સાહિત્ય પલ્લવ – ભાગ ૩/કેડી
Revision as of 10:26, 19 April 2026 by Meghdhanu (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨. કેડી|સુંદરજી બેટાઈ}} {{Block center|<poem> જોતાં જતાં અમને કેડી રે લાધી વંકાતી જાય આઘી આઘી રે; ભમતાં ભમતાં અમને કેડી રે લાધી, જીવનની ખીણમાં ઝંખાતી રે, એવી એવી અમને કેડી રે લાધી. વચ્ચે વ...")
૨. કેડી
સુંદરજી બેટાઈ
જોતાં જતાં અમને કેડી રે લાધી
વંકાતી જાય આઘી આઘી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી,
જીવનની ખીણમાં ઝંખાતી રે,
એવી એવી અમને કેડી રે લાધી.
વચ્ચે વચ્ચે રે શીળા બાંધ્યા વિસામા
પંથીના થાક પરમાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પરબું બેસાડી કોણે મારગના વાંકમાં
તરસ્યાંની આરત જાણી રે?
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
માંડ્યાં સદાવ્રત કૈંક મહાવ્રતીએ,
આતમને આજ ઉજાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પૂરવ – પ્રવાસી કેરી પ્રગટ પનોતી
ભાવિને ર્હેતી ઉજાસી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
કોણ જોગી ને વળી કોણ રે સંસારી?
સહુ કોઈ મારગ – પ્રવાસી રે;
જાગી જાગીને કોઈ ભાગે છે હંસલા,
સૂતા છે કૈંક અભાગી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
જીવનની જ્યોતિયે ઝંખાતી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
‘ઈન્દ્રધનુ’માંથી