાઈસ્કૂલમાં જોડાયો ત્યારે વળી મળવાનું સરળ બન્યું. મારી મૂખર્ખાઈનો એક પ્રસંગ સાંભરે છે. દૂરથી સાથે નીકળેલા અને ચર્ચાની ધૂનમાં ટ્રાફિક, ઘોંઘાટ સાવ અસ્પૃશ્ય. અંજુમ ફૂટપાથ પર લથડી પડ્યા ત્યારે મને ગંભીર બોધ થયો, પણ એમણે અસહ્યતા વિશે બોલ તો ન કહ્યો, અણસાર પણ ન આપ્યો એ એમના શાલીન ગાંભીર્યનું સૂચક. મારી પાસે સામયિકોનાં સંપાદનો આવતાં ગયાં અને એ મિત્રે કવિતા સિવાય જોઈતું ગદ્ય પણ આપ્યું અને એમની નિષ્ઠા એવી કે બબ્બે સંગ્રહ પ્રગટ થયા છે, પણ મારા સંપાદનનાં સામયિકો સિવાય ક્યાંય કોઈ કૃતિ આપી નથી. એમણે અંગ્રેજી, ઉર્દૂ શિષ્ટ સાહિત્યકૃતિના મૂળને ન્યાયકર્તા સુઘડ અનુવાદો આપ્યા છે અને ત્રણ હાઈકુમાંના બે સ્વતંત્ર હાઇકુ એવા નાજુક ભાવના પારિજાત ફૂલ જેવાં છે કે તેઓ એ કાવ્યપ્રકાર ખેડે એવી ઇચ્છા રહે છે. મોટા ભાઈ ડૉક્ટર, તે લંડન ગયા, હૉસ્પિટલમાં કામ કરતા સ્થિર થયા, નાનાભાઈ અંજુમને લંડન બોલાવ્યા અને શિક્ષકપદે નિવૃત્ત થયા. સંબંધો અને વાંચનમાં સમય પસાર કરે છે. કૌટુંબિક સંબંધો અહીં છે એટલે અહીં આવે છે ત્યારે અચૂક મળવા આવે ત્યારે વાતના વિષયો સાહિત્યિક હોય છે. લંડનમાંય સાહિત્ય અને ભાષા તથા હવે મુશાયરાયે થાય છે, પણ અંજુમ એમના નિવાસસ્થાને જ હોય છે. કોઈ એમની પાસે ઉભડક પહોંચે તો મહેમાનનો આદર, પણ પોતે જાતે સામે ચાલીને ક્યાંય જતા નથી. કોઈ ન સંભારે તો એનો કશો અજંપો તો ઠીક, ખેદ પણ નથી! એકવાર ગઝલની પાગલ વાતો કરતાં અમે રાજમાર્ગ પરથી પસાર થઈએ છીએ, હું મારી પાગલલેહમાં બીચબજારે બોલતો જાઉં છું અને સાથે ચાલતો અંજુમ લથડી પડે છે. તરત જાત સંભાળીને ઊભો થવાના પ્રયત્નને મારો હાથ અચાનક પકડી લે છે અને હું માણસના ભાનમાં આવી