સાહિત્ય પલ્લવ – ભાગ ૨/જૂનું પિયેરઘર

Revision as of 02:21, 2 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
જૂનું પિયેરઘર

બલવંતરાય કલ્યાણરાય ઠાકોર

બેઠી ખાટે, ફરી વળી બધે મેડીઓ ઓરડામાં,
દીઠાં હેતે સ્મૃતિપડ બધાં ઊકલ્યાં આપ રૂડાં :
માડી મીઠી, સ્મિત-મધુર ને ભવ્યમૂર્તિ પિતાજી,
દાદી વાંકી રસિક કરતી વાતથી બાળ રાજી;
સૂનાં સ્થાનો સજીવન થયાં, સાંભળું બોલ જૂના,
આચારો કૈં વિવિધ ઢબના નેત્ર ઠારે સઉના;
ભાંડુ નાનાં, શિશુસમયના ભાવના સોબતીઓ,
જ્યાં ત્યાં આવી વય બદલી સંતાય, જાણે પરીઓ.
તોયે એ સૌ સ્મૃતિછબી વિષે વ્યાપી લે ચક્ષુ ઘેરી,
નાની મોટી બહુરૂપી થતી એક મૂર્તિ અનેરી :
ચોરીથી આ ઘડી સુધી મહીં એવી જામી કલેજે,
કે કૌમારે પણ મુજ સરે બાલવેશે સહેજે!
બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી,
ત્યારે જાણી અનહદ ગતિ, નાથ મારા, તમારી.

સ્વાધ્યાય

૧. પિયરઘરમાં શું શું જોયું?
૨. પતિની ‘અનહદ ગતિ’ કેવી રીતે જણાઈ?
૩. તમે કોઈ જૂના પરિચિત સ્થળે ગયા હો ને જે સ્મરણો જાગે તે લખવા પ્રયત્ન કરો.