ચિત્તવિચારસંવાદ/ઉપસંહાર

Revision as of 06:02, 4 March 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
ટ. ઉપસંહાર

‘ચિત્તવિચારસંવાદ’ની આ સમીક્ષા બતાવે છે કે તત્ત્વવિચાર અને કવિત્વ બંને દૃષ્ટિએ આ અખાજીની એક ઘણી મહત્ત્વની કૃતિ છે. તત્ત્વવિચારના આટલા બધા મુદ્દાઓ, આટલી ઝીણવટથી એમની અન્ય કોઈ દીર્ઘ કૃતિમાં ભાગ્યે જ રજૂ થયા છે. ‘અખેગીતા’માં અખાજીના તત્ત્વવિચારનો નિચોડ છે એમ કહી શકાય પરંતુ એમાં આટલી જટિલતા અને ઝીણવટ નથી અને કવિત્વનો આવેશ એમાં સવિશેષ અનુભવાય છે. અહીં કૂટ તત્ત્વવિચાર છે તેટલો જ કવિત્વનો આવેશ છે. ‘અનુભવબિંદુ’ તો એક નાનકડી રચના છે એટલે તેની સાથે તુલના ન થઈ શકે. ‘ગુરુશિષ્યસંવાદ’ વિચારની ગહનતા અને કવિત્વની પ્રૌઢતાની દૃષ્ટિએ નિશ્ચિતપણે આનાથી ઊતરતી રચના છે. આમ છતાં આપણા વિવેચનમાં ‘ચિત્તવિચારસંવાદ’ એક ઉપેક્ષિત કૃતિ રહી છે. આ કૃતિ થોડી વધારે કૂટ છે તેને કારણે કદાચ આમ બન્યું હોય. આ કૃતિના તત્ત્વવિચારમાં જટિલતા અને સૂક્ષ્મતા છે તે સાથે અખાજીના કેટલાંક નિજી દૃષ્ટિબિંદુઓ છે અને વિચારોનો કેટલોક સમન્વય પણ છે. આ બધું એમની દાર્શનિક પ્રતિભાને સુપેરે પ્રગટ કરે છે. તે ઉપરાંત અહીં દૃષ્ટાંતચિત્રોનો જે સાતત્યભર્યો અને વૈવિધ્યભર્યો વિનિયેાગ છે, ભાષાની સમૃદ્ધિ અને વાક્‌છટા છે – તે બધું એમના ઉત્તમ કવિત્વની પ્રતીતિ કરાવે છે. ઉમાશંકર જોશીએ જે એમ કહ્યું છે કે અખાજીએ “તત્ત્વવિચારકવિતાને શિખરે પલાંઠી લગાવી છે” તેમાંથી ‘તત્ત્વવિચાર’ અને ‘કવિતા’ બંને શબ્દો અહીં સાર્થક બને છે એટલે કે બંનેની ઉચ્ચ કોટિ અહીં પ્રગટ થઈ છે.