સુમન શાહ
(આ વાર્તામાં જ્યાં જ્યાં ત્રણ ... મૂક્યાં છે, એ એમ સૂચવે છે કે વાચનમાં એ સ્થાનોએ એક-બે સૅકન્ડ માટે અટકવું. કેમકે મારાં પાત્રોએ વિચારવા માટે એટલો ટાઇમ લીધો હોય છે.)
ઝરમરે હાર્દિકના કમ્પ્યૂટર-સ્ક્રીન પર વાંચ્યું : આજે સોહા મળી : હાર્દિક સોફામાં બેસી લૅપ્ટૉપમાં ટાઇપ કરતો’તો, ઝરમર સોફા પાછળ ઊભી’તી, શાવર લઈને નીકળેલી. "તારા વાળ જરા આઘે રહીને ઝાટક ને, છાંટા ઊડે છે" "સોહા કોણ છે?" "નહીં કહું!" "એવું શું છે જે મને પણ ના ક્હૅ?" ... "એવું કંઈ નથી."
"યુ આર..." બોલીને ઝરમર કીચન ભણી ચાલી ગઈ ...
હાર્દિકે જોયું - વૉલક્લૉકનો સૅકન્ડ કાંટો પોતાની રીતે ખસ્યા કરતો’તો. બારીએથી આવેલો પવન જ્યાં ત્યાં અથડાતો’તો. એ કીચનમાં ગયો. ઝરમરના ખભે બન્ને હાથ મૂકીને બોલ્યો, "મારે કંઈક પીવું છે, શરબત જેવું, મૉં સુકાય છે." ઝરમરે એની સામે ય ન જોયું, ઝટકાવીને ખસી ગઈ. હાર્દિકના હાથ વ્હીલા પડી ગયા. એણે પ્યાલામાં શરબત લીધું અને પાછો જઈને સોફામાં બેઠો. ક્યાંય લગી શરબતને જોયા કર્યું. ઝરમર ગ્રોસરી કરવા નીકળી, પણ કહ્યું નહીં કે ‘જઉં છું’, એની કાર નીકળી તે હાર્દિકે સાંભળ્યું. શરબત એક ઘૂંટડે ગટગટાવી ગયો.
ઝરમર પાછી આવી ત્યારે હાર્દિક સોફામાં જપી ગયેલો. ઝરમરે એને ગલીપચી કરી, "આ શું કરે છે?" "ચાલ, આપણે બાગમાં લટાર મારી આવીએ" "મારે નથી આવવું" "અરે ચાલ તો" "મારે નથી આવવું" "છોકરી છું? આમ રીસાઈ ગયો?" "રીસાઇ તું ગયેલી, છોકરી તું છો."
ઝરમર અને હાર્દિક વિશે હું થોડો ફોડ પાડું. એમની વચ્ચે આવી ટક ટક ચાલ્યા કરે છે. સમજાય નહીં કે ખરેખર લડે છે. બન્ને એકલાં છે. આ શ્હૅરમાં પણ જુદી જુદી જગ્યાએ રહે છે. હાર્દિક આજે મૉડી સવારથી ઝરમરને ત્યાં આવેલો છે. રોજ આવે છે. આવતાંમાં ઝરમરના ગાલે બચ્ચી કરે છે, આજે ય કરી. ઝરમર ઇચ્છે છે કે હાર્દિકને કોઈક મળી જાય, હાર્દિક ઇચ્છે છે કે ઝરમરને કોઈક મળી જાય, જોકે આ મારી ધારણા છે. મને એમ પણ લાગે છે કે બન્ને વચ્ચે લવ છે, પણ સૅક્સ છે કે કેમ, નથી ખબર. એક વાત ભૂલી જઉં એ પહેલાં જણાવી દઉં. ઝરમરે પોતાના જેવી એકલ વ્યક્તિઓની એક મંડળી બનાવી છે - ‘સિન્ગલ્’સ સર્કલ. એમાં હાર્દિક પણ છે. સર્કલમાં બધાંને ક્હૅતી હોય છે, ‘દુનિયામાં પરણેલાં ઘણાં છે, કપલ ઘણાં છે, પણ એથી બમણાં સિન્ગલ્સ છે’. ક્હૅતી હોય છે, ‘પરણેલાં વર્સ્ટ છે, કપલની કમ્પેરમાં સિન્ગલ્સને હું ઇન્નસન્ટ ગણું છું.’ કાયમ કહેતી હોય, ‘ઍનિવેઝ, માય ઇન્નસન્ટ ગાયઝ, આઈ લવ યુ વૅરિ મચ...
છેવટે બન્ને બાગમાં પ્હૉંચ્યાં છે.
