સાહિત્યિક સંરસન — ૪/બાકોરું
દિવ્યા જાદવ
ખંડેરની આંખ ખૂલી કે તરત જ ગઈરાતે અટકેલા વિચારોનો પ્રવાહ ફરીથી શરૂ થયો. પોતાના બંને હાથની હથેળી સામે એણે જોયું. આંગળીનાં વેઢાંઓને આંખોથી ગણતો હોય એમ એ કેટલીય ઘડી બેસી રહ્યો. મનમાં એક બે ત્રણ…. ગણતો ને વળી ગણતરી ભૂલી જતાં પોતાની જાત ઉપર ચીડાઈને હથેળીને જમીન ઉપર પછાડતો. મગજમાં હજી પણ "કેટલાં?" એ પ્રશ્ન પેટમાં આવતી ચૂંકની જેમ વારે વારે ખૂંચ્યા કરતો હતો. એણે ઝૂંપડીના ખૂણે નજર કરી. માએ કોથળામાં પડેલ બાકોરા ઉપર થીગડું મારી દીધું હતું. આવા નાનાં નાનાં બાકોરાં તો કોથળાની આડશ કરીને બનાવેલી ઝૂંપડીમાં ઘણી જગ્યાએ પડેલાં હતાં. ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો જ બાકી હતા. એવામાં મા કેટકેટલી જગ્યાએ સાંધા કરશે? ખરબચડી જમીન ઉપર બાકોરાંમાંથી ઘૂસી આવતા તડકાનાં ચગદાં દેખાતાં હતાં. એણે ફરી આંગળીનાં વેઢાંઓને ગણવાનું શરૂ કર્યું. હાથમાં કંઈક ખૂંચ્યું. વેઢાં ગણતો હાથ સ્થિર થયો. ગણતરીમાં વિક્ષેપ પડ્યો એટલે એના ચહેરાની રેખાઓ બદલાઈ. એણે ચચરાટની જગ્યા ઉપર બીજો હાથ ફેરવ્યો. ‘આમ તો કેમની ખબર પડશે? આ રીત જ ખોટી છે. તે દિવસે સંસ્થાવાળા બહેને ગણતરી કરતાં તો શીખવાડ્યું હતું. તો યે આજે ભૂલ કેમ થાય છે?’ એ પોતાને જ સવાલ પૂછતો. એ બન્ને હાથનાં વેઢાંને ધ્યાનથી જોવા લાગ્યો. “આમ તો કેમ ખબર પડશે?” ફરી ફરીને આવતા એક જ વિચારે એનાં મગજને ઘેરી લીધું. એણે એક હાથનાં આંગળાનાં વેઢાંને દસ સુધી ગણવાનું શરૂ કર્યું. બીજા હાથનાં વેઢાંમાં દસ દસની ગણતરીનો હિસાબ રાખવા લાગ્યો. હજી તો માંડ એ બસોએ પહોંચ્યો કે ગણતરીમાં ભૂલ પડ્યાનો વિષાદ એના ચહેરા પર ઊપસી આવ્યો. ખૂણામાં પડેલાં સિક્કા ભરેલ તંબાકુનાં ડબલાને એણે ગોદડી ઉપર ઠાલવ્યું. સિક્કાઓનો નાનકડો ઢગલો જોઈને એ બબડ્યો, ”આટલા બધા સિક્કા છે તોયે માંડ સાતસો થાય છે. તો પાંચ હજાર એટલે કેટલા? મારે હજી કેટલા સિક્કા ભેગા કરવા જોશે? સિક્કા નહીં તો નોટ, પણ આજકાલ પગે પડીને આજીજી કરીએ તો ય ભાગ્યે જ એકાદ દસની નોટ હાથમાં આવે છે. ‘ગટુ તળાવ પાંહે આવેલા મહાદેવનાં મંદિર આગળ બેહવાનું કેતો’તો. શ્રાવણ મહિનામાં આખો મહિનો હ્યાં મેળો ભરાય છે. તે આપણો ધંધો મહાદેવની દયાથી ધમધોકાર.’ એને ગટુએ કહેલી વાત યાદ આવી, “ઇ તો હ્યાં આપણને તિલક કરવા કોઈ ઊભવા નથી દેતું. નહીં તો ચંદન-કંકુ લઈને મહાદેવનાં નામનું તિલક કરી દેવાનું, એમાં તો કેટલી બધી નોટો મળે.” એને થયું કે પોતે હાથમાં ચંદન-કંકુની થાળી લઈને મંદિર આગળ બેસી જાય. ભલે ને કોઈ ના પાડે. બસ ઓણસાલ પૂરતું. એકવાર પાંચ હજાર રૂપિયા ભેગા થઈ જાય પછી ક્યાં જરૂર છે! એણે એની આજુબાજુ પડતા તડકાનાં ચાંદરડાં સામે જોયું. “પછી તો હ્યાં આ ચાંદરડાંય નહીં દેખાય. ઈ ઘર જ…” એ જાણે તે જગ્યા ઉપર પહોંચી ગયો. સિમેન્ટ પ્લાયના ટુકડાઓથી બનેલી પાક્કી દીવાલોનો સફેદ-લીલો રંગ, એની આસપાસ રમતા ચાંદરડા જેવો લાગ્યો- એકદમ ચળકતો. ‘હ્યાં ક્યાંય બાકોરું નહીં થાય.’ એણે બહારની તરફ નજર કરી. ઝૂંપડીની બહાર મા ચૂલો સળગાવવામાં પડી હતી. ઉધઈ લાગેલા લાકડામાંથી તાપ ઓછો ને ધુમાડો વધુ નીકળતો હતો. ધુમાડાની કાળાશમાં માનો ચહેરો જાણે ગાયબ જ થઈ ગયો હોય એવું લાગ્યું. ‘તે દિવસે આખે આખી મા પણ આમ જ ગાયબ થઈ ગઈ હોત તો!’ - એણે ઊંડો શ્વાસ લીધો. આંગળાનાં વેઢાંઓ સામે અને પછી સિક્કાઓના ઢગલા સામે એણે લાચારીથી જોયું. એને એકાએક દિલાનું ઘર યાદ આવ્યું. આજકાલ આખી વસ્તીમાં દિલાની ઝૂંપડીની જ વાત ચર્ચાઈ રહી છે. દિલો પાંચ હજારમાં એની ઝૂંપડી વેચી રહ્યો છે. પણ એટલા રૂપિયા ક્યાંથી કાઢવા? જાણે એક એક કોથળા, તાલપતરી, નાળિયેરીના તાલાઓની આડશમાંથી આવતા કેટલાય નિહાકા સંભળાતા હતા. “ઈ તો સિમેન્ટ પ્લાયનાં કારખાનામાં કામ કરે છે, તે શેઠિયો એને એમનેમ દઈ દે.” “પણ દિલો બે ત્રણ કલાક વધારે કામ કરવાના પૈસાય ક્યાં લે છે? એટલે શેઠ એટલું તો કરે ને!” ઝૂંપડીઓમાંથી નીકળતા ધુમાડામાં આખી વાત ઊડી જતી. તો કોઈક પાંચ હજાર ભેગા કરવાની વેતરણમાં પડી ગયું. એ દિવસે કામ ઉપરથી ઘરે આવતાં ખંડેરે દિલાનાં ઘર બાજુ જોયું. પાક્કી ઝૂંપડીમાં અજવાળું તગતગતું હતું. એના પગ એ તરફ વળ્યા. “એલા એ બાજુ નંઈ. ઘર ભૂલી ગયો કે હું?” એની પાછળ આવતો ગટુ કહી રહ્યો હતો. એને તો જાણે કંઈ જ સંભળાતું ન હોય એમ એ આગળ ચાલતો રહ્યો. સિમેન્ટ પ્લાયના ટુકડાને ગોઠવીને બનાવેલી દિલાની ઝૂંપડી એને મહેલ જેવી લાગતી હતી. એણે પ્લાય ઉપર હાથ ફેરવ્યો. લીસ્સી પ્લાયમાં હાથ સરકતો જતો હોય એવું લાગ્યું. દિવાલની