સાહિત્ય પલ્લવ – ભાગ ૨/મારું જન્મચરિત્ર

Revision as of 01:37, 5 April 2026 by Meghdhanu (talk | contribs) (+1)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
મારું જન્મચરિત્ર

કાઠિયાવાડમાં આવેલા મોરબી રાજાના તાબાના એક ગામમાં હું કે જે હાલ દયાનંદ સરસ્વતીને નામે ઓળખાઉં છું તે સંવત ૧૮૮૧માં ઉદીચ્ય જ્ઞાતિના બ્રાહ્મણના એક કુટુંબમાં જન્મ્યો હતો. મારા પિતાનું તથા મારી જન્મભૂમિનું નામ મેં પહેલેથી જ લેવાનું દુરસ્ત નથી. ધાર્યું તેનું કારણ એ કે, મને મારા ધર્મ પ્રમાણે તેમ કરવાની મના છે. મારાં સગાંવહાલાંથી કોઈને મારી ફરીને ભાળ મળી હોત તો તેઓ મને શોધી કાઢત, ને તેમ થવાથી મોઢામોઢ થયે મારે પાછું પણ જવું પડત, ધનનો સ્પર્શ કરવો પડત,[1] ને તેઓના સંબંધમાં પાછા પડી તેમની જરૂરિયાતો પૂરી પાડવી પડત. જો આ પ્રમાણે થાત તો સુધારાનું પવિત્ર કામ જેને મેં મારી આખી જિંદગી અર્પણ કરી છે તે બળાત્કારે છોડી દેવું પડત. એથી સુધારાને મોટો ધોક્કો પહોંચત. દેવનાગરી લિપિ મેં ભણવા માંડી ત્યારે મારી ઉમ્મર ભાગ્યે જ પૂરી પાંચ વર્ષની થઈ હતી. મારાં માબાપ ને વડીલોએ મને આ વખતે મારી જ્ઞાતિધર્મ ને કુળધર્મની ક્રિયામાં પ્રવીણ કરવાને લાંબાં સ્તોત્ર, શ્લોકાદિક મોઢે કરાવવા માંડ્યાં. આઠ વર્ષની ઉમ્મરે હું ઉપવીત ધારણ કરીને ગાયત્રી, સંધ્યા અને તેની ક્રિયા, રુદ્રાધ્યાય ને યજુર્વેદ સંહિતા શીખ્યો. મારો કુળધર્મ શિવમાર્ગનો હતો તેથી મારાં સર્વ સગાંવહાલાંને મને તે માર્ગના મર્મથી વધારે વાકેફગાર કરવાની ધારણા હતી. અને તેથી તેમણે મને માટીને કાલવીને બનાવેલી શિવની તરેવાર-મૂર્તિને, જેને પાર્થિવ લિંગ કહે છે, તેને પૂજતાં પહેલાં શીખવ્યું. પણ આ પૂજા કરતાં કેટલાક ઉપવાસ કરવા પડે છે તથા શરીરે કષ્ટ વેઠવું પડે છે, ને મને તો સવારમાં વહેલું ખાવાની ટેવ પડી હતી તેથી આમ કરવાથી મારી તંદુરસ્તી બગડશે એમ ધારીને મારી માએ મને દરરોજ એવી પૂજા કરવાની ના કહી. પણ મારા પિતાએ પાર્થિવ પૂજા કર્તવ્ય છે એવું કહી તે મારી પાસે કરાવવાની હઠ લીધી તેથી તે બન્નેની વચમાં તે બાબતનો ઝઘડો થવા લાગ્યો ને તે ઠેઠ સુધી પહોંચ્યો. મારો અભ્યાસ જારી રાખી હું સંસ્કૃત વ્યાકરણ શીખ્યો, મારો વેદ પાઠે કર્યો ને મારા પિતાની સાથે દેવમંદિર તથા શિવપૂજનની જગાએ જવા લાગ્યો. એમની મારી સાથેની વાતચીતનો મુખ્ય હેતુ હંમેશાં એકનો એક જ હતો તે એ કે સર્વ ધર્મમાં શિવધર્મ શ્રેષ્ઠ છે, માટે અહોનિશ શિવપૂજન કરવું ને શિવને સર્વ દેવથી વધારે માન આપી તેની ભક્તિ કરવી. મારું વય ચૌદ વર્ષનું થયું તે વારે યજુર્વેદ સંહિતા આખી, બીજા વેદ ને શબ્દરૂપાવળીના કેટલાક ભાગ તથા વ્યાકરણ શીખવાથી મારો અભ્યાસ પૂરો થયો ગણાયો. મારા બાપને સરાફની દુકાન હતી, ને વળી અમારા કુટુંબમાં વંશપરંપરાથી ઊતરતી આવેલી જમાદારી હતી તે મળવાથી પૈસે-ટકે અમે સુખી હતા. જમાદારીનું ઉઘરાત સાથે માજિસ્ટ્રેટપણાનું હતું. જ્યાં જ્યાં શિવપુરાણની કથા થતી ત્યાં ત્યાં મને મારા પિતા અવશ્ય પોતાની સાથે લઈ જતા ને છેવટે તો મારાં માતુશ્રીની તકરાર વિષે આંખ કાન કરી મને ફરી પાછા પાર્થિવ પૂજા કરવા માંડવાની આજ્ઞા કીધી. મહા વદિ તેરશ એટલે મોટી શિવરાત્રિને દહાડે લાંઘણ કરવાની આવી. મારા પિતાએ મારા શરીર-કૌવત પર વિચાર ન કરતાં, મારે નકોરડો ઉપવાસ કરવો તથા તે મહારાત્રિમાં મને ધર્મ સંબંધી કેટલીક નવી ગુપ્ત વાતો જણાવવાની છે માટે આખી રાત જાગરણ કરી શિવનું પૂજન કરવામાં સામેલ રહેવું એવું ફરમાવ્યું. બીજા કેટલાક જુવાન પોતાના વડીલો સાથે શિવમંદિરે ગયા, તેમ હું પણ મારા બાપની જોડે ગયો. પૂજનકાળના ચાર ભાગ પાડ્યા હતા, તેમાંનો દરેક એક એક પ્રહરનો હતો. મધ્યરાત્રી થયા પહેલાં મારું કામ પૂરું થવાથી દેરાના ઘુમ્મટના ભાગમાં આવી જોઉં છું તો, પૂજારીઓ અથવા ભયડા જેમનું કામ મહાદેવમાં પખાળ વગેરે કરવાનું તથા પાર્વતીને શણગાર પહેરાવવાનું હતું તેઓ તથા પૂજાર્થે આવેલામાંના કેટલાક લસલસાટ ઊંઘતા પડેલા નસકોરાં બોલાવતા હતા. ઘણાં વર્ષથી હું સાંભળતો આવેલો કે આ મહારાત્રીએ જે કોઈ ઊંઘે તે પોતાનું પાછલાં ધર્મકાર્યોનું સઘળું ફળ ખુએ, તેથી હું ઊંઘ અને આળસ તજવા વારંવાર આંખે ટાઢું પાણી ચોપડતો.

સ્વાધ્યાય

૧. આ પાઠ વાંચતાં તમારા મન પર શી અસર થઈ તે નોંધો.
૨. સ્વામી દયાનન્દ સરસ્વતીના જીવન અને કાર્ય વિષે જે જાણતા હો તે લખો.


  1. સંન્યાસીમાત્રને ધનનો સ્પર્શ તથા લેવડદેવડની ને વેપારની ધર્મશાસ્ત્રમાં સાફ મનાઈ છે.