હું એમ ક્હૅતો’તો કે ‘રીસાઇ તું છો, છોકરી તું છો’. "જોતો નથી? દેખાય એવું તો છે." "સાંભળ" "કરેક્ટ યૉરસૅલ્ફ, હું ગુસ્સે હતી" "ભલે, ગુસ્સે હતી, બસ? હવે સાંભળ, એ એના પૉર્ચમાં હતી, વેસ્ટ વીણતી’તી. મને જોઈને ઊભી થઈ ગઈ કેમકે ટૂંકા શૉર્ટમાં હતી" ‘ગુડ મૉર્નિન્ગ’ ‘ગુડ મૉર્નિન્ગ’ ‘વ્હૅર ઇઝ યૉર પાર્ટનર?’ હું સમજેલો નહીં, એ ક્હૅ, ‘યૉર લાઇફપાર્ટનર.’ મેં કહેલું, ‘નો વન’ ‘સૉરિ સૉરિ, બાય ધ વે આયૅમ સોહા’ ‘આયૅમ હાર્દિક’. પછી હું મારા રસ્તે ને એ એના." "સમજી ગઈ ... હાર્દિક, છોકરીઓ શૉર્ટ પ્હૅરે પણ ટૂંકાંં કેમ?" "તું જ ક્હૅ ને, "છોકરાઓને લલચાવવા, ઉત્તેજાય બચારા" "બચારા શું કામ?" "કેમકે દયા આવે" "છોકરાઓની કે છોકરીઓની?" "આઈ ડોન્ટ નો" "નો, યુ નો!" "હાઉ?" "તેં ટીશર્ટ પ્હૅર્યું જ છે ને!" "હા પણ, જીન્સ પર." "પણ ટીશર્ટ." ... "ચલ, છોડ!"
બન્ને પોતાના ભાગે આવેલો રસ્તો જોતાં ચાલતાં રહ્યાં.
"પણ એ ક્હૅ કે ‘આજે સોહા મળી’, એમ લખ્યું કેમ?" "બસ એમ જ" "જો હાર્દિક, મને મૂરખ ન સમજીશ" "શક્ય જ નથી, સર્કલનાં બધાં ડરે છે તારાથી, તને વાઘણ કહે છે" "હા, છું જ" "પણ મને નથી લાગી" "એ તારી અન્ડરસ્ટૅન્ડિન્ગનો મામલો છે." એ કશુંક બોલવા વિચારતો’તો ત્યાં ઝરમર બોલી, "સામે જો, જીવીબેન આવે છે, મને સમજાતું નથી કે હમેશાં નતમસ્તકે કેમ ચાલે છે" "એમને એમ ફાવતું હશે" "ના, પરણેલાં છે...’લગ્ન’ જેવો વાહિયાત શબ્દ મને એટલો તો ચીડવે છે, થાય છે કે ફોડીને કૂચો કરી નાખું" "હમણાં જ ફોડ! વાર શું કામ કરે છે?" "પરણેલાંઓની, મને ચિન્તા બહુ થાય છે, હાર્દિક." "સિન્ગલ્’સ સર્કલ’ પાસે સમાજસેવા કરાવ, કૅમ્પ ગોઠવ" "ના -
હાર્દિકને છીંક આવી. બન્ને, બાજુ પર ઊભાં. ઝરમરે પર્સમાંથી ઍલચી કાઢીને એને ફોલી આપી, "આ કણ ચાવી જા". એ ચાવવા જતો’તો ત્યાં એને ફરીથી છીંક આવી. "નાઉ, મારાથી જરા છેટો ચાલજે" "છેટો? ઇમ્પૉસિબલ." હાર્દિક કણ ચાવતો રહ્યો.
"મારાં પડોશી પોચમ્મા બાલ્કનીમાં ઊભાં ઊભાં બસ આકાશને તાક્યા કરે છે." "ભગવાનને શોધતાં હશે...એમાં તને શું થાય છે?" "બચારાંની આંખો સૂરજના તેજમાં અંજવાઇ જાય, લૂછ્યા કરે. એમનો વર કંઈ ન કરે, ભૂરી લીટીઓવાળા લીલા જાંગિયામાં ફર્યા કરતો હોય, ઉપર મૅલું ગંજી લબડતું હોય -- "કેમ છો જીવીબેન?" "ઠીક છે" બબડીને જીવીબેન ચાલતાં થયાં. "જોયું? જરાક વાત કરવાનો ય રસ નથી રહ્યો. મારાં સવીમાસી વિશે કહું." "કોને કોને વિશે કહીશ, હવે બસ કર." "મંગળા, રાજભોગ, શયન, એકોએક દર્શન માટે મન્દિરે આંટા મારે છે, મુખિયાજી જોડે એમને કંઈક હશે, તને શું લાગે છે?" "હોય પણ ખરું, ન પણ હોય." "જો એમ હોય તો તો સારું જ, પણ, આ પરણેલાંઓનો પ્રૉબ્લેમ શું છે, ખબર છે તને?" "ના." ... "ઑર્ગેઝમ!" "ખબર છે, એ વિશે સર્કલમાં તે દિવસે તું તારી શિષ્ટ વાણીમાં દીર્ઘ પ્રવચન આપી ચૂકી છું." "એમાં પુરુષ, જવાબદાર -- "ને ભોગ બને છે, સ્ત્રી, બસ? આગળ નથી સાંભળવું!" ... ... "હું તને ક્યાં કહું છું" "તો પણ નથી સાંભળવું!" ... ... "ઓકે. સવીમાસીના જમણા ચમ્પલનો અંગૂઠો એક છેડેથી નીકળી ગયો છે ને એડીઓ તો ઘસાઈને લીસ્સીલસ થઈ ગઈ છે" "જો ઝરમર, પાર્કમાં આપણે ચાલવા આવ્યાં છીએ. તારી માસી પડી જાય એ પહેલાં નવી ચમ્પલ લાવી આપ ને! ... અથવા એમને પડી જવા દે, બીજું શું!" "તું નિષ્ઠુર છું" "તું ક્હૅ છે તો છું, પણ તારી આવી વાતોથી મને કંટાળો આવે છે ... ચલ, ઘેર પાછાં." ... ... ઝરમર ચૂપ રહી.
