જનક દવે

Revision as of 06:25, 15 January 2026 by Shnehrashmi (talk | contribs)
Janak Dave.jpg
જનક દવે (૧૪-૦૬-૧૯૩૦) 

આઝાદી પછી ગુજરાતમાં નાટ્યશિક્ષણનો પાયો નખાયો, જેની પ્રથમ પેઢીમાં ચં. ચી. મહેતા તથા જસવંત ઠાકર જેવા નાટ્યકારો છે તો ત્યાર પછીની પેઢીમાં જે મહત્ત્વપૂર્ણ નામો છે એમાં જનક દવેનું નામ લેવાય છે. લોકનાટ્ય સ્વરૂપ ભવાઈના એ વિદ્વાન લેખાય છે. તેઓ નાટ્યશિક્ષક, અભિનેતા તથા લેખક તરીકે જાણીતા છે. એમની પાસેથી મૌલિક પુસ્તકો, નાટકના અનુવાદો અને નાટ્યશિક્ષણ અંગેના અનુદિત પુસ્તકો એમ કુલ પંદર જેટલાં પ્રકાશિત પુસ્તક મળ્યાં છે.

એમણે જીવનનાં અઠ્યાવીસ વર્ષ નાટ્યશિક્ષણનું કાર્ય કર્યું, જે દરમિયાન એમણે રશિયન નાટ્યકાર સ્તાનિસ્લાવસ્કિએ નટના પ્રશિક્ષણ અંગે જે પદ્ધતિ વિકસાવી છે તે અંગેના પુસ્તક ‘An Actors traing’નો અંગ્રેજીમાંથી ગુજરાતીમાં ‘નટનું પ્રશિક્ષણ’ (૨૦૦૨) તથા ‘આખરી કસબનો ઉઘાડ’ (૧૯૯૭) નામથી એમણે અનૂદિત કર્યા છે. નાટ્યકાર તરીકે એમણે ભવાઈના સ્વરૂપ ઉપર પ્રભુત્વ મેળવ્યું હતું જેના કારણે તેઓ વિદ્યાર્થીઓના ભજવવા માટે ભવાઈના નવા વેશ લખતા રહ્યા. ‘લોકરંજન ભવાઈ’(૧૯૮૮), ‘દેહનો દુશ્મન’ તથા ‘વેશવંશ’ (૧૯૯૮) નામના પુસ્તકોમાં એમના આવા ભવાઈ વેશો છે. આ ભવાઈ વેશોમાં સમાજસુધારણાનો સૂર પ્રમુખ છે. ‘હેતુલક્ષી એકાંકીઓ’ (૨૦૦૧) એમનાં અનૂદિત નાટકો તથા મૌલિક નાટકોનું પુસ્તક છે જેમાં મંચનક્ષમ એકાંકીઓ છે.

બાળકો માટેની રંગભૂમિને વિકસિત કરવામાં એમનું ખાસ્સું યોગદાન છે. ‘રંગલો ચાલ્યો ફરવા’(૧૯૮૯), ‘નાટક ખેલે બાલ ગોપાલા’ (૧૯૯૭) તથા ‘બાળનાટ્ય દિગ્દર્શન કલા’ (૧૯૯૭) આ પ્રકારનાં પુસ્તક છે. બાળનાટકોમાં એમણે બાળગીતના લય પ્રયોજીને બાળકોને પ્રિય એવાં પશુ—પંખી જગતને ચિત્રિત કર્યું છે અને એમાં પર્યાવરણ તથા અન્ય સમસ્યાઓને નાટ્યરૂપ આપ્યું છે. જનક દવેનું કલેવર જ નાટ્યશિક્ષકનું છે, એમણે ગુજરાતભરમાં યોજાતી નાટ્યશિબિરોમાં ખંતપૂર્વક કામ કરીને કૉલેજના વિદ્યાર્થીઓથી લઈને બાળકો અને એમાં પણ મૂક—બધિર કે માનસિક રીતે અક્ષમ બાળકો માટે પણ નાટ્યશિબિરો યોજીને અભિવ્યક્તિનાં દ્વાર એમના માટે ખોલી આપ્યાં છે. એમને નાટ્યશિક્ષણની નિરંતર પ્રવૃત્તિ બદલ ૧૯૯૩માં ગુજરાત રાજ્ય તરફથી ગૌરવ પુરસ્કાર પણ મળ્યો છે, પણ એમને ખરો મૂલ્યવાન પુરસ્કાર તો બાળકો તરફથી મળેલું જનકદાદાનું બિરૂદ જ કહી શકાશે.

પ્રવીણ પંડ્યા
‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ : ગ્રંથ ૭’માંથી


   : : જનક દવેના પુસ્તકો : :