સાહિત્ય પલ્લવ – ભાગ ૩/પૃથ્વી
૧. પૃથ્વી
રસિકલાલ છોટાલાલ પરીખ
દીસે છ જડ શાંત આ પડ વિશાળ પૃથ્વી તણું,
તથાપિ રસ રુદ્ર એ પડ તળે ઘૂમે તાંડવે.
અને ઘૂમી ઘૂમી મદે પડ બધાંય ભેદી, મહા
ફલંગ નભશું ભરે જટિલ રુદ્ર જ્વાલામુખી.
સખે, હૃદય એમ આ જડ સમું ભભૂકી ઊઠે;
અને ગહન ચિત્તથી અનનુભૂત લાવા જળી
દહે મૃદુલ ભૂમિકા સકલ માનવી ભાવની;
રહે ન અવશેષ કો સ્મરણબંધ એક્કે બચી.
નિહાળી નિજ ભસ્મને ક્ષિતિજ પાર જોવા મથું;
વિચારું : ‘કદી ભસ્મથી નવ ચિદંશ જાગ્યો હશે?’
ત્યહીં વિહગ કો વદે, ‘સ્વતનુખાખના પુંજથી,
નિહાળ. નવયૌવને અજર પાંખ મારી ઊડે!’