એક બાજુએ મૂકેલી બારી જોઈને એની આંખોમાં ચમક આવી. એણે બારીમાંથી જોયું. દિલો ખાટલા પર આડો પડ્યો હતો. એક મોટી ઓરડીને બે ભાગમાં વહેંચેલી હતી. જાણે અંદર બીજો એક અલાયદો ઓરડો. આંખો બંધ કરીને આડો પડ્યો હોય ત્યારે દીકરાને સૂતેલો સમજી ઝટપટ કપડાં બદલતી મા યાદ આવી. ત્યારે પોતે સાવ જડ જેવો થઈને આંખો બંધ કરી પડ્યો રહેતો. ઝૂંપડીની બહાર દિવાલને અડીને એક નાનકડી ઓરડી જેવું હતું. તે એ બાજુ વળ્યો. “હ્યાં હું છે? દિલો જોહે ને તો હમજશે કે આપણે ચોરી કરવા આવ્યા છીએ. ને પછે મારશે ઈ તો નોખું.” ગટુએ કહ્યું. “હું જાઉં છું.” એ ગટુના જવાબની રાહ જોયા વગર, તે પાછળ આવે છે કે નહીં એની દરકાર રાખ્યા વગર જ ઉતાવળા પગે ઓરડી તરફ ગયો. નાનકડી ઓરડીમાં પતરાનો દરવાજો જડેલો હતો. અંદર પ્લાસ્ટિકની બે ડોલ પાણીથી છલોછલ ભરેલી હતી. દરવાજામાં લટકતી કડી જોઈને એને પોતાની ઝૂંપડીમાં પડેલું બાકોરું યાદ આવ્યું. પોતે બપોરે ધંધેથી આવતો હતો. બપોરની અસહ્ય ગરમીથી એનું શરીર પરસેવે રેબઝેબ હતું. એ ઘરની સાવ નજીક પહોંચ્યો ત્યારે મા ઝૂંપડીમાં ન્હાતી હતી. એને ફાટેલા કોથળામાંથી માની ખુલ્લી પીઠ દેખાઈ. રસ્તે નીકળતા કેટલાય લોકોની નજર ત્યાં ચોંટી હશે. એને એ વિચારથી જ કમકમાં આવી ગયાં. ‘પાંચ હજાર એટલે કેટલા?’ એ વિચારે એને વર્તમાનમાં પાછો ખેંચ્યો. એક વખત મોટો લાગતો સિક્કાઓનો ઢગલો આજે એને નાનો લાગવા માંડ્યો. એણે બધા સિક્કાઓ ભેગા કરીને ડબલામાં નાખ્યા. ગોદડીનો ગોટો વાળીને ખૂણામાં ઘા કર્યો અને ઝૂંપડીની બહાર નીકળી ગયો. આખી વસ્તી માણસ વગર લગભગ ખાલી થઈ ગઈ હોય એવું લાગ્યું. પોતાની ઝૂંપડીની સામે આવેલી ગોરસ આમલીની નીચે જઈને એ ઊભો રહ્યો - ડોક ઊંચી કરીને આમલીનાં અગણિત પાંદડાઓને ગણતો હોય એમ. જાણે એક એક પાંદડામાં એને સિક્કાઓ અને નોટો દેખાતી ન હોય! પછી થાકીને આંબલીનાં થડ નીચે મૂકેલા પથ્થર ઉપર બેસી ગયો. દૂરથી શહેરની ગગનચુંબી ઇમારતો દેખાતી હતી. “આ ઇમારતો પાંચ હજાર નહીં થતી હોય?” એણે ફરીવાર વેઢાં ગણવાનું શરૂ કર્યું. ખુલ્લી આંખે જાણે એણે આંખું શહેર માપી લીધું હોય એમ એ ઇમારતો, પાણીના ટાંકાઓ, બગીચા, નાની મોટી સોસાયટી, સોસાયટીનાં મકાનો, દુકાનો, મોલ, તળાવ, મંદિર, વૃક્ષો, સિગ્નલ ગણવા લાગ્યો