જાઉં છું. પછી મને મારા આપશૂરા ગાંડપણ વિશે આવેલો સ્તબ્ધ શોક આ લખતી વખતે પણ અનુભવું છે. મારા બધા ગઝલકારમિત્રો તેમની ગઝલ કરતાં વધારે ફોનેટિક હતા, પણ આ એક માણસ મૂંગો, એમના કોઈ શેરને શાંત પળોમાં વિચાર્યા કરીએ એવો… મારી પાસે હતું શું કે ખોવાયાનો ખેદ મને પોતાનો શિકાર બનાવે, પણ એક અણપ્રીછયા માણસને ખેદ...આ અંગતતા કંઈ શબ્દોમાં ઊતરી શકે એવી નથી. વાલોડમાં રહેતો જુવાન સુરતની એક હાઈસ્કૂલમાં શિક્ષકની નોકરીએ આવે છે અને વારંવાર અનાયાસ મિલન થાય છે. ઘરે બેસીને અવિરામ વાત અલ્પવિરામ બની અટકે અને વિદાય પછી થયેલી વાતના અર્થો તો નહીં, કાકુ દિમાગને સ્પર્શ્યા કરે. એ મિત્ર ફારસી ભાષા જાણે છે એનો ગંભીર અણસાર આ પાગલને આવ્યો નહીં એટલે ગઝલના ઉરૂઝની કેટલીય ગૂંચો મને ગૂંગળાવતી હતી અને આજેય કોઈવાર સામે આવે છે. હા, કોઈ વાર! ગઝલનું માદળિયું તો શું, તાવીજ પણ ક્યારેય લટકાવ્યું નથી... બીજાં સાહિત્ય સ્વરૂપોના મેળામાં પણ આ ૮૨ વર્ષના છોકરડાનો પગ ન ચાલે. બુદ્ધિ તો શેની ચાલે? છતાંયે વિસ્મયની આંખે જોતાંફરતાં મહાલવાનું ગમે છે. અંજુમ તો કોઈવાર લંડનથી આવે છે અને અમે ‘તને સાંભરે રે’ એવો સંવાદ તો નથી કહી શકતા, કેમ કે અમે બંને સુદામા છીએ... પણ થોડી શાંત, મૂંગી પળો માણીએ છીએ. શું સાંભરે? એ માણસ સુરતમાં હતો ત્યારે યોજાયેલા એકપણ મુશાયરાના મંચ પર મેં એમને ગઝલ બોલતો જોયો નથી! આટલો બધો સંયમ. હું મારી જાત પર ઉશ્કેરાઈ જાઉં છું... હા, ‘ઈકબાલી મુક્તકો’ અને ‘અજંપોત્સવ’ના પ્રાગટટ્ય નિમિત્ત બન્યા પછી, થોડું પ્રાયશ્ચિત્ત થયાનું અનુભવું છું... હવે તો મને મારી કોઈ ગઝલ તો શું, એક શેર પણ યાદ આવતો નથી, ક્યારેક સાંભરે છે આ મારો શેર:

દિલના અસહ્ય દર્દનો બીજો વિકલ્પ ક્યાં?
પાડી શક્યો ન ચીસ તો મૂંગો બની ગયો.

અને તે સાથે જ ‘અંજુમ’નો શેર સાંભરે છે:

ભૂલા પડ્યા વિનાનું ભટકવાનું હોય તો,
ચાલ્યા કરું હું, જો તને મળવાનું હોય તો.

સૂફીવાદના શેરો પણ બોલકા હોઈ શકે છે... અંતરંગ સંવાદ પણ ફોનેટિક થઈ જાય છે. પાસેના ઓરડામાંથી કોઈ બહાવરું દોડી આવે છે. શું થયું? અને ભોંઠો પડી જાઉં છું… અંજુમ જેવી અવિરામ ધીરજ આ છોકરડામાં નથી અને છોકરડા થયા વિના શું પોતાને મળી શકાય છે? કોઈ એકલ વાટ નહીં અને એકલા ચાલવાનું! કલ્પી શકો છો આ સ્થિતિ! ના, આ એક આધ્યાત્મિક ભૂમિકાની મરમી વાત છે, હું ગૂંગળાઉં છું… આ શેરનું ભાવસૌંદર્ય શબ્દોમાં શી રીતે વ્યક્ત કરી શકું? ભૂલા પડ્યા વિના ભટકવાનું.. સામે કોઈ સિમ્બોલ/પ્રતીક નહીં... શું અરૂપનાં પણ કોઈ રૂપ હોઈ શકે? છતાં કલ્પનાએ રૂપ સર્વો ત્યારે તમે તમારામાંથી જ આવેલા કોઈ ભાવાત્મક સ્વરૂપને જુઓ છો… બહુ બહુ ભટક્યો છું. જાણે હવામાં પગ માંડ્યા છે, કશી જ શોધની સભાનતા વિના, સાવ અભાનપણે ‘મજનૂ જો મર ગયા તો જંગલ ઉદાસ હૈ…’ એવી ઉદાસ જિંદગી જીવું છું, ગિરનારના જંગલમાં રહ્યા પછી પણ ટાંક્યો છે એ/એવો કોઈ શેર અચાનક સાંભરે છે, અને એક જુદી જ ભાવસ્થિતિ... હું સાધુ તો નથી, મને વળી ભાવસમાધિ કેવી? કોઈ રેડીમેડ ભાવપ્રતીક નહીં, બીજાઓએ ઉચ્ચારેલા ‘એંઠા’ શબ્દો નહીં, એક જાત સાથેના સંવાદ જેવા શબ્દો, જે અંતરમાં હોય તેની સાથે વાત કરવા મંદિર, મસ્જિદે જવાનું હોય? અને છતાં એને જ મળવા જવા માટે ભૂલા થયા વિના ભટકવાનું... ઇકબાલની પ્રતિભા પર અનેક પુટ/ઢોળ ચઢાવવામાં આવ્યા છે, પણ એનામાં વસતા દાર્શનિક કવિને પિછાણવા કોણ એને પામવા ચૂપચાપ વિનમ્ર ભાવે, અરવ પગલે ગયું છે? આ માણસ માત્ર કવિ-ફિલસૂફ ઇકબાલ પાસે એમના સાહિત્યગંજમાંની કોઈ કોઈ પંક્તિ શેર વીણે છે અને એનો શક્ય કાવ્યાનુવાદ કરે છે. કોઈ કોઈ મુક્તક મને આપે છે અને સૂર્યથી પ્રભાવિત થવાનું હોય જ નહીં ‘પ્રકાશ’ને ‘પ્રભાવ’ કહીને આપણે આપણી અપૂર્ણતા જ પ્રગટ કરતાં નથી? થોડાંક પ્રગટ કર્યા પછી જાણવા મળ્યું : સંગ્રહ જેટલા થયાં છે. આખી હસ્તલિપિ સદ્દગત જયંત કોઠારી પર મોકલી અને એમની આંતરિક ચીવટથી ઈકબાલી મુક્તકો પ્રગટ થયાં. ફારસી શબ્દોમાંય એકાદ પ્રૂફભૂલ નહીં! આ મૂરખે એમને પ્રસ્તાવના માટે વિનંતી કરવી જોઈતી હતી, તેને બદલે પોતાની અલ્પમતિને શબ્દરૂપ આપ્યું, પણ જયંતભાઈએ પોતે જ એનું અવલોકન ‘કંકાવટી’ માટે સામેથી આપ્યું ત્યારે શરમાયો. લખ્યું મારે આ અવલોકન જ ઇકબાલી મુક્તકોના પ્રસ્તાવનારૂપે મૂકવું જોઈતું હતું. થોડાક‘કંકાવટી’માં પ્રગટ થયાં હતાં, બાકી બધાં જ અપ્રગટ! સૌંદર્યે સભાન થઈ જાય છે ત્યારે પોતાનું થોડુંક સૌંદર્ય આપોઆપ ગુમાવે છે એવો મારો જીવનબોધ છે. પામવું ને તે માણવું એ સૌંદર્યનો અબોલ સંદેશ છે:

તેના બળવાન દેહમાંહે પણ
ચેતના કંઈ નથી જીવનકેરી,

જે સમંદરનાં ભવ્ય મોજાંને,
માત્ર જોતો રહે છે આરેથી.

આવી પ્રેરકતા છે. ઇકબાલે પોતે ગુજરાતીમાં લખ્યું હોય એવી તો અને ‘અંજુમ’ની આકૃતિ અને પ્રવૃત્તિ જ આ મુક્તકમાં અનુભવું છું:

એક આરા વગરના સાગરનો,
જો બનાવે હરીફ મુજને નાથ,
દેજે મોતીની શાંતિ પણ મુજને,
મોજાંની વ્યગ્રતાની સાથોસાથ!
ગીત ગાતાં જે વીત્યું મારા ઉપર,
કોઈને એની ખબર પણ ના પડી.
એમ લાગે છે કે લય ને તાલ વિણ,
આ સભાને અન્ય કોઈ ગમ નથી.