"ભલે, બૅન્ચ પર બેસીએ બે ઘડી?" "હું ઊભી રહીશ."
હાર્દિક બેઠો. એને બગાસું આવ્યું, પૂરું કરીને બોલ્યો, "ઝરમર, મને સોહા જેવી જૈફ ઉમ્મરની સ્ત્રીઓ જ હૅલો-હાય કરે છે, એવું કેમ?" "તને કહું હાર્દિક, મને પણ પોચમ્મા જેવી ખખડધજ બધીઓ જ, કેમ છો મજામાં કરે છે ... કોઈ પુરુષે કદી હાવાર્યુ કહ્યું નથી." "એ માટે તું ઝૂરે છે?" "શેને માટે?" "મેલ-જૅન્ડર" "નો! ચૂપ રહૅ! ... "એવું છે, એ બધાં આમ મળે ને આમ ચાલી જાય, પાસર-બાય કહેવાય, જેમ આપણે - "જો ઝરમર, સિન્ગલ્’સ સર્કલમાં તું લોકોમાં આવી ઘર કરી ગયેલી વાતો કરે છે, ને ‘નો મૅરેજ’ કે ‘ઇફ નો ઑર્ગેઝમ’ જેવા ચવાયેલા સબ્જેક્ટો પર વિચારો ભરડે છે ત્યારે એ બધાં તને હસાહસ કરતાં સાંભળી લે છે, એ વખ્તે હું તારી સાઇડ લઉં છું, પણ હાલ મને માફ કર."
હાર્દિક હાથ જોડી રહ્યો ... ભલે ભલે, બોલીને ઝરમરે હાર્દિકની હથેળીઓને છૂટી પાડી ને હાથને સીધા નીચે કરી આપ્યા. એ પણ બેઠી. "હું વિચારો નથી ભરડતી, એ મારી કન્વિક્શન્સ છે, ભરડવું? શબ્દ પાછો ખૅંચ!" એટલાંમાં એક ચણાચોરગરમવાળો આવ્યો ને અટક્યો. "હાર્દિક, ચોરગરમ તારે ખાવા છે?" "ના. તારે?" "ના. ભાઈ જા, નથી જોઈતા."
ચોરગરમવાળો ન ગયો, આઘેથી જોતો રહ્યો.
"ચલ છોડ, સોહા આજે મળી એમ તેં લખ્યું તે કેમ? આગળ શું?" ... તારા ચણા અમારે નથી ખાવા ભાઈ, જા ને." એ મૉં બગાડીને ચાલી ગયો. "અરે, લખતાં લખાઈ ગયું, આગળ શું હોય?" "ના, તું કોઈકને ઝંખે છે." "શોધી કાઢ એ કોઈકને, આપણા શ્હૅરમાં જ છે." "તું લખતાં લખી નાખે એ હું ન માનું." "તારે જે માનવું હોય એ" "મારે માનવું નથી, જાણવું છે." "આર્યુ જૅઍઍલસ!?" "યસ! સૉર્ટ ઑફ, હાર્દિક, એમ બૂમ કેમ પાડે છે, ધિસ ઇઝા પબ્લિક પ્લેસ!" ... ... "ઓકે. તું મારા મૉંમાંથી શું બોલાવવા માગે છે?" "તારે જે બોલવું હોય." "જો ઝરમર, મને ગુસ્સે ન કર." "તું છું જ." "શું?" "ગુસ્સે." "જીભાજોડી મેલ." "આ તું હમેશાં ક્હૅતો હોઉં છું." "તો શું કહું?" "લેટ’સ ગો હોમ." "યસ."
બન્ને ચૂપચાપ પાછાં વળી ગયાં. બાગમાં લોકો મજાઓ કરતાં’તાં. હવામાં બાળકોની કિલકારીઓ ઊડતી’તી.
ઘેર પ્હૉંચીને હાર્દિક વળી ક્મ્પ્યૂટરમાં ઘૂસી ગયો. કંઈક ખાવાનું બનાવવા ઝરમર કીચનમાં પેસી ગઈ. કીચનમાંથી બોલી, "હાર્દિક, મને સાચું ક્હૅ, તું મને ચાહે છે?" સવાલ અસ્થાને છે, એમ બોલતો હાર્દિક ઝરમરને પાછળથી વળગીને કહી રહ્યો, "હું તને પૂછું ઝરમર કે તું મને ચાહે છે - "તો હુું પણ કહેવાની કે સવાલ અસ્થાને છે" "તો કયો સવાલ સ્થાને છે?" "એ જ કે તું કો’ક જોડે જોડાઈ જા." "પછી તું શું કરીશ?" ઝરમર હાર્દિક તરફ થઈને બોલી, "ભજન."
બન્ને એકમેકને તાકી રહ્યાં.
"તું કાવર્ડ છું." "કાવર્ડ?" હાર્દિક ઝરમરના કાન પાસે બોલ્યો, "તું મારામાંના મર્દને ઇચ્છે છે?" "યસ." "લેટ’સ હૅવ ઇટ ટુનાઇટ." "આ પણ બહુ વાર સાંભળી ચૂકી છું." "એ માટે તેં કદી હા પાડી?" "આજે મારી હા છે, જોકે મને તારા પર ભરોસો નથી." "ભરોસો રાખવાની ચીજ છે."