જાણે કે પાંચ હજારની ગણતરી હાથવેંતમાં જ હોય! એ ગણતરી કરવામાં તરબોળ થઈ જવાને આરે હતો કે એની પીઠ ઉપર કાંકરી વાગી. એણે પાછું ફરીને જોયું તો ગટુ હતો. “હું છે?” એણે ગુસ્સામાં કહ્યું. “ખંડેર,” ગટુ બોલતાં અટક્યો. એક નજર ખંડેરની મા બાજુ કરી. એ કામમાં પરોવાયેલી હતી. નહિતર તે દિવસની જેમ આજે પણ કહેત, ‘હવે ઈ મોટો થઈ ગયો છે. હવે એને ખંડેર કે’વાનું નંઈ, એનું નામ કેતન છે.’ એણે ગળું ખંખેર્યું અને ધીમે રહીને કહ્યું, “તું બે દી’થી હું કરે છ, કેમ ધંધે દેખાતો નથી? ને હમણાં તો ઝૂંપડીમાંથી બા’રોય નથી નીકળતો નંઈ” “કંઈ નંઈ, તું જા.” “આજે તું કામે કેમ નો આયવો?” ગટુએ આમલીનાં થડમાં બન્ને હાથ વીંટાળતાં કહ્યું. “કાલે આવીશ. તું અટાણે જા.” એણે વેઢાં ગણવામાં ફરીથી ધ્યાન પરોવ્યું. ગટુ એની હરકત ધ્યાનથી જોઈ રહ્યો. પહેલાં તો એને ખંડેર ઉપર હસવું આવ્યું. પછી એને આમ ગંભીરતાથી વેઢાં ગણતો જોઈને બોલ્યો. “એલા ખંડેર, તને ભૂત વળગ્યું કે પછી ઝાઝા રૂપિયા ભેગા થઈ ગ્યા છે? કયુંનો વેઢા ગણે છે તે!” “કંઈ નથી, એકવાર કીધું ને તને, તું જા.” “નથી જાવું જા. હું તો આંયાં જ ઊભવાનો. હું કરી લઈશ તું?” “તું મારી હામે દાદાગીરી કરે છે?” એ વધારે ધુંધવાયો. ઊભો થઈને ગટુ તરફ વળ્યો કે ગટુએ થડમાં વીંટાળેલા હાથ છોડ્યા. ને ખંડેરનો હાથ ખેંચીને પાછો પથ્થર ઉપર બેસાડતાં બોલ્યો. “હાલ ને તળાવે જાઈ! આમ જો, નાસ્તો.” ગટુએ ખિસ્સામાંથી વીસ રૂપિયાની નોટ કાઢીને એની સામે બતાવતાં કહ્યું. “મારે નથી ખાવું.” એ મોઢું નીચું કરીને હાથની આંગળીઓને તાકી રહ્યો. “પણ મારે ખાવું છે. હાલ હવે છાનોમાનો.” ગટુએ એનો હાથ ખેંચ્યો. એ પરાણે ઊભો થઈને ગટુની પાછળ ચાલવા લાગ્યો. ગટુ આગળ ચાલતો ચાલતો સિગ્નલના ટ્રાફિકની વાતો કરતો હતો. એ પાછળ ચાલતો હોંકારો ભણતો હતો. વસ્તીનાં નાકે એના પગ અચાનક રોકાયા. એણે દિલાનાં ઘર સામે જોયું. ‘પાંચ હજાર ને? એ તો થઈ જાશે. પણ એ પહેલાં એ કેટલા થાય એ તો ખબર પડવી જોઈ ને?’ એણે પોતાને જ સવાલ કર્યો. “હાલની આમ, તળાવ આ બાજુ છે.” ગટુએ એની પીઠ ઉપર ધબ્બો મારતાં કહ્યું. બંને તળાવ બાજુ ચાલ્યા. રસ્તામાંથી પસાર થતાં વાહનો, લારીઓ, ચાની કિટલીઓ... જાણે એને બધામાં સિક્કા ને નોટ દેખાતી હોય એમ એ ગણતો હતો. છતાં પણ પાંચ હજાર એટલે કેટલાં એ વાતનો તાળો મળતો ન હતો. “તમારે પાંચ હજાર આપવાના.” એક દુકાન પાસેથી પસાર થતાં દુકાનદારના શબ્દો એના કાને પડ્યા. એના પગ ત્યાં જ થંભી ગયા. પ્લાસ્ટિકની થેલીઓમાં ભરેલ સામાન અને પછી ગ્રાહક સામે જોયું. ગ્રાહકે કહ્યું. “પૂરા પાંચ?” દુકાનદાર એની સામે ડોકું હલાવી હસ્યો. એની આંખો ચમકી. ‘હાશ! હમણાં એ માણસ પાંચ હજાર કાઢશે ને મને ખબર પડી જાશે પાંચ હજાર એટલે કેટલાં થાય.’ એ, તે માણસના હાથ સામે ધારી ધારીને જોવા લાગ્યો. તે માણસે ખિસ્સામાં હાથ નાખ્યો, પાકિટ કાઢીને ફંફોસતાં કહ્યું, “રોકડા નથી, ઓનલાઇન ચાલશે?” “હા.” કહીને દુકાનદારે સ્કેનર સામે ધર્યું. ખંડેરની હાલત જાણે કિનારે આવીને ડૂબી ગયા જેવી થઈ ગઈ. એ નિરાશાનો બોજો લઈને તળાવ બાજુ વળ્યો. ગટુ ગાંઠિયાની લારી પાસે ઊભો હતો. ગરમ ગાંઠિયા ઉપર છંટાતી હિંગની સુગંધ એનાં નાકમાં પેઠી. પણ દર વખતની જેમ ઊઘડી જતી ભૂખે આજે મચક ન આપી. “તું ખાઈને આવ, મારે નથી ખાવું. હું પાળે જઈને બેસું.” એણે ગટુને કહ્યું. ‘ગટુ ને પૂછું? પાંચ હજાર એટલે…’ ગરમ તેલમાં તળાતા ગાંઠિયા જેવો તાજો વિચાર આવ્યો ને તરત હવાઈ ગયો. ‘ગટુ મારી મશ્કરી કરશે તો?’ જેવા વિચારોમાં ને વિચારોમાં ક્યારે તળાવની પાળ આવી ગઈ એની એને ખબર ન પડી. એણે પાળ પાસે નાના પથ્થરો પડેલા જોયા. એણે પાળ પાસેની થોડી જગ્યા સાફ કરી. એ આજુબાજુમાં પડેલા એક એક પથ્થરને ઉપાડતો ગણવા માંડ્યો. એક બે ત્રણ…ગણતરી ધીમે ધીમે કરતાં આગળ વધતી જ ગઈ. જેમ જેમ પાંચ હજારની નજીક પહોંચતો ગયો તેમ તેમ લાગ્યું કે દિલાનું ઘર એ હવે પોતાનું ઘર છે. ત્યાં માનો અલાયદો ઓરડો છે. પોતે જમીન પર ગોદડી પાથરીને નહીં, પરંતુ દિલો સૂવે એ ખાટલે સૂતો છે. ઝૂંપડીની બહાર દરવાજાવાળું બાથરૂમ છે. બાથરૂમમાંથી પાણીનો અવાજ આવે છે. પહેલીવાર સવારમાં આંખો ખોલતાં એને સંકોચ નથી થયો. કોઈ વિચાર નથી આવ્યો. આ વખતે એની ગણતરી ભૂલ વગરની પૂરી થઈ. પાંચ હજાર પથ્થર ભેગા કર્યાનો સંતોષ એના ચહેરા ઉપર ડોકાતો હતો. એ કેટલીય ઘડી સુધી અપલક નજરે ઢગલાને જોતો ત્યાં જ બેસી રહ્યો. ‘ભુખ્ખડ હજી આવ્યો નહીં’, એને ગટુ યાદ આવતાં ગાંઠિયાની લારી બાજુ નજર કરી. પછી એણે ચારે તરફ નજર ફેરવી. ગટુ ક્યાંય નજરે ન ચડ્યો. ‘મને આવવાનું કહીને ક્યાં વયો ગ્યો?’ - ઊભો થઈને પેન્ટ ખંખેરતાં એ બબડ્યો. સૂરજ ધીમે ધીમે કરતો માથે ચડવાની તૈયારીમાં હતો. એ મંદિર તરફ મોં કરીને પાળી ઉપર બેઠો. શિવમંદિરમાં ભીડ ઓછી થતી જતી હતી. તો મંદિર બહાર, માણસો શ્રાવણનાં મેળાની પૂર્વ તૈયારી માટે તંબુઓ બાંધતા હતા. ગટુ આવે એટલે આ ઢગલો એને બતાવીને કહીશ કે જો, આટલાં રૂપિયા ભેગા કરવાના છે. એ પે’લાં તો મારી મશ્કરી કરશે. પણ ખરા ટાણે એ જ તો કામમાં આવે છે. ગટુની રાહ જોવામાં જેમ જેમ સમય વીતતો જતો હતો તેમ તેમ એની અકળામણ વધતી જતી હતી. એ રાહ જોઈ જોઈને કંટાળ્યો. ત્યાંથી ઊભો થવાની તૈયારીમાં જ હતો કે સામે ગટુ આવતો દેખાયો. “આટલી વાર હોય? ખાવા ગ્યો’તો કે બનાવવા?” “એક કામ આવી ગ્યું’તું.” “બહુ કામઢો. મને કહીને તો જવાય ને. હું ઘરે વયો જાત.” ગટુ એની સામે જોઈને હસ્યો. “ખંડેર, આ જો.” ગટુએ ખિસ્સામાંથી પાંચસોની નોટ કાઢીને બતાવતા કહ્યું. “આટલાં બધા પૈસા! એલા આ... આટલા તારી પાસે ક્યાંથી? “ગઈ કાલે એક પાલટીને બાટલીમાં ઉતારી હતી. આજે માથે બૂચ મારીને આયવો.” “એટલે?” ખંડેરનો જીવ ઉપરતળે થતો હતો. “એટલે એમ કે દિલાનું ઘર પૂરા સાત હજારમાં ગ્યું. બે હજાર વધારે મળ્યા એની ખુશીમાં દિલાએ મને પાંચસો દીધા.” ગટુ પાંચસોની નોટ રમાડતો બોલ્યે જતો હતો. ખંડેરે ઘડીક પહેલાં કરેલા પથ્થરના ઢગલા સામે જોયું. કૂતરું બેસવા સારું એ ઢગલાને પગથી જોશમાં ખસેડતું હતું.
= = =
સમ્પાદકીય સમીક્ષાત્મક નોંધ
એમ કહી શકાય કે બાકોરું ખંડેરની હાલાકી સૂચવે છે, આંગળીનાં વેઢાં એની નિર્દોષતા સૂચવે છે, પથરા ગણવા તે એના લાચાર પ્રયાસને સૂચવે છે. એક અર્થમાં, બાકોરું કદી પૂરાયું નહીં એવી એક કરુણ ઘટનાની આ આકર્ષક કહાણી છે. પરન્તુ આકર્ષણ એ વાતનું છે કે કહાણી થોડીક નાટ્યાત્મકતા સાથે બહેલાવીને કહેવાઇ છે. વારંવાર આંગળીનાં વેઢાં ગણવાથી અને એ ગણિતને પાંચ હજાર પથરા લગી વિકસાવનારો સમગ્ર કથાપ્રપંચ ઘણો ઉપકારક રહ્યો છે. પણ એમાં વધારે ઉપકારક છે, કેટલીક ક્ષણોનું આલેખન. ટૂંકીવાર્તા કહેવાય એટલે સંભળાય પણ એમાં આલેખન ભળે તો દેખાય અને પેલું આકર્ષણ વધારે કલાત્મક થઈ જાય. આ કથક સવર્જ્ઞ હોવાછતાં કથન કરતાં કરતાં આલેખન કરવા લાગ્યો એની એ સર્જકતાની નૉંધ લેવી જોઈએ. કેટલાંક દૃષ્ટાન્તો -- -- લીસ્સી પ્લાયમાં હાથ સરકતો જતો હોય એવું લાગ્યું. દિવાલની એક બાજુએ મૂકેલી બારી જોઈને એની આંખોમાં ચમક આવી. એણે બારીમાંથી જોયું. દિલો ખાટલા પર આડો પડ્યો હતો. એક મોટી ઓરડીને બે ભાગમાં વહેંચેલી હતી. જાણે અંદર બીજો એક અલાયદો ઓરડો. -- આંખો બંધ કરીને આડો પડ્યો હોય ત્યારે દીકરાને સૂતેલો સમજી ઝટપટ કપડાં બદલતી મા યાદ આવી. ત્યારે પોતે સાવ જડ જેવો થઈને આંખો બંધ કરી પડ્યો રહેતો. -- એ ઘરની સાવ નજીક પહોંચ્યો ત્યારે મા ઝૂંપડીમાં ન્હાતી હતી. એને ફાટેલા કોથળામાંથી માની ખુલ્લી પીઠ દેખાઈ. રસ્તે નીકળતા કેટલાય લોકોની નજર ત્યાં ચોંટી હશે. એને એ વિચારથી જ કમકમાં આવી ગયાં. -- એક વખત મોટો લાગતો સિક્કાઓનો ઢગલો આજે એને નાનો લાગવા માંડ્યો. એણે બધા સિક્કાઓ ભેગા કરીને ડબલામાં નાખ્યા. ગોદડીનો ગોટો વાળીને ખૂણામાં ઘા કર્યો અને ઝૂંપડીની બહાર નીકળી ગયો. -- પોતાની ઝૂંપડીની સામે આવેલી ગોરસ આમલીની નીચે જઈને એ ઊભો રહ્યો - ડોક ઊંચી કરીને આમલીનાં અગણિત પાંદડાઓને ગણતો હોય એમ. જાણે એક એક પાંદડામાં એને સિક્કાઓ અને નોટો દેખાતી ન હોય! -- એણે પાળ પાસેની થોડી જગ્યા સાફ કરી. એ આજુબાજુમાં પડેલા એક એક પથ્થરને ઉપાડતો ગણવા માંડ્યો...પાંચ હજાર પથ્થર ભેગા કર્યાનો સંતોષ એના ચહેરા ઉપર ડોકાતો હતો. એ કેટલીય ઘડી સુધી અપલક નજરે ઢગલાને જોતો ત્યાં જ બેસી રહ્યો. કથકની ઉપકારક ઉક્તિઓનાં કેટલાંક દૃષ્તાન્તો -- (નિરૂપણમાં વધારે ઉપકારક શબ્દો કે શબ્દગુચ્છોને મેં અવતરણચિહ્નમાં મૂકીને હાઇલાઇટ કર્યા છે). -- આંગળીનાં વેઢાંઓને ‘આંખોથી’ ગણતો હોય એમ એ કેટલીય ઘડી બેસી રહ્યો. -- એ પ્રશ્ન પેટમાં આવતી ‘ચૂંકની જેમ’ વારે વારે ખૂંચ્યા કરતો હતો. -- ફરી ફરીને આવતા એક જ વિચારે એનાં ‘મગજને’ ઘેરી લીધું. -- એણે એની આજુબાજુ પડતાં ‘તડકાનાં ચાંદરડાં’ સામે જોયું. -- એ ગણતરી કરવામાં ‘તરબોળ’ થઈ જવાને ‘આરે’ હતો કે એની પીઠ ઉપર કાંકરી વાગી. -- ખંડેરની હાલત જાણે ‘કિનારે’ આવીને ‘ડૂબી ગયા’ જેવી થઈ ગઈ. એ ‘નિરાશાનો બોજો’ લઈને તળાવ બાજુ વળ્યો. -- પણ દર વખતની જેમ ‘ઊઘડી જતી’ ભૂખે આજે ‘મચક’ ન આપી. -- ગરમ તેલમાં તળાતા ‘ગાંઠિયા જેવો તાજો’ વિચાર આવ્યો ને તરત ‘હવાઈ ગયો’.
= = =