ઈકબાલના આ ઉદ્દ્ગાર પ્રશિષ્ટ કવિઓના પણ હોઈ શકે! મુશાયરામાં ‘દુબારા’ બોલનારાઓને પણ એ સ્પર્શે છે.

સાંભળ્યા વિણ મારાં ગીતોને,
મારી પાસેથી ના પસાર થા આમ;
સ્વર્ગનું હું તો એક પક્ષી છું.
ને દઉં છું હું મિત્રનો પયગામ.

શૂન્યનો ખૈયામની રુબાઈઓના અનુવાદ પર પ્રસન્ન પ્રસન્ન થનાર સદ્દગત બચુભાઈ રાવત ઇકબાલી મુક્તકો જોવા જીવતા હોત તો તેઓ પ્રસન્ન થઈ મુખરિત પણ થયા હોત. અંજુમની ગઝલોનો સંગ્રહ પહેલાં પ્રગટ થવો જોઈતો હતો તે હવે ‘અજંપોત્સવ’ નામે પ્રગટ થયો છે. તેમણે ઉદાહરણરૂપે પ્રયોગ કર્યા છે, પરંતુ તેઓ ગઝલનાં પરંપરાનિષ્ઠ શાયર છે, આવેશમુક્ત વિચારક છે, એટલે એમનો અજંપો બોલકો નથી, અભિવ્યક્તિમાં વેગ છે ત્યાં પણ ઉછાળો છે, પ્રેમ પણ બોલકો નહિ, માર્મિક છે. અને આ શેરમાં તો સૂફીરૂપે પ્રગટ થાય છે, અને વિકસતા શાયરનો છેલ્લો પડાવ સૂફીનો હોય છે.

ભૂલા પડ્યા વિનાનું ભટકવાનું હોય તો,
ચાલ્યા કરું હું, જો તને મળવાનું હોય તો.

ભજનવાણીની વાણી તો પરંપરિત વારસા જેવી છે, તેના વિનિયોગથી સાદું ભજન લખી શકાય તેમ સૂફીવિચારની વાણી પણ વારસારૂપ પડેલી છે, પણ એ કશાના ઉપયોગ તો શું, વિનિયોગ વિના કવિએ આ ઈશ્વરીય પ્રેમનો શેર સાવ સાદા શેરમાં કશા જ પ્રગટ ઉન્મેષ સિવાય સ્વાભાવિકરૂપે વ્યક્ત કર્યો છે એ ધ્યાનપાત્ર છે. અને ગઝલનો પ્રેમવિષય પણ કવિ માટે કેવો શાંત, પ્રભાવકરૂપે પ્રગટ થાય છેઃ

પરિચિત હોય જે પગલાના શ્વાસથી ‘અંજુમ’,
તે બારણાને ટકોરાની પણ જરૂર નથી.

ગઝલ વિશે તો ઘણાએ બોલકા થઈને પણ કહ્યું છે, પણ અંજુમે આડકતરી રીતે જાણે આ શેરમાં ગઝલના પ્રાણને પ્રગટ કર્યો છે :

પડઘાતો રહે છે કાનમાં દુનિયા બધીનો શોર,
તારો અવાજ એમાં ભળે તો ગઝલ કહું!

અને પાકિસ્તાન થયું તો લાખો હિન્દીઓ ત્યાં ચાલ્યા ગયા એ સંદર્ભમાં આ શેર જુઓ :

નિજવાસમાંય એટલા કાયર બની ગયા,
હાલી જરીકે ડાળ તો પંખી ઊડી ગયાં!

અને પાકિસ્તાની નહીં, પણ મુહાજીરો કહેવાતા મૂળ હિન્દીઓની આ ફસામણની ચીસ નથી?

દુર્ભાગ્ય તો જુઓ, કે વમળમાંથી નીકળી
કાંઠે અમે ગયા તો કળણમાં ધસી ગયા!

અજંપો તો સહૃદયભાવકને પ્રત્યેક રચનામાં મળશે. માત્ર એક શેર બસ થશે:

‘અંજુમ’, બળી રહ્યું છે મારું રોમ રોમ;
નીરોના હાથમાં શું હજી પણ સિતાર છે?