"એક વાત કરું?" "વાતો સિવાય છે શું તારી પાસે?" "જો, મારે કશો હિસ્ટરી નથી" "આ પણ બહુ વાર સાંભળી ચૂકી છું. સ્ટોરી તો હશે ને" "હા. મારા જીવનમાં કોઈક છે" "તું મને જેને આ શ્હૅરમાં શોધી કાઢવાનું કહ્યા કરે છે, એ?" "હા. મને એની ચાલ ગમે છે, હું એની જોડે મનોમન વાતો કરતો હોઉં છું." ... "એની જોડે સૅક્સ જેવુંં કંઈ?" "નૉટ યટ." "ઓકે, ક્યાં રહે છે?" "અહીં મારી પાસમાં." હાર્દિકે પોતાની છાતીએ હથેળી મૂકી ને એ પર બીજા હાથે ઝરમરની હથેળી મૂકી. "એ કોઈક તે હું?" "યસ." સિલી!" "નથિન્ગ ઇઝ સિલી... ઍન્ડ, સૅક્સ ટુનાઇટ, ગૅટ રેડી." "સાચું નથી લાગતું." "જૂઠું પણ નથી ... તો પ્રૉબ્લેમ શું છે?" "પહેલાં એનો વિચાર બદલાઇ જાય છે એટલે મારો બદલાઇ જાય છે." "એનો એટલે કોનો?" "તારો." "જો એમ છે તો તું સલ્લુ સાથે જોડાઈ જા!." "હજાર વાર કહ્યું એ ગે છે હું નથી." "એમાં શું? વ્હૉટ્ઝ ધ ડિફરન્સ?" "જો ઝરમર, હું બહુ જ ગુસ્સે છું. ડોન્ટ સ્પીક અ વર્ડ!"
ડાઇનિન્ગ ટેબલ પર બન્ને મૂંગાં મૂંગાં જમતાં’તાં. "હાર્દિક, આઇ હૅવ નો જેન્ડર બાયસ. યુ કૅન સ્લીપ ઇન માય બેડ, ઇફ યુ લાઇક." "ગુડ. મને મારા એકલાના લાઇકમાં રસ નથી પડતો." "વૅરિ ગુડ!" હાર્દિક હળવેથી બોલ્યો, "ઝરમર, તું મારી ચિન્તા છોડીશ?" "ના!" "ભલે, તારે જાણવું છે તો જાણ. બાગમાં મને કેટલીયે અવારનવાર મળતી હોય છે, તેમ આ" "તને ખરા અર્થમાં કોઇ મળ્યું જ નથી કેમકે તું બીધેલો છું." "નો, નોઅ! આયેમ નૉટ!" એમ બોલવાથી ફેર નહીં પડે, એ તારી ફૅન્ટસી હતી." "એટલે, નથિન્ગ રીયલ?" "યસ! ... ચલ છોડ, સાંભળ, તને મારી વાત કરું. અમારો વૉચમૅન મને ગમવા લાગ્યો છે." "તો જોડાઈ જા ને." "હા પણ બચારાની નૉકરી જાય. એમ તો એક જયન્ત છે, મારાથી બહુ નાનો, પણ છે રૂપાળો." વ્હાલો કરીને રાખી લે ને, એમ બોલતો બોલતો હાર્દિક બાલ્કનીમાં ચાલી ગયો. ત્યાંથી બોલ્યો, "એ તારી પણ ફૅન્ટસીઝ છે".
"હું ચા બનાવું." "મારે નથી પીવી." મેં ક્યાં કહ્યું કે આપણા માટે બનાવું, એમ બોલતી બોલતી ઝરમર ચૂપ થઈ ગઈ.
"તું ચા બનાવે એ દરમ્યાન હું સિગારેટ પી શકું?" "સવાલ અસ્થાને છે." હાર્દિકે સિગારેટ સળગાવી અને ઝરમરને ઊંચા અવાજે પૂછ્યું - તું પીશ મારી જોડે? "તારી જોડે નહીં ... બે જણાં એકબીજા સામે ધુમાડા કાઢતા હોય એ કેટલું ભદ્ધું લાગે?" "તું ક્યારે પીએ છે?" "મધરાતે, બારીએ ઊભીને તારાઓ ભણી રિન્ગો ઉડાડું છું." "આ તો તેં મને ક્યારેય કહ્યું નહીં." "તેં ક્યારેય પૂછ્યું નહીં!"
ચાનો પ્યાલો લઈને ઝરમર હાર્દિકની બાજુમાં ઊભી રહી ગઈ. "તું કેટલી બધી વાર ગુસ્સે છું ગુસ્સે છું, બોલે છે." "ખાલી બોલતો નથી, હોઉં છું." ... ઝરમરે હાર્દિકના હોઠમાંથી સિગારેટ ખૅંચી ને બ્હાર ફૅંકી દીધી. "કોઈને દઝાશે." "ચૂપ રહૅ, મારી સોસાયટીમાં કોઈને કશુંય દઝાતું નથી." ઝરમર એમ બોલતી’તી એવામાં હાર્દિકે ઝરમરના હાથમાંથી પ્યાલો લઈને ચા ફ્લાવરવાઝમાં ઢોળી દીધી.
