સાહિત્ય પલ્લવ – ભાગ ૩/ઝવેરચંદ મેઘાણી
[આ યુગની એક મોટામાં મોટી વેદના કવિએ જૂના ભજનના ઢાળમાં ઘણ અને એરણને ભાઈબહેન કલ્પી તેમની પાસે જ દિલ હલાવનારી વાણીમાં ગવરાવી છે. જે સાધનો માનવજાતનું અપાર હિત કરી શકે એમ છે તેમનો જ વિનાશ માટે ઉપયોગ કરવામાં આવે છે. પણ કવિ કહે છે તેમ, માણસના મનમાં છેવટે તો વિચાર ઊગ્યા વગર રહેતો નથી : મારાં બાળક અન્ન માગે છે તે કોણ આપી શકશે? દાતરડું કે તલવાર? આ પ્રશ્ન માનવજાતને ઠેઠ તેના બાળપણથી મૂંઝવતો આવ્યો છે. પોતે એનો ઉત્તર મનોમન કાંક સમજે પણ છે, છતાં તેનો હાથ દાતરડાને બદલે તલવાર ને કારીગરોનાં ઓજારોને બદલે તોપગોળા, ઘડી બેસે છે. માનવજાતની આ ઘેલછા જ છે. કવિએ એના હાથમાંના ઘણ પાસે જ હવેથી વિનાશને બદલે નવસર્જનનાં ઓજારો ઘડવાનો મનસૂબો બોલાવરાવ્યો છે, એ પસંદગીમાં મોટું ઔચિત્ય છે. તલવાર અને તોપગોળો ઘડનાર હાથના માલિક કરતાં હાથમાંના હથોડાને એવું ઘડી ઘડીને વહેલો ત્રાસ છૂટે છે, એને જગતના નિભાવ અને વિકાસ માટે હવે તો ઘડવું જોઈએ એમ સૂઝે છે, પણ હાથના માલિકને સૂઝતું નથી! — એવો કટાક્ષ એ પસંદગીને લીધે આપણી આગળ પ્રત્યક્ષ થાય છે. બીજું કાવ્ય લોકગીત છે. ગિરનારને માથે ભમતા ‘રૂખડ બાવા’નું ચિત્ર એમાં આલેખાયું છે. ‘જુનાગઢમાં દાતારના ડુંગર પર જેની પ્રતિષ્ઠા છે, તે વેલા નામના એક કોળી સંત થઈ ગયા, તેનું નામ રૂખડ બાવો કહેવાતું.’ આ ગીતમાં એક પછી એક ઉપમા ઉપાડી લોકકવિ કેવું મસ્ત ચિત્ર આપણી આગળ રજૂ કરે છે એ જોવાનું છે. એની ધ્રુવપંક્તિના ગંભીર નાદમાંથી પણ રૂખડ બાવાની ભવ્ય ખુમારીનો ખ્યાલ આવે છે... આવાં અનેક લોકગીતો કવિએ એકઠાં કરી કાળમાં લય પામતાં ઉગારી લીધાં છે.]