‘અજંપોત્સવ’ના કવિની શાંતિ અને વ્યગ્રતા હું જીવનભર ‘અંજુમ’માં અનુભવતો આવ્યો છું.

ગુજરાતી ગઝલ સૌ પહેલાં પારસી, ઉર્દૂ, ગુજરાતી નાટ્યમંડળી દ્વારા સ્ટેજ પર આવી એટલે એનો આરંભ જ ફોનેટિક હતો અને કલાપી—બાલાશંકરના યુગમાં પણ ઉચ્ચસાદી ઉદ્દગારે ગઝલ બોલે છે, મુશાયરાના મંચ પર આવે છે ત્યારે ફોનેટિક શબ્દો જ દાદના પ્રતિભાવરૂપે આવે છે, પણ

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં

એ પંક્તિ કેવા મુગ્ધ શાંત સ્વરમાં બોલાય છે... અને છતાં એ જ સ્વર ‘ગેબી કચેરી’માં પડઘાતો નથી? શાંત—વ્યગ્રને પામવા માટે ગેબી કચેરીનું મૌન હોવું જોઈએ. મૌન જ પોતાને અને સાંભળવા જેવા સાદને સાંભળે છે.‘અંજુમ’ની ગઝલોમાં હોંકારા પડકારા લાલિત્યના સ્વરૂપે આવતી ‘લલુતા’ નથી. એક દિવસ ટપાલમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પત્ર સંપર્ક ભાષા અંગ્રેજીમાં આવ્યો તેનો સ્થૂળ સંપર્ક જ હું સાધી શક્યો. અંગેજીભાષીને વંચાવ્યો તો કહે, ‘ઇકબાલી મુક્તકો’ના કવિને સાહિત્ય અકાદમી અનુવાદ માટેનું રૂપિયા દસ હજારનું ઇનામ આપે છે. કોઈ સંપર્ક નહીં, પ્રકાશનની કશી જાહેરાત નહીં, જયંત કોઠારી સિવાય કોઈએ લેખિત નોંધ પણ લીધી નથી, એનું સત્વ દિલ્હી સુધી પહોંચ્યું શી રીતે એ પ્રાથમિક આશ્ચર્ય આજ સુધી રહ્યું છે. કવિને ડૉક્ટર વડીલબંધુ લંડનમાં બોલાવે છે, ત્યાં પણ સ્કૂલમાં ભણાવે. એટલે નિયમાનુસાર એમને ૧૦,૦૦૦ રૂપિયા તો ન મળ્યા. પણ ગૌરવ મળ્યું તે તો રહ્યું જ રહ્યું. થોડાંક મુક્તકો પાંત્રીસ વર્ષ પહેલાં ‘કંકાવટી’માં પ્રગટ થયેલાં તે પછી લાંબા ગાળે થોડું ‘કંકાવટી’માં, તે સિવાય બધાં અપ્રગટ અને ‘અજંપોત્સવ’ની થોડીક કૃતિ ‘કંકાવટી’માં પ્રગટ થઈ તે સિવાયની બધી અપ્રગટ! આટલી શાંત, પ્રતીતિજનક ધીરજ ક્યાંય, ઊગતા, આથમતા કવિમાં પણ જોવામાં આવે છે? ‘અંજુમ’ રિવાયતી પરંપરાગતની શાયરીનો ગઝલકાર છે. એને સમજવા ગઝલની રિવાયત સમજવી રહી આ જગત અબજો વર્ષની પરંપરા પછીનું જગત છે. સમય પોતે જ રિવાયત-સાતત્ય છે. એમાં રંગપલટા, વેશપલટા આવ્યા, આવશે. પણ તે સામયિક, પ્રાસંગિક અને એટલે જ ઐતિહાસિક, સમયખંડ, આકાશ જેવા સ્થિર છતાં સર્વવ્યાપી ‘આકાશ’ જેવું ‘સાતત્ય’ નહીં. અને આપણી વ્યવહારુ આંખ ઘેરાયેલાં વાદળ, ગગડતા ફોનેટિક વાદળ—વીજળી વેળાએ જ આકાશ સામે જૂએ છે, શાંત, નીરવ, સમગ્ર એક ભૂરા રૂપને કોણ જુએ છે? ખુદા વિશે ‘અંજુમ’ કહે છે :

તને જોયો નથી મેં, એ ખરું, પણ
તને જાણ્યાનો એક સંતોષ તો છે!