ઝરમર અદબ વાળીને ઊભી."સરસ, સાટું વળી ગયું, આગળ શું કરવું છે?" "તું જે ક્હૅ એ." "મેં પૂછ્યું, આગળ શું કરવું છે." "મેં કહ્યું, તું જે ક્હૅ એ." "હું શું કહું ઝરમર, જો ને, સવાર સવારમાં તારી પાસે આવું એટલે ખીલી જાઉં છે, કે શું કહું ...?... "બરાબર છે, બટમોગરો સવારે જ ખીલતો હોય છે." "તારાં શાણાં પ્રવચનોમાં હવે ફૂલો પણ આવવાનાં." "પોયણી રાતે ખીલતી હોય છે." "હું તો એમ કહેવા જતો’તો કે પછી ધીમે ધીમે મારો મૂડ બગડવા માંડે છે." "એટલે મારો પણ બગડે છે." "ઇલાજ શો?" "ઇલાજ .... ....
"મને લાગે છે કે આજે આપણે ફૅંસલો લાવી દઈએ." "હાર્દિક, ચણાચોરગરમવાળો આઘેથી શું જોતો’તો?" "તું રૂપાળી છું એ જોતો’તો." "તને કેમની જાણ છે કે - "તું રૂપાળી છું, પણ આજે આપણા સમ્બન્ધની વાતનો ફૅંસલો લાવી દઈએ. આયૅમ ક્લોઝિન્ગ અવર રીલેશનશિપ." "મેં તને કેટલીયે વાર કહ્યું છે હાર્દિક કે તું આપણા સમ્બન્ધને ક્યારેય ક્લોઝ કરી શકે નહીં, તારામાં એ હિમ્મત જ નથી." "હિમ્મત તો છે પણ મને દયા આવે છે." "કોની?" "તારી." "તું મારી દયા ખાય છે, વ્હૉટ નૉનસેન્સ!" "ના, મેં વાઘણની મજાક કરવાનો ટ્રાય કર્યો... ઇટ વૉઝ માય મિસ્ટેક... હું જઉં." "ક્યાં?" "ઘરે." "હું તને રોકું નહીં ... ઓકે...જા. તું તારી બૉડમાં, હું મારી બૉડમાં; જાનવરની જેમ વાગોળ્યા કરજે સમયને." "તું શું કરીશ?" "હું તો ઊંઘી જઈશ." "વાઘ પ્રજાતિના લોકો ઊંઘતા નથી એમ સાંભળ્યું છે." ઝરમરે હાર્દિકને બાંયેથી ખૅંચીને કાઉન્ટરના અરીસા સામે ખડો કરી દીધો. "જો, શું દેખાય છે?" "તું ને હું જોડે જોડે છીએ." .... "ના, જોડે છીએ એ ભ્રમ છે. એક છે, ઊંઘ વગરના ચ્હૅરાવાળી યુવતી ને એક છે, ફિક્કા ચ્હૅરાવાળો યુવક."
"ઝરમર, એવું બધું ખરેખર તો તારા અરીસાને કારણે લાગે છે." "હા પણ દરેક અરીસો સત્ય ક્હૅતો હોય છે. એક સત્ય આ પણ છે - ગઈ કાલે નૅપ લેવા સૂતી ને મને પાછલી રાતનું સપનું સાંભર્યું, હું એના છેડા ખૉળવા લાગી, ફરી જોડાઈ જવાય, પણ ન જડ્યા. એક સત્ય આ પણ છે - નાનપણથી મને પત્તાંનો મહેલ બનાવવાનું બહુ ગમે, બન્ને હાથ ભેગા કરીને એને હું પોલું પોલું ભેટી રહું, પડી ન જાય, બચ્ચીનો બુચકારો બોલાવું. પણ ક્યારેક મારા જ નિસાસાનો હડસેલો વાગતાં કડડભૂસ થઈ જાય છે." બચ્ચી નૈં કરતી હોઉં ને આવા બધા વિચારોના લચ્છા વાળ્યા કરતી હોઇશ, એમ હાર્દિક બોલતો’તો, એ વખતે ડોરબેલ વાગ્યો.
ડોર હાર્દિકે ખોલ્યું તો જોયું કે કોઈ હાથમાં સેવન્તીનો ગજરો લઈ ઊભો છે. "મૅડમ નહીં હૈ?" પાછળથી ઝરમર બોલી, હૂં હૂં. "યે લાયા, તુમ્હારે લિયે." ઝરમરે હસીને ગજરો લીધો. એ ગયો એટલે ડોર બંધ કરતાં બોલી. "હું વૉચમૅન ક્હૅતી’તી, તે આ. કેવો લાગ્યો?" "એણે તને ‘તુમ્હારે’ કેમ કહ્યું?" "કેમકે મેં ‘આપ કો’ ક્હૅવાની ના પાડી છે." "ઓકે, ગજરો કેમ?" "મેં મગાવ્યો’તો, એને એમ ગમે છે, ઇટિઝ સો નૉર્મલ" "પેલો બહુ નાનો રૂપાળો જયન્ત ક્યારે આવે છે?" "હું બોલાવું ત્યારે." "પણ ક્યારે?" "ગમે ત્યારે." "પણ ક્યારે?" "હું બોલાવું ત્યારે." "પણ ક્યારે?" કહ્યું ને હું બોલાવું ત્યારે ... હું કોઈને બોલાવતી નથી ... તારા વિના કોઈ આવતું નથી, એમ બોલતાં બોલતાં ઝરમર ભૉંય પર બેસી પડી...
