સાહિત્ય પલ્લવ – ભાગ ૨/દેવીનું ખપ્પર

Revision as of 02:27, 2 April 2026 by Meghdhanu (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
દેવીનું ખપ્પર

(લાવણી)
અરદેશર ફરામજી ખબરદાર

ભર ભર મારું ખપ્પર, ભૈયા! ઓ ભારતના વાસી!
ઘર ઘર ભીખું હરનિશ ફરતી, હું જુગજુગની પ્યાસી :
ખપ્પર ભરો ભરો હો! ધ્રુવ
ક્ષણ ક્ષણ ગણતાં મન શોષાયું, શોષાયું તન ત્રાસી;
બાર બાર સૈકાથી ભટકું અરે! અરે! ઉપવાસી :
ખપ્પર ભરો ભરો હો!
અંજલી નાખે, ખોબો નાખે, નાખે કો ભર પ્યાલી;
જુગસૂકું તળિયું દે શોષી, ખપ્પર તો રહે ખાલી :
ખપ્પર ભરો ભરો હો!
ઓ ભૈયા! જુગના જુગ વીત્યા, હવે નહીં એ ચાલે;
નદ ઊલટાવો, સિંધુ ભરાવો – છલછલ ભરો ઉછાળે :
ખપ્પર ભરો ભરો હો!
ગાજવીજ ને મૂશળધારે રેલ રેલ જગ છાતી;
એક ઝાપટે નવ ચોમાસું : વીર! તૃષા ન છિપાતી;
ખપ્પર ભરો ભરો હો!
જ્યોતિ જ્યોતિ ઘર ઘર જો સળગ્યા, રોતી રોતી શું માગું?
શિર કાપી ખપ્પરમાં નાખો, કરો કાળજું આધું!
ખપ્પર ભરો ભરો હો!
એક કેસરીની ત્રાડે તો ભરી દીસે વન-વસ્તી;
એક વીરરસની મસ્તીમાં કરુણ તણી ક્યાં હસ્તી?
ખપ્પર ભરો ભરો હો!
અધઊઘડ્યાં દ્વાર પ્રભાનાં : ઓ ભૈયા! ઝટ આવો!
ખપ્પર મારું ભરો વીરત્વે! પૂર્ણ પ્રભા રેલાવો!
ખપ્પર ભરો ભરો હો!

સ્વાધ્યાય

૧. દેવીનું ખપ્પર ક્યારનું ખાલી છે?
૨. શાથી એ ખપ્પર નથી ભરાતું?
૩. ખપ્પરને કેવી રીતે ભરી દેવા દેવી માગણી કરે છે?
૪. ‘એક ઝાપટે નવ ચોમાસું!’ આ ઉક્તિમાં શો અર્થ રહેલો છે. તે સ્પષ્ટ કરો.
૫. પોતાનું ખપ્પર દેવી શાનાથી ભરાયેલું જોવા ઇચ્છે છે?
૬. વીર અને કેસરીની તુલના કેવી રીતે કરવામાં આવી છે તે બતાવો.
૭. છેલ્લી લીટીનો અર્થ સમજાવો.
૮. આ કાવ્ય મોઢે કરો.