અજાણ્યા ‘અંજુમ’ને કોઈ જાણે તો એનો મને સંતોષ હોય જ. ગાંધીયુગમાં વાલોડે કેટલાક સામાન્ય રહેવામાં—ગાંધીજીમાં સમાઈ જવામાં જ — અસ્તિત્વ જોતા કેટલાક ઉત્તમ માણસો આપ્યા તેમાંના એક ઈશ્વરલાલ ઇચ્છારામ દેસાઈ. એ હયાત હોય તો એમણે પોતાનો ‘અંજુમ’ વિશેનો સંતોષ વ્યક્ત કરવા જેટલા એ ‘પ્રામાણિક પત્રકાર’ હતા. ઉ. જો. સાથે વીસાપુરની જેલમાં સાથે એ રહેલા. થોડાં વર્ષો ચાલેલા એમના ‘લોકવાણી’ દૈનિકના તંત્રીમંડળમાં હું હતો. એ ‘હળવે હાથે’ નામે કૉલમ લખે. એમની માંદગીના સમયમાં એ કૉલમ મેં લખી. એમણે એક દિવસ કેબિનમાં બોલાવી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીનો પોસ્ટકાર્ડ બતાવ્યો. ‘ફલાણા દિવસની કટારમાં તો પિકવિક પેપર્સ જેવું છે.’ એવું લખેલું. હવે સાહિત્યમાં વિ. ૨. ત્રિવેદી અને ઈ. ઈ. દેસાઈ જેવા તંત્રી ક્યાં? સુન્દરમ્’ની ‘મારી બંસીમાં બોલ બે બજાવી જા’ અને ઉ. જો.ની એવી જ વિખ્યાત કવિતા પ્રથમ ‘લોકવાણી’માં પ્રગટ થયેલી. તે સિવાય પણ સુરત જિલ્લામાં ત્યારે વાલોડ ગાલ પરના તલ જેવું, ગાંધીયુગની ઊપજ જેવું હતું. ‘અંજુમ’ને એ ભૂમિની ઊપજરૂપે પણ હું જોઉં છું. અંજુમે ઉર્દૂ અને અંગ્રેજી સાહિત્યની કેટલીક સારી કૃતિઓ પણ ગુજરાતીમાં અનૂદિત કરી છે, તેમાં પણ પસંદગીમાં પણ એમની સાહિત્યપદાર્થની પહોંચ દેખાય છે. ‘તમે એક શૂન્યભૂમિ પર ઘર બનાવો, ગામ વસવા માંડશે’ એવું કહેનાર કવિ એકલા નથી, એમનામાં ગામ વસે છે. વાસ્તવમાં એ ચિંતક નહીં તોયે વિચારક છે, પણ મારા જેવા અચાનક બોલી ઊઠનારા નથી. માણસ અને જગતની સ્થિતિ, પરિસ્થિતિ જુએ છે અને અજંપામાં રહે છે, પણ એ શાંતસાદે પ્રતિભાવ આપે છે. એ હસી શકે છે, પણ મર્માળુ, ગઝલમાંય અખતરો કરે છે, પણ પ્રત્યેક ક્રાંતિ આગલી ક્રાંતિનું અનુકરણ કરે છે અને આગલી ક્રાંતિ જેવો જ એનો અંત આવે છે એ જોઈ શકનારા રિવાયતી શાયરના સ્વરમાં જ ઉદ્દામ સ્વર ક્યારેક કાઢે છે. લંડનમાં રહે છે. ત્યાંના હવામાનમાં જોયું—અનુભવ્યું તેમાંય સૌંદર્યદૃષ્ટિનો વિસ્મય જ છે, આ બે હાઈકુમાં :

અહીં શિયાળે
બરફ ક્યારીમાં
સ્નોમેન ઊગે.

બરફવર્ષા
વાદળ પર લોકો
પગલાં પાડે.