"આર્યું ઓકે?" "યસ." "મને લાગે છે, આઈ મસ્ટ ગો નાઉ." "આટલી બધી જૅલસી?" "નો ઇટિઝ ડિસ્ઘસ્ટિન્ગ." "માઇન્ડ યૉર લૅન્ગ્વેજ હાર્દિક, તારે શાન્ત પડવું જરૂરી છે." "ના મારે જવું જરૂરી છે." "ટુનાઇટનું શું?" "આઈ ડોન્ટ નો."
ઝરમર ગજરો કશે મૂકવા ગઈ એ દરમ્યાન હાર્દિક નીકળી ગયો.
રાત પડવામાં હતી. તો પણ સોસાયટીની લાઇટો થઈ ગઈ’તી. આખા દિવસને યાદ કરતી ઝરમર ‘ઓમાઆ’ કરતી પલંગમાં ફસડાઇ પડી. ક્યાંય લગી પડી રહી. પણ પછી એને પ્લાન સૂઝ્યો, એકાએક બેઠી થઈ ગઈ, ને એણે હાર્દિકને ફોન જોડ્યો. હાર્દિકે લીધો.
"તારા ગયા પછી મને તારી એકલતા ઊંડી ખાઈ જેવી લાગી ને થયું કે તું એમાં છું." " આગળ?" "મને લાગે છે જીવનમાં તું એકલો રહી જઈશ." "આગળ?" "ડિપ્રેશનમાં જતો રહીશ. હજી તો તારે કેટલાં બધાં વરસો બાકી છે, કેમ કરીને કાઢીશ?" "ઝરમર, તારેય ઘણાં કાઢવાનાં છે. તારી એકલતાની ચાદર મને શું કામ ઓઢાળે છે?" "ના ના, એને તું ચાદર કહે છે તો ભલે, પણ મારી છે ને એથી મને તો હૂંફ મળે છે. વાત તારી છે." "તો શું કરું?" "શર્મિ જોડે કનેક્ટ થઈ જા, શર્મિ ઠીક ના લાગે તો રૂપલ સાથે ને રૂપલ ના ગમતી હોય તો --
હાર્દિકે ફોન કટ કરી દીધો. ઝરમરે ફરી જોડ્યો. "તો, શર્મિ બરાબર છે; બરાબર ને?" "ઝરમર, તારું ખસી ગયું છે." "ના, મારું ઠેકાણે છે." "પણ તારી આ બોગસ વાતોમાં તો બુદ્ધિની બરબાદી છે." હાર્દિકે ફરી ફોન કાપી નાખ્યો.
ઝરમરે મૅસેજ મોકલ્યો : ‘આવતી કાલે સાંજે હમ્મેશની જેમ બધાં મળવાનાં છીએ, મીટ ટાઇમ, સાંજના ૭.૩૦, તું આવી જજે, આવી જ જજે. મૅસેજ ‘સિન્ગલ્’સ સર્કલ’ને પણ મોકલ્યો છે.
+ +
ઝરમરનું બૅકયાર્ડ સરસ છે. વચ્ચે ફુવારો છે. ચાર જગ્યાએ નાની લાઇટો છે. આછા પ્રકાશમાં જરા ધૂંધળું પણ ગમી જાય એવું વાતાવરણ છે. થોડીક વારમાં મીટ શરૂ થશે. બધાં હજી આવી પ્હૉંચ્યાં નથી, પણ -શર્મિ દવે -રૂપલ શાહ -મોહિત દેસાઈ -ઇન્દુ મહેતા -સોનુ વાણિયા આવી ગયાં છે. બધાં ફુવારાને તાકતાં ઊભાં છે. ચોતરફ છોડવા ઝૂમે છે. ગુલાબી ગુલાબ તો ખરાં જ પણ પીળાં ય છે. બટમોગરો. ઝેનિયા. એક ખૂણે શિરીષ છે. એની આછી માદક સુગન્ધ બૅકયાર્ડને ઊંચકી લે છે. એને અઢેલીને રૂપલ એના સેલફોનમાં લાગેલી છે.
વાતો છંછેડાયેલી મધમાખોની જેમ શરૂ થઈ ગઈ. ખબર ન પડે કે કોણ કોને શું કહે છે. હૅમન્ત મળેલો, ક્હે કે આઈ લાઇક યુ. સરસ, એક દિવસ આઈ લવ યુ ક્હૅશે, મળતી હળતી રહેજે. મારે લગન કરવાં છે, કેમકે લગન સારી વસ્તુ છે. લગન કરાય જ નહીં. લગન હોય ત્યાં લફરું હોય. ઍફ બ્લૉકવાળી કાન્તા સાવ ચાલુ, તે રાત્રે એક વાગ્યા લગી બન્ને લડેલાં. ઍફ બ્લૉકના ચારેય ફ્લોરના એકોએક ફ્લૅટની લાઇટો થઈ ગયેલી. બધાં જાગી ગયાં હશે. હાસ્તો. સવારે જણાયું, હરિભૈ મરેલો હતો, ઝેરી દવા પી લીધેલી. લફરું હશે જ. મેં ના કહ્યું લગન થાય જ નહીં. તે દિવસે ઝરમરમૅડમ પણ ન્હૉંતાં ક્હૅતાં કે પતિ હોય કે પત્ની, લફરું કરે જ કરે --
આવો આવો, અમે તમારી જ વાત કરતાં’તાં. "મારી નહીં આપણી વાતો કરીએ. ચાલો, હું તમને મારો કીચન-ગાર્ડન બતાવું, આ બાજુ તમે કદી આવ્યાં નથી"
બધાં ઝરમરની પાછળ પાછળ ગયાં.
ધ્યાનથી સાંભળો. જુઓ, આ ભીંડો, આ ગુવાર, આ મરચી, જુઓ આ ધાણા…પહેલાં તો બીજ હોય છે - મૅડમ, તમે આજે શાકભાજીશાસ્ત્ર પર - ના, હું કહેવા માગું છું એ ઇન્ટરેસ્ટિન્ગ છે ... તમે લોકો મને મૅડમ ક્હૅવાનું ક્યારે બંધ કરશો? દરેક મીટિન્ગમાં કહું છું ... પણ, ઓકે ... હું એમ ક્હૅતી’તી કે આપણે પહેલાં તો બી હોઈએ છીએ. પણ એમાંથી ... તું બની, શર્મી. તું થઈ, રૂપલ. તું થયો, મોહિત. તું ઇન્દુ. તું સોનુ - વેઇટ વેઇટ સલ્લુ નામનું બી હજી ફૂટ્યું જ નથી. અબે ઓય! જીભ સખણી રાખજે. હાસ્તો, સલ્લુભાઈ માટે એમ ન બોલાય. રૂપલ સલ્લુ ભણી સરકી. શર્મી બબડી, સલ્લુમાં જાણવાનું શું, એ તો ગે છે. પછી ચૂપ રહી. થોડી વાર માટે બધાં એક સન્નાટો તાકી રહ્યાં. મુઝે કોઈ ફર્ક નહિ પડતા. અરે, લડાલડી ના કરો ને, આપણે ઝરમરમૅડમને, સૉરી, ઝરમરબેનને - તારાં, બેન ક્યારથી - રાઇટ, મને ખાલી ઝરમર ક્હૉ. કોઈ ફુસફુસાહટમાં બોલ્યું, એમને !? વાઘણ છે વાઘણ, ટીશર્ટ પરનું પિક્ચર જો. વાંધો નહીં, જોયું જશે. ઝરમર, જસ્ટ ફૉરા ફન, તમારું બી, આઈ મીન, ઝરમર ઝરમર થયા કરો છે એટલું જ કે વરસ્યાં છો ક્યારેક? હું નહીં વરસું. મારું બી ફૂટ્યું નથી. કોણે દાબી રાખ્યું છે? ના, એમ નથી. સૂકાઇ ગયું છે? ના એમ પણ નથી. કોઈએ પાણી નથી પાયું? કદાચ. તો હાર્દિકને કહીશું કે પાય, રોજજે પાય. નો, એ પાય, આઈ ડોન્ટ નો ... એ તો આવશે એટલે ખબર પડશે, પૂછશું. પણ હજી કેમ નથી - રસ્તામાં હશે. હું એને ફોન કરું, કહીને ઝરમર ઘરમાં ગઈ.
બધાં પાછાં બૅકયાર્ડ બાજુ ગયાં.
આ ઝરમર તો ગાંડાં છે. એમને આપણા બધાં માટે વ્હાલ બહુ છે. વ્હાલ છે એમ ન બોલ, વ્હાલ ઉભરાય છે એમ બોલ. શી ઇઝ વન્ડરફુલ. યસ, શી ઇઝ વૅરિ ઇન્ટેલિઝન્ટ. હા, તે દિવસે ઑર્ગેઝમની કેવી સરસ વાત કરેલી. ઓ શાણી, લે આ ગરમ ગરમ સમોસું ખા, બધાં માટે લાવ્યો છું, બધાંને આપ. ને હું બધાં માટે થમ્પ્સ અપ લાવી છું. પણ કૅન કેવી રીતે ખોલવાનું? ડોબા! એટલું નથી આવડતું? સીલ તોડવાનું હોય. પીવાનો તો શી રીતે? એણે તોડી આપ્યું.
એટલાંમાં આવીને સૌ સાથે ઝરમર પાછી જોડાઈ ગઈ.
"તમેએએ?" " કેમ શું છું હું?" "તમારા ટીશર્ટ પર વાઘનું માથું છે." "તમે લોકો મને વાઘણ કહો છો, ગમે છે, પણ હું એ નથી." "તો?" "હું તો નાની મ્યાઉં છું." હા સફેદ ગોરી. રમા ઝરમરના ગાલે ચીમટો ભરી લે છે. "અરે! ઠીક."
હું એને ફરી ફોન કરું, લાગતો નથી, આવી, બોલતી ઝરમર ફરી ઘરમાં ગઈ.
એટલાંમાં બાકી બધાં આવી ગયાં. સાચમાચમાં ડ્રિઝલિન્ગ છે. તું ઝરમરને ડ્રિઝલિન્ગ ક્હૅ છે? હા, કદી કોઈ પર વરસ્યાં નથી, ઝરમર્યા કરે, સામેનું જન ભીનું થાય જ નહીં. રૉન્ગ રૉન્ગ. હાર્દિકને પૂછશું. આવે કે તરત જ પૂછું. એવામાં કોઈને સંભળાય નહીં એમ શ્રેયા બોલી, શોભના સાલી મને ક્હૅ, તું લેસ્ છું, મને બચ્ચી કરવા માગતી’તી. મેં એને થપ્પડ મારી દીધેલી. આવો જગતાપ. જગતને ઓછું તપાવો યાર, આવો. મારી અટક ને નામ મળીને ૧૩ અક્ષર થાય છે, ૧૩ મારા માટે લકી નમ્બર છે. હું અરવિન્દ ખારાઘોડાવાલા છું. અક્ષર ૧૦ થાય છે, તારું ગણિત કાચું છે. અમારા બ્રેકઅપ પછી હું તો બધાં કપડાં કાઢી નાખીને, પૂર્ણતયા નગ્ન. વેઇટ, તું કવિ પણ છું? થોડોક. કૅરિ ઑન. આખા શરીરે અન્ધકાર ચોળું, મસાજ, ને પછી સ્મરણોના કાટમાળમાં આળોટ્યા કરું. વાગતું બહુ હશે. લોહીલુહાણ થઈ જવાય. પછી? પછી તો શું? એ ત્યાં ને હું અહિયાં. અહિયાં? ના ના, મારે પોતાને ત્યાં. પેલો ઍસહોલ મને ક્હૅ હું અનિરુુદ્ધ છું પણ નિરોધમાં માનું છું. વ્હૉટ? કૉન્ડોમ! અવર સ્ટોરી એન્ડેડ ધૅર, ઇડિયટ! પેલો રમણ સાલો ક્હૅ, હું તને ઍમ્પાવર કરીશ. એ ઊભો ત્યાં. ક્યાં? જુહીની બાજુમાં. મારું નહીં તારું ગણિત કાચું છે, એટલે તો તને જ્યોત્સના છોડી ગઈ. એક હરામી મને ક્હૅ, હવે તું પાંચાલી થઈ. કેવી રીતે. મારાં ચાર બ્રેકઅપની એને મેં દિલથી વારતા કરેલી. પાંચમો કોણ છે? જવા દે ને. એ ગધનો મારી કમર પકડીને મને દબાવવા જતો’તો, મેં તરછોડી નાખેલો.
સાંભળો સાંભળો કરતી ઝરમર આવી ને બોલી, આજની મીટ કન્ક્લુડ કરીએ એ પહેલાં આજનો એજન્ડા. પણ હાર્દિક? "ફોન નથી લાગતો. આજે તમે બધાં એકબીજાં જોડે ડિસકસ કરીને પોતપોતાનો લાઇફ પાર્ટનર નક્કી કરી નાખો." કેમ? એવું કેમ? "બસ એમ. ક્યાં લગી આમ ને આમ એકલાં?" ના મારી તો ના છે. મારી પણ ના છે. મારી પણ. અમારા બધાંની ના છે. છીએ તે જ બરાબર છે. વધેલા સમોસા ને થમ્પ્સ અપ માટે બધાં આઘાંપાછાં થવા લાગ્યાં. કોઈ ખાતાં ખાતાં, તો કોઈ કૅન ખોલતાં ખોલતાં, કોઈ પીતાં પીતાં બોલ્યું, ખરી વાત, છીએ એમાં શું ખોટું છે? ખોટું ય નથી ને ખૂટતું ય નથી. હા બધું બરાબર છે, હા એ જફા ના જોઈએ. છીએ તે જ ઠીક છે. બિલકુલ. પછી તો આમ મળાય બી ના, ખરું કે નહીં? બિલકુલ ખરું.
"સો, ઓકે, આઈ ગૉટ ઇટ, નોબડી વૉન્ટ્સ. ક્લીયર?" યસ, ક્લીયર નોબડી વૉન્ટ્સ. "તો ભલે આપણું આ સર્કલ ચાલુ રહેશે." હા. હા. જરૂર, અફકોર્સ ચાલુ રહેશે. "સૌને ગુડ નાઇટ." હા અમે પણ નીકળીએ. ગુડ નાઇટ. "ગુડ નાઈટ."
આમ આપણે બધાં મળતાં રહીશું, બીજું શું. હા બીજું શું. બીજું શું, બીજું શું બબડતાં બબડતાં સૌ પોતપોતાને રસ્તે પડી ગયાં.
+ +
હાર્દિક આવ્યો નહીં એના ચચરાટને પંપાળતી ઝરમર બારીએ ઊભી હતી. એને સિગારેટ પીવી’તી. એટલાંમાં લાઇટો ગઈ. સોસાયટીમાં અંધારું, ઘરમાં અંધારું. પણ મેઇનડોર પર ટકોરા પડ્યા. સાંભળીને ઝરમર દોડતી ગઈ. હાર્દિક હતો. "આયૅમ સૉરિ, ઍક્સ્ટ્રીમ્લી સૉરિ." ઝરમરને સૂઝ્યું નહીં કે ક્હૅવું શું. એણે હાર્દિકને જોશમાં ચુમ્બન કર્યું. હું આવી, કરતી ગઇ ને સિગારેટનું પૅક ને લાઇટર શોધી લાવી. એણે પોતા માટે સિગારેટ હોઠમાં મૂકી ને સળગાવી, એથી હાર્દિકે પોતાની સિગારેટ સળગાવી. ઝરમર બોલી, "ટુનાઇટ?" "યસ ટુનાઇટ, હાર્દિક બોલ્યો. બન્ને સાથે બોલ્યાં - "પણ પહેલાં આ."
અંધારામાં લાલ ટપકાં વધારે લાલ દેખાયાં ને ધૂમાડાની ઝીણી સૅરો લ્હૅરાતી રહી.
પછી તો જે થવાનું છે તે થશે જ એમ વિચારતો હું મારા રસ્તે પડ્યો.
= = =
